પાલિતાણા,તા.22 પાલિતાણા તાલુકાના ઘેટી ગામે રાજ્યનું સૌ પ્રથમ હેલ્થ એટીએમ મુકવામાં આવ્યું છે. આ હેલ્થ એટીએમ થકી કોઈ પણ વ્યક્તિ ૨૦ મિનિટમાં ૪૧ રોગની તપાસ કરાવી શકશે. આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ હેલ્થ એટીએમને તાજેતરમાં જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું છે.
આરોગ્ય ક્ષેત્રે ટેકનોલોજીના સંયોજનથી લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે હેલ્થ એટીએમની સેવા શરૂ કરવા માટે પ્રયત્નો હાથ ધરાયા હતા. આ માટે સરકાર દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે વિકસાવવામાં આવેલા પાલિતાણાના ઘેટી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પસંદગી કરી અહીં આધુનિક ટેકનોલોજીથી સજ્જ હેલ્થ એટીએમ મુકવાનું આયોજન કરાયું હતું. જેના માટે જિલ્લા વિકાસ અધિકારી સહિતનાઓએ રજૂઆત કરતા સરકારે ઘેટી ગામે રાજ્યનું પ્રથમ હેલ્થ એટીએમ ફાળવ્યું હતું.
જેનું ગત સપ્તાહમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ હેલ્થ એટીએમ થકી વ્યક્તિના ડાયાબીટીસ, મેલેરિયા, ડેન્ગ્યુ, લોહી અને યુરિન સહિતના ૪૧થી વધારે ટેસ્ટ કરી શકાશે. આ ટેસ્ટનું રિઝલ્ટ તજજ્ઞાને ફોરવર્ડ કરી વીડિયો કોન્ફરન્જથી જરૂરી સલાહ અને સારવારનું લિસ્ટ પ્રિન્ટ મેળવી શકાય છે.