ચાર મહાનગરો ઉપરાંત ગાંધીનગર શહેર અને કચ્છ જિલ્લામાં ૨૫ માર્ચ સુધી જીવન આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ સિવાયની દુકાનો-મોલ્સ-એકમો બંધ રહેશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે,

વિશ્વ વ્યાપ મહામારી COVID 19 કોરોના વાયરસ મોટા ભાગે લોકોના એક બીજાના વધુ સંપર્કથી ફેલાતો હોય છે તે સંદર્ભમાં લોકો  કોન્ટેક્ટ ટુ કોન્ટેક્ટમાં ન રહે, આવશ્યક ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળે  તેવી આરોગ્ય સુખાકારીની નેમ સાથે રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં   તા. ૨૫ માર્ચ, ૨૦૨૦ સુધી જીવન આવશ્યક ચીજ વસ્તુઓ  સિવાયની તમામ દુકાનો, મોલ્સ બંધ રાખવાનો નિર્ણય અગાઉ કરેલો છે.

હવે આ ચાર મહાનગરો ઉપરાંત રાજ્યના પાટનગર ગાંધીનગર શહેર તથા  કચ્છ જિલ્લામાં પણ આ નિયંત્રણો લાગુ કરવાનો તેમણે નિર્ણય કર્યો છે.

એટલે કે, ગાંધીનગર મહાનગર અને સમગ્ર કચ્છ જિલ્લામાં પણ તા. ૨૫ માર્ચ, ૨૦૨૦ સુધી દૂધ, શાકભાજી, દવાઓ વગેરે જેવી જીવન આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની તમામ દુકાનો, મોલ્સ, એકમો બંધ રાખવાના રહેશે.

આ કોરોના વાયરસના ચેપ નિયંત્રણ માટે વધુ એક જનહિતલક્ષી નિર્ણય લઇને સમગ્ર રાજ્યમાં આજથી તા. ૨૫મી માર્ચ, ૨૦૨૦ સુધી પેસેન્જર બસ સેવાઓ, ટેક્ષી કેબ, મેક્ષી કેબના સંચાલન પર પ્રતિબંધ મૂક્યો છે.

ખાનગી માલિકીના વાહનો, સરકારી વાહનો તેમજ આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા અને કોરોના ચેપ નિયંત્રણ કામગીરી સાથે સંકળાયેલા વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.

સચિવાલય આવતી પોઇન્ટ બસ સેવાઓ  પણ યથાવત રહેશે.

ગુજરાતમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા અન્ય રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં નાગરિકોની અવરજવર રહેતી હોય છે તે સંજોગોમાં કોરોના વાયરસનો વ્યાપ આવા અન્ય રાજ્યોમાંથી આવતા લોકો દ્વારા  વધુ ન ફેલાય તે માટે અન્ય રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવતી ઇન્ટર સ્ટેટ બસ સેવાઓ, ટેક્ષી કેબ, મેક્ષી કેબ સેવાઓના વાહનો પણ આજથી તા. ૩૧ માર્ચ, ૨૦૨૦ સુધી ગુજરાતમાં પ્રવેશ કરી શકશે નહીં તેવો નિર્ણય કર્યો છે.

આ કોરોના વાયરસનો ફેલાવો વધે નહીં અને સૈા નાગરિકો સુરક્ષિત રહે તે માટે પ્રધાનમંત્રીશ્રીએ ૨૨ માર્ચ રવિવારે આપેલા દેશવ્યાપી જનતા કર્ફયુનું રાજ્યના સૈા નાગરિકોએ જે પ્રચંડ સમર્થન કર્યું છે

આ જનતા કફર્યુની સમયાવધિ સવારે ૭ થી રાતના ૯ સુધીની ભલે હોય પરંતુ રાત્રે ૯ વાગ્યા પછી પણ આવશ્યક ન હોય ત્યાં સુધી સૌ નાગરિકો ઘરની બહાર ન નીકળે તે તેમના આરોગ્યના હિતમાં છે.

રાજ્યના નગરો-મહાનગરો સહિતની જનતા જનાર્દન આ અપીલનું પાલન કરે અને રાત્રે ૯ વાગ્યા પછી પણ બહાર રસ્તાઓ પર ન નીકળી આવે તેવું સુનિશ્ચિત કરવા તમામ જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા પોલીસ અધિક્ષકો અને પોલીસ કમિશનરોને સૂચના આપી હતી.