ચરોતર વિદ્યામંડળના 75માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ઉપ-રાષ્ટ્રપતિ વૈંકયા નાયડુએ યુનિવર્સિટી જાહેર કરી હતી. કહ્યું હતું કે, રાષ્ટ્રને 74 વર્ષ સુધીની લાંબી સેવા આપવા બદલ તેને યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવે છે.
ગુજરાતમાં ચરોતર વિદ્યામંડળની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણીના પ્રસંગે સંબોધન આપતી વેળા ઉપ-રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, સરદાર પટેલ ગ્રામીણ વિસ્તારોમાં વસતા લોકોને મૂલ્ય આધારિત શિક્ષણ આપીને તેમને સશક્ત બનાવવામાં દૃઢપણે માનતા હતા અને આ સંસ્થાનો મુખ્ય હેતુ પણ આવો જ છે.
પાછલા ૨ સૈકામાં ચરોતરમાં થઇ ગયેલા પ્રબુદ્ધ નાગરિકોના પુણ્યપ્રતાપે ચરોતરમાં શિક્ષણના દીવા ઝબૂકી રહ્યા છે. ગયા અઠવાડિયામાં ગુજરાત સરકાર દ્વારા કુલ ૨ બિલ લાવીને ચારૃતર વિદ્યામંડળ અને ચારૃતર આરોગ્ય મંડળને યુનીવર્સીટીનો દરજ્જો આપવા માટે મંજુરી આપી દીધી છે. ચરોતરમાં કુલ ૫ યુનીવર્સીટી થશે ચરોતરની સાક્ષરતા સહકારના ધોરણે ઘડાયેલી અને ટકેલી છે. ખેડૂતોએ પોતાની જમીનો આપી દીધી છે. ભાઈકાકા, ભીખાભાઈ અને વલ્લભભાઈ પટેલના કારણે આમ આજે શક્ય બન્યું છે.
૭૫ વર્ષના સમયગાળામાં 10 લાખથી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ આપીને સક્ષમ બનાવવામાં ફાળો છે.
મહાનુભાવો ચરોતરના
બ્રિટિશકાળથી જ ચરોતર પ્રદેશ સમગ્ર ગુજરાતમાં કેળવણીની દીવાદાંડી તરીકે વર્તી રહ્યો છે. બ્રિટિશ શાસનમાં બૃહદ મુંબઈ રાજ્ય (ગુજરાત અને મહારાષ્ટ્ર)ના મુખ્ય કેળવણીકાર મૂળ મહુધાના વતની એવા હરિલાલ દેસાઈભાઈ દેસાઈ હતા.
રણછોડ ઉદયરામ દવે
મહુધાના જ એક અન્ય મહાનુભાવ રણછોડભાઈ ઉદયરામ દવેએ કચ્છ સ્ટેટના મુખ્ય પ્રધાનપદે હતા, સભ્ય નાટકોના સર્જક અને ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ પણ રહ્યા હતા.
ગોવર્ધનરામ ત્રિપાઠી
નડિયાદને સાક્ષરભૂમિ બનાવનારા ગોવર્ધનરામ ત્રિપાઠી અને મણીલાલ દ્વિવેદી હતા. પેટલાદમાં સને 1873માં પુસ્તકાલયની સ્થાપના થઈ હતી. 1921માં મહિલા પુસ્તકાલય અને બાળ પુસ્તકાલય શરૃ કરવામાં આવ્યા હતા.
પ્રથમ કોલેજ
સને ૧૯૪પ માં આર .કે. પરીખ આર્ટસ કોલેજ તથા સને ૧૯૪૭ માં સાયન્સ કોલેજ શરૃ થઈ હતી. સરદાર પટેલના અથાગ પ્રયત્નોથી વિવિધ વિદ્યાધામોની શરૃઆત થઇ હતી. ઉપરાંત કન્યા કેળવણી માટે પણ ખાસ અલાયદી શાળાઓ બની હતી.
નડિયાદમાં મૂળ વસોના દેસાઈ ગોપાલદાસ દરબારે 1935માં વિઠ્ઠલ કન્યા વિદ્યાલયની સ્થાપના કરી હતી. રાજકોટમાં પણ ઈ.સ. ૧૯૪૬માં વલ્લભ કન્યા વિદ્યાલયની સ્થાપના તેઓએ કરી હતી.
ચરોતર એજ્યુકેશન સોસાયટી
વસોના મોતીભાઈ અમીન સાથે મળીને દરબાર ગોપાલદાસે પુનાની ફર્ગ્યુસન કોલેજના મોડેલને અનુરૃપ આણંદમાં ડી.એન. હાઈસ્કુલ અને ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના 16 એપ્રિલ 1916ના રોજ કરી હતી. ચરોતર એજ્યુકેશન સોસાયટીમાં બધું કરીને આજે આશરે ૩૦ જેટલા અભ્યાસક્રમો ચાલે છે.
ભીખાભાઈ પટેલ
આ સંસ્થાને ઉભી કરવામાં સ્વયંસેવક તરીકે કાર્ય કરનારા ભીખાભાઈ પટેલ આગળ જતા ચારૃતર વિદ્યામંડળના આદ્યસ્થાપકો પૈકી એક બન્યા હતા.
આણંદમાં વ્યાયામશાળા શરુ કરનારા પુરાણીબંધુઓ હતા.
ચારૃતર વિદ્યામંડળ
સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શનમાં ડો.ભાઈલાલભાઈ ડાદ્યાભાઈ પટેલ અને ભીખાભાઈ કુબેરભાઈ પટેલે 1945માં ચારૃતર વિદ્યામંડળની સ્થાપના કરી હતી. શૈક્ષણિક સંસ્થાઓના નિર્માણ માટે ચરોતરના ખેડૂતોએ ઉદાર હાથે જમીનો દાનમાં આપી હતી. ૧૯૪૭માં વિજ્ઞાન કોલેજ, ૧૯૪૮માંઈજનેરી કોલેજ, ૧૯૫૦માં વાણિજ્ય કોલેજ, ૧૯૫૫માં સરદાર પટેલ યુનીવર્સીટી, ૧૯૫૮માં પોલીટેકનીક અને ૧૯૫૯માં વિનયન કોલેજની સ્થાપના થઇ હતી.
નડિયાદમાં કોલેજો
નડિયાદમાં ધર્મસિંહ દેસાઈ અને નડિયાદ એજ્યુકેશન સોસાયટીએ અનેક શૈક્ષણિક સંસ્થાઓનું નિર્માણ કર્યું હતું.
મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકે મહેમદાવાદ નજીક પુસ્તકાલયની સ્થાપના કરી હતી.
ચારૃતર આરોગ્ય મંડળ
વિદ્યાનગર-કરમસદમાં ચારૃતર વિદ્યામંડળની સાથોસાથ ભારતના ભૂતપૂર્વ નાણામંત્રી ડો. એચ.એમ. પટેલ દ્વારા ૧૯૭૨માં સ્થાપિત ચારૃતર આરોગ્ય મંડળ થયું હતું. અનેક મેડીકલ સુવિધાઓ આ મંડળના નેજા હેઠળ ઉભી કરવામાં આવી હતી. કરમસદ સ્થિત કૃષ્ણ હોસ્પિટલ બની હતી.
ડો.એચ. એમ. પટેલ, પૂર્વ નાણાં પ્રધાન
ચારૃતર આરોગ્ય મંડળ ઉપરાંત પૂર્વ નાણા પ્રધાન, આઈ.સી.એસ. ડો. એચ.એમ. પટેલે ચારૃતર વિદ્યામંડળનો પણ ઉત્તમ વિકાસ કર્યો હતો શાળા-કોલેજોની સંખ્યામાં ઘણી વૃદ્ધિ થઇ હતી.
ત્રિભુવનદાસ પટેલે
અમુલ ડેરીની સ્થાપના ત્રિભુવનદાસ પટેલે કરી હતી. માણસપારખું ત્રિભુવનદાસે અમુલને સફળ બનવવા ડો. કુરિયન અને દલાયાને અમુલ સાથે જોડયા હતા. ત્રિભુવનદાસ પટેલે અમુલ ઉપરાંત ત્રિભુવનદાસ પટેલ ફાઉન્ડેશનની પણ સ્થાપના કરી હતી.
કનૈયાલાલ મુન્શી
સરદાર પટેલ અને કનૈયાલાલ મુન્શીના ખ્યાલથી આણંદ એગ્રીકલ્ચર યુનીવર્સીટી સ્થપાઈ હતી. ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી હતી. ગ્રામીણ વિકાસ માટે ૧૯૭૯માં ઈરમાની સ્થાપના થઈ હતી.
ડો. સી.એલ. પટેલ
ચારૃતર વિદ્યામંડળ દ્વારા ડો. સી.એલ. પટેલના નેતૃત્વમાં સ્વનિર્ભર કોલેજો ‘૯૦ના દશકમાં શરુ કરવામાં આવી હતી. એનવીપાસ, સેમકોમ, એડીઆઈટી, જીસેટ વિ. કોલેજો સ્વનિર્ભર કોલેજો બની હતી.
ભીખુભાઈ – અમૃતા પટેલ
ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે પણ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. ભીખુભાઈ પટેલના નેતૃત્વમાં સીવીએમને સીવીએમ યુનીવર્સીટી અને ડો. અમૃતાબેન પટેલના નેતૃત્વમાં ચારૃતર આરોગ્ય મંડળને ભાઈકાકા યુનીવર્સીટી તરીકે માન્યતા મેળવા ભારે પ્રયાસો કર્યા હતા.
3 જ સરકારી કોલેજો
ચરોતર વિસ્તારમાં ફક્ત ૩ જ સરકારી કોલેજો આવેલી છે. ઘણી ગ્રાન્ટ ઇન એઇડ કોલેજો સહકારી ધોરણે ઊભી કરવામાં આવી છે. છેલ્લા દશકામાં અનેક સ્વનિર્ભર કોલેજોની રચના કરવામાં આવી છે. ચરોતરમાં આણંદ, કરમસદ અને નડિયાદ સિવાય ઉમરેઠ અને અન્ય નગરોમાં પણ નાની મોટી અનેક શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે.