ચાલાસણમાં 8 માસની પુત્રીની એસિડ રેડી ક્રૂર હત્યા કરનાર પિતાનો ગુનાહિત ઇતિહાસ, દુષ્કર્મ કેસમાં સજા થઇ હતી

મહેસાણા, તા.૧૧
ચાલાસણમાં કુટુંબીભાભીના પ્રેમમાં અંધ બનેલા પિતાએ પ્રેમમાં આડખીલી રૂપ કુટુંબીઓને ફસાવવા બુધવારે બિમાર રહેતી 8 માસની ઘોડિયામાં સુઈ રહેલી બાળકીના ગળા પર એસિડ નાખી ક્રૂર હત્યા કરી પત્ની પાસે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરાવી ફરાર થઈ ગયો હતો. ભેજાબાજ પિતાએ એસિડની બોટલ પર આંગણીના નિશાન ન પડે તે માટે ટીશર્ટથી બોટલ ઉપાડી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે કરેલી ઉલટ તપાસમાં બાળકીની હત્યા કરનારો પિતા જ હોવાનુ બહાર આવતાં પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. પોલીસે બાળકીનું અમદાવાદ ખાતે પીએમ કરાવ્યું હતુ. નોંધનીય છેકે પુત્રીના હત્યારા વિનુજી વિરુધ્ધ ગામની 14 વર્ષની કિશોરીએ દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો. જેમા કોર્ટે તેને સજા કરી હતી.

જોટાણા તાલુકાના ચાલાસણ ગામના વિકલાંગ સુજનબેન વિનુજી ઠાકોરે બુધવારે સવારે 10 વાગ્યે પોલીસ કન્ટ્રોલરૂમમાં ફોન કરીને તેમની 8 મહિનાની પુત્રી બિંદીયા ઉર્ફે મંજુલાને એસિડ નાખી કુટુંબીઓએ હત્યા કર્યાની જાણ કરતાં જ ડીએસપી મનીષસિંહની સૂચના મુજબ ડીવાયએસપી મંજીતા વણઝારા ઘટના સ્થળે પહોંચી કડી પીઆઇ જી.એસ.પટેલ સાથે રાખી તપાસ કરતાં પિતા જ હત્યારો હોવાનું બહાર આવ્યું હતુ. જેમાં કુટુંબી ભાભીના પ્રેમમાં પાગલ પિતાએ જ કૂપોષિત પુત્રીની હત્યા કર્યાનુ ખુલ્યુ છે. પુત્રીની હત્યા માટે ચાર દિવસ અગાઉ એસિડ ભરેલી બોટલ ઘરે લાવ્યો હતો. પોલીસે ફરાર પિતાને ઝડપી જેલના હવાલે કર્યો હતો.

મંજીતા વણઝારાએ જણાવ્યુ હતુ કે, પ્રાથમિક તબક્કે જાણવા જોગને આધારે તપાસ શરૂ કરી ત્યારે માસુમ બાળકીની હત્યા કરવામા અન્યને શું રસ તે સવાલને આધારે કરેલી તપાસમા પ્રથમથી શંકાના દાયરામાં મુકાયેલા વિનુજી(ઉ.આશરે 33)એ ચોંકાવનારી કબુલાત કરી હતી. જેમાં 8 મહિનાની કૂપોષિત પુત્રી બિંદીયા સતત બિમાર રહેતી હોઇ તેની હત્યા કરી દોષનો ટોપલો ભાભીના પ્રેમમાં આડખલીરૂપ કુટુંબીઓ પર નાખવાનો પ્લાન બનાવ્યો હતો.

વિનુજીએ બનાવના દિવસે ઘોડિયામાં સુતેલી માસુમ પુત્રીના ગળા પર એસિડ નાખી હત્યા બાદ વિકલાંગ પત્નીને અસહય મારમાર્યો હતો અને તેની પાસે બળજબરી પૂર્વક પોલીસ કન્ટ્રોલરૂમમાં કુટુંબીઓએ પુત્રી પર એસિડ નાખીને હત્યા કર્યાનો ફોન કરાવ્યો હતો. પ્રેમિકા ભાભીને પામવા મરવા પડેલી પુત્રીની હત્યા કરનારા પિતા વિનુજીએ એસિડની બોટલ ટીશર્ટથી ઉપાડી આંગળીના નિશાન ના આવે તેવો પણ પ્રયાસ કર્યો હતો.

બાળકીનું અમદાવાદ સિવિલમાં પેનલ તબીબની મદદથી પીએમ કરવામાં આવ્યું હતુ. જેમા બાળકીના ગળાના ભાગે નખાયેલી એસિડને કારણે શ્વાસ રૂધાવાથી અને શોકને કારણે મોત થયાનો તબીબોએ પ્રાથમિક રિપોર્ટ આપતાં જ પોલીસ એકટીવ થઇ હતી. વિનુજીના પુત્રની પુછપરછમાં બહેન બિંદીયાને રમાડીને શાળાએ ગયો હોવાનુ જણાવ્યું હતુ઼ અને ઘટના બાદ વિનુજી ઘરે હાજર ના મળતા તેના તરફ પોલીસને શંકા ગાઢ બની હતી.

 

માતા પુત્રીને સ્તનપાન ન કરાવી શકતાં ગાયનું દૂધ પીવડાવતા હતા

મજુરી કરતા સુજનબેન પુત્રીને સ્તનપાન કરાવવામા અસમર્થ હોઇ ગાયનુ દૂધ પીવડાવીને ઉછેર કરતા હતા. ગુનાહિત માનસિકતા ધરાવતા પતિએ પુત્રીની હત્યા કરતા ભાગી પડેલા સુજનબેન બે કલાક સુધી ઘોડિયામાં મૃત હાલતમા પડેલી પુત્રી પાસે બેસી રહ્યા હતા. જ્યારે તેનો પતિ તેની પાસે પોલીસ કંન્ટ્રોલમા ફોન કરાવીને ભાગી ગયો હતો.

પુત્રીના હત્યારા વિનુજી વિરૂધ્ધ ગામની 14 વર્ષની કિશોરીએ દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો. જેમા કોર્ટે તેને સજા કરી હતી અને સાબરમતી જેલમા રખાયો હતો. કેટલાક મહિનાઓ પહેલા છુટીને ઘરે આવેલા વિનુજીને કુટુંબી ભાભી સાથે પ્રેમસંબધ બંધાતા વિકલાંગ પત્નીને અસહિય મારમારતો હતો.

 

ચાલાસણ ગામમાં સાત વર્ષમાં હત્યાના ત્રણ બનાવો બન્યા

ચાલાસણ ગામે છેલ્લા 7 વર્ષમાં હત્યાના 3 બનાવ બન્યા છે. જેમાં પિતાએ મોબાઇલના આપતા માનસિક અસ્થિર પુત્રએ માથામાં તિક્ષણ હથિયારના ઘા કરી હત્યા કરી ત્યાર બાદ બીજી પત્ની દ્વારા પુત્રીને લઇને રોજબરોજ થતા ઝઘડાથી તંગ આવી પિતાએ અમદાવાદથી હોસ્ટેલમા મુકવા જવાનુ કહી પુત્રી માનસીની ચાલાસણ કેનાલ પાસે તેના જ દુપટ્ટાથી ગળેટૂંપો આપી હત્યા કરી હતી. ત્રીજો બનાવ બુધવારે પુત્રી પર એસિડ છાંટી પિતાએ હત્યા કરી.