ચાઈલ્ડ ટ્રાફિકીંગ કેસમાં પૂના-સુરતથી બાળકીઓ ઉપાડી લાવનાર આરોપીની ધરપકડ

અમદાવાદ, તા.9

બેએક મહિના અગાઉ નવા વટવા વિસ્તારમાંથી રેસ્કયુ કરાયેલા 17 બાળકો અને સંરક્ષણ ગૃહમાં આશરો લઇ રહેલી બે બાળાઓ પૈકી ચારનું અપહરણ કરીને વર્ષો અગાઉ અમદાવાદ લાવી તેમની પાસે સલાટ પરિવાર ભિક્ષાવૃત્તિ-ચોરી કરાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ક્રાઈમ બ્રાંચની ટીમે ચાઈલ્ડ ટ્રાફિકીંગ રેકેટની મુખ્ય સૂત્રધાર આનંદી સલાટના ફરાર પુત્ર બેતાબ ઉર્ફે શિવમને ઝડપી લીધો છે. બેતાબ ઉર્ફે શિવમે સુરત અને પુના ખાતેથી બાળકીઓનું અપહરણ કરીને તેની માતા આનંદી સલાટને આપી હોવાની વિગતો તપાસમાં સામે આવી છે.

અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલી અને બાળ રિમાન્ડ હોમમાં રહેતી બે બાળકીઓએ ઘટસ્ફોટ કર્યો હતો કે, આનંદી સલાટ નાના બાળકો પાસે ભીખ મંગાવવા અને ચોરી કરાવવાનું રેકેટ ચલાવી રહી છે. આ મામલે જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના જસ્ટીસ એ.પી.પટેલે મહિલા ક્રાઈમ બ્રાંચને ગુનો નોંધી કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. જેના પગલે મહિલા ક્રાઈમ બ્રાંચની ટીમે આનંદી સલાટના ઘરની આસપાસ વોચ ગોઠવી હતી. કેટલાક દિવસો બાદ વહેલી પરોઢ પહેલા ગત જુલાઈ મહિનામાં નવા વટવા વિસ્તારમાં આવેલી માનવનગર સોસાયટીમાં આનંદીના ઘર પર દરોડો પાડી 17 બાળકોને પોલીસે રેસ્કયુ કર્યા હતા. આનંદી સલાટ સાથે સંડોવાયેલા તેના ચાર પુત્રો પૈકી એક સગીર પુત્ર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જ્યારે અન્ય ત્રણ પુત્ર બેતાબ, ઈનેશ અને આનંદ મળી આવ્યા ન હતા.

ચાઈલ્ડ ટ્રાફિકીંગ રેકેટમાં આનંદી સલાટ સાથે સંડોવાયેલા તેના પ્રેમી સંપત મુદલીયારની પણ પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ આનંદીના ફરાર સગીર પુત્રને પણ અટકમાં લીધો હતો. તપાસ દરમિયાન આનંદી સલાટ રેસ્કયુ કરાયેલા 17 બાળકો તેમજ સંરક્ષણ ગૃહમાં આશરો લઇ રહેલી બે બાળાઓ તેના જ પરિવારના હોવાનો દાવો કરતી હોવાથી તમામ 19 બાળકોના ડીએનએ ટેસ્ટ કરાવાતા ચાર બાળકીઓ આનંદીના પરિવારની નહીં હોવાનું સામે આવ્યું હતું. આનંદી સલાટનો પુના ખાતે રહેતો પુત્ર બેતાબ ઉર્ફે શિવમ અને આનંદીની નણંદ બાળકીઓનું જુદાજુદા શહેરમાંથી અપહરણ કરીને લાવી હોવાની વિગતો બહાર આવી હતી.

ક્રાઈમ બ્રાંચે મહારાષ્ટ્રના લોનાવાલા ખાતે રહેતા બેતાબ ઉર્ફે શિવમને ઝડપી લેતા તેણે બાળકીઓનું અપહરણ કરી માતાને આપી હોવાની કબૂલાત કરી છે.

આનંદીની નણંદ બાળકો સપ્લાય કરતી હતી 

આનંદી સલાટની સુરત ખાતે રહેતી નણંદ કમલાને મહિલા ક્રાઈમ બ્રાંચે ચાઈલ્ડ ટ્રાફિકીંગ કેસમાં આરોપી બનાવી છે. કમલાએ ત્રણ બાળકીઓનું છેલ્લા સાત વર્ષમાં અપહરણ કરી આનંદીને હજારો રૂપિયામાં વેચી હોવાની વિગતો તપાસમાં સામે આવી છે. રેલવે સ્ટેશન તેમજ જાહેર સ્થળો પર બિનવારસી બાળાઓને ટાર્ગેટ કરીને તેમને લાલચ આપી અપહરણ કરાતું હતું. સુરત પોલીસના ચોપડે કમલા લિસ્ટેડ બુટલેગર તરીકે નોંધાયેલી છે.

અપહ્યત બાળાઓ આનંદી સલાટ પુત્ર પાસેથી ખરીદતી હતી

મુખ્ય સૂત્રધાર આનંદી સલાટ ભિક્ષાવૃત્તિ અને ચોરી કરાવવા અપહ્યત બાળકોનો ઉપયોગ કરતી હતી. આનંદી સલાટનો પુત્ર બેતાબ ઉર્ફે શિવમ જે બાળકીઓનું અપહરણ કરીને લાવતો અને તેના બદલામાં તેની માતા પાસેથી બેતાબ હજારો રૂપિયા વસૂલતો હતો. છેલ્લા સાતેક વર્ષમાં બેતાબ ઉર્ફે શિવમે ત્રણેક જેટલી બાળાઓના અપહરણ કર્યા હોવાની માહિતી સામે આવી છે.

સંપત મુદલીયારે બાળકો પાસે ચોરી કરાવવાનોઆઈડીયા આપ્યો હતો 

વર્ષ 1996થી આનંદી સલાટ સાથે લીવ ઈન રિલેશનશીપમાં રહેતા સંપત મુદલીયારે બાળકો પાસે ભિક્ષાવૃત્તિ ઉપરાંત ચોરી કરાવવાનો આઈડીયા આપ્યો હતો. બાળ સંરક્ષણ ગૃહમાં રહેલી બે બાળાઓ વર્ષ 2017 અને 2019માં અનુક્ર્મે ખોખરા અને વટવા પોલીસ સ્ટેશન હદમાં ચોરી કરવાના ગુનામાં અગાઉ પકડાઈ હતી. સંપત મુદલીયારે બાળકો દ્ધારા ચોરી કરાયેલો સામાન વેચવાની જવાબદારી લીધી હતી. આ ઉપરાંત ચોરીના ગુનામાં પકડાયેલા બાળકોને બાળ સંરક્ષણ ગૃહમાંથી છોડાવી લાવવાની કામગીરી સંપત કરતો હતો.