સેન્ટર ઓફ એક્સલન્સની મદદથી ખેડૂતો લાખોપતિ થઇ ગયા છે. પ્રાંતિજ પાસેના વદરાડ ગામે શાકભાજી અને ફળ માટે નર્સરીથી લઇને ઉત્પાદન સુધીની નવી ટેકનોલોજી અપનાવાઇ રહી છે. ઇઝરાયલ પદ્ધતિ પ્રમાણે વદરાડ ખાતેના સેન્ટર ઓફ એક્સલન્સ ખાતેથી ધરૂનો પ્લગ ટ્રેમાં ઉછેર કરીને ગુણવત્તાયુક્ત કલમ રોપાઓ ખેડૂતોને આપવામાં આવે છે. જે ખાસ ખાતર અને નિયંત્રીત તાપમાન હેઠળ તૈયાર કરવામાં આવ્યા હોય છે. જે ખેડૂત તરબૂચ વાવતા હોય તેમને તે ધરૂ આપવામાં આવે છે, જે ખેડૂત લઇને તેમના ગ્રીન હાઉસમાં ઉછેરે છે. તેના કારણે ચાર મહિના પછી આવતા તરબૂચ એક મહિનામાં જ તૈયાર થઇ જાય છે.
સિઝન કરતા વહેલા તરબૂચનો ફાયદો ખેડૂતને સારા પૈસા અપાવી શકે છે. આવું જ વિવિધ શાકભાજીના પાકમાં પણ થઇ રહ્યું છે. આ ટેક્નિક એટલી ફાયદાકાર નિવડી છે કે તે શીખી ગયેલા ખેડૂત અન્યને પણ ધરૂ વેચતા થઇ ગયા છે. વદરાડ ગામના ખેડૂત રસિક પટેલ કહે છે કે ખેડૂતો માટે આ ટેકનોલોજી ઉપયોગી છે.
અહીં ચેરી ટામેટાની એક જાત વિકસાવાઇ છે જે સામાન્ય ટામેટા કરતા નાની હોય છે પણ તેનો સ્વાદ વિશિષ્ટ હોવાથી તેનો ભારે ઉપાડ થાય છે. કારેલા, મરચા, ફ્લાવર, કોબીજ, રિંગણ જેવા શાકભાજીની પણ ભારે માગ હોય છે. ઇઝરાયલ તરફથી આ માટે ટેકનોલોજી ટ્રાન્સફર કરવામાં આવી છે.
નેશનલ હોર્ટીકલ્ચર મિશન અને બાગાયત ખાતા દ્વારા ઈન્ડો-ઈઝરાયલ પ્રોજેક્ટ રૂ.12 કરોડના ખર્ચે રાજયનું પ્રથમ સેન્ટર ઓફ એકસલેન્સ વેજીટેબલ 2013માં 2,000 ચોરસ મિટરમાં ઊભું કરાયું છે. 50 લાખ ઘરું બનાવી શક્યા છે. જે વારણમાં ટકી કિટકો-જંતુ સામે પ્રતિરોધક શક્તિ પણ ધરાવે છે. પ્લગ નર્સરી મારફતે ઉછેરાયેલા અને યોગ્ય રીતે પ્રોસેસિંગ કરાયેલા ધરૂઓનુ વાવેતર કરી શાકભાજીનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
2 હેક્ટરમાં 20 રક્ષિત ખેતીના સ્ટ્રકચર આવેલા છે. જેમાં હાઈ-ટેક ફેન એન્ડ પેડ ગ્રીન હાઉસ, વિવિધ ઉંચાઈના પોલી હાઉસ, જુદા-જુદા રંગના શેડ નેટ હાઉસ, ઈન્સેક્ટ નેટ હાઉસ, વોક ઈન ટનલનો સમાવેશ થાય છે. પ્લોટ, જર્મીનેશન ચેમ્બર, માઈક્રો ઈરીગેશન, ફર્ટીગેશન માટે ઓટોમાઈઝેશન યુનિટ, રેઈન વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચર, શાકભાજીના ગ્રેડીંગ-શોર્ટીંગ માટેનું મોડેલ પેક હાઉસ, રીટેઈલ આઉટલેટ, અધ્યતન તાલીમ કેન્દ્ર તેમજ વહીવટી સંકુલનો પણ સમાવેશ થાય છે.
કૃષિના હોર્ટીકલ્ચર વિભાગ હેઠળ ઇઝરાયલની મદદથી તલાલા ખાતે કેરી માટે હાઇ ડેન્સીટી અને જૂની વાડીના નવીનીકરણ માટે અને ભૂજના કુકમા ખાતે ખારેક માટે પણ આવા સેન્ટર શરૂ કરાયા છે.
 ગુજરાતી
 ગુજરાતી English
 English