અમદાવાદ, તા. 24
નવરાત્રિને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતી ગાયિકા અને હાલમાં જ ભાજપમાં જોડાનાર કિંજલ દવેની મુશ્કેલીમાં વધારો થયો છે. ફરી એકવાર ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતને લઈને કિંજલ દવે વિવાદમાં આવી ગઈ છે. આ ગીતના કોપીરાઈટ અંગે ફરીવાર ઓસ્ટ્રેલિયાના ગુજરાતી ગાયક કલાકાર કાર્તિક પટેલે શહેરની સિવિલ કોર્ટમાં તેની સામે દાવો માંડ્યો છે. અને તેની પ્રાથમિક સુનાવણી બાદ કોર્ટે નોટિસ પાઠવી છે.
આ અંગે વિગતો એવી છે કે, ઓસ્ટ્રેલિયાના ગુજરાતી સિંગર કાર્તિક પટેલે ફરી કોર્ટમાં ગીતના કોપીરાઇટ મામલે સિટી સિવિલ કોર્ટમાં દાવો કર્યો છે. હવે આગામી દિવસોમાં કિંજલ દવેએ આ મામલે ફરીવાર કોર્ટમાં ખુલાસો કરવો પડશે. આ મામલે અગાઉ કોમર્શિયલ કોર્ટમાં કેસ થયો હતો. આ સમયે કોર્ટે યોગ્ય કોર્ટમાં કેસ દાખલ કરવાનું ફરમાન કર્યું હતું.
અગાઉ કોમર્શિયલ કોર્ટે આપ્યો હતો સ્ટે
ઓસ્ટ્રેલિયાના ગાયક કલાકારની દલીલ બાદ અગાઉ કોમર્શિયલ કોર્ટે કિંજલને આ ગીત ગાવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. અને કોર્ટના આદેશને આધીન કિંજલે આ ગીત જાહેર કાર્યક્રમોમાં ગાવાનું બંધ કર્યું હતું તથા યૂ-ટ્યૂબ પર અપલોડ કરાયેલા આ ગીતોની તમામ સામગ્રી પણ હટાવી દેવાઈ હતી. જે તે વખતે કિંજલે એવું કહ્યું હતું કે, આ ગીત સ્ટૂડિયોની યૂ-ટ્યૂબ ચેનલ દ્વારા અપલોડ કરાયું હતું. જોકે, 2019ની શરૂઆતમાં કિંજલની અરજી બાદ ગુજરાતની વડી અદાલતે રાહત આપી ગીત ગાવા પરનો પ્રતિબંધ હટાવી દીધો હતો.
કાર્તિક પટેલનો કોપીરાઈટનો દાવો
ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા ગુજરાતી યુવક કાર્તિક પટેલે આ ગીત પર કોમર્શિયલ કોર્ટમાં કોપીરાઈટનો દાવો કર્યો હતો. તેણે કહ્યું છે કે આ ગીત તેણે લખ્યું છે અને ગાયું પણ છે. જેની કિંજલ દવેએ નકલ કરી છે. અરજદારની કંપનીએ કોપીરાઇટ ધારા હેઠળ રજૂઆત કરી છે કે આ ગીત તેણે બનાવી તેનો વીડિયો યુટયૂબ પર વર્ષ 2016માં અપલોડ કર્યો હતો. તેના એક મહિના પછી ગીતમાં થોડા ફેરફારો કરી કિંજલ દવે એ આ ગીત ગાયું હતું.