અમદાવાદ,તા:૨૪ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને બાદ હવ મગફળીની નવી સિઝન શરૂ થવા જઇ રહી છે.નાફેડ દ્વારા મગફળીની ખરીદીનો પ્રારંભ થશે જોકે નાફેડ પાસે જૂની મગફળીનો કુલ બે લાખ ટન જેટલો સ્ટોક પડતર રહી ગયો છે. સરકારે તો ટેકાના ભાવથી ખરીદી કરવાની જાહેરાત’ પણ કરી દીધી છે. કદાચ પહેલી ઓક્ટોબરથી નોંધણીનો શરૂ થશે. ત્યારે હવે સરકારી માલનો નિકાલ થઇ શકે તેવી કોઇ શક્યતા નથી. આ વખતે બમ્પર વાવેતર પછી સારાં વરસાદ પણ થઇ ગયા હોવાથી પાક ઉત્પાદન 25થી 30 લાખ ટન સુધી થવાના અંદાજો છે. નવી આવક પખવાડિયામાં જોર પકડશે. નાફેડ પાસે નવી ખરીદી અને જૂના પુરવઠા પૈકી કુલ સ્ટોક આશરે 2 લાખ ટન જેટલો છે. 2018ની મગફળીનો 1,77,318 ટનનો સ્ટોક છે. જ્યારે જૂનો સ્ટોક 25 હજાર ટન હોવાની ધારણા છે. જૂના મોલ હવે કોહવાવા લાગ્યો છે. જોકે, નવો માલ હજુ સુરક્ષિત છે.’ મગફળીની લેવડદેવડ કરતાં જાણકારોનું કહેવું છેકે નવી મગફળીનું વેચાણ નાફેડે ક્વિન્ટલે રૂા. 4400થી શરૂ કર્યા પછી રૂા. 5400 સુધી ભાવ ગયા હતા. જોકે, અત્યારે રૂા. 4700-4800 બોલાય છે. હવે નવા માલની આવકો થવાની તૈયારી હોવાથી નાફેડમાંથી સોદા ઓછા થઇ ગયા છે.
ગુજરાતમાં ગત વર્ષે 14.67 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર હતું. પાછલા ચાલુ વર્ષમાં 15.52 લાખ હેક્ટરમાં વાવણી થઇ છે. વાવણી ઉપર ખૂબ સારો વરસાદ સમયાંતરે થવાને લીધે ઉતારા પણ ઊંચા આવશે. 15થી 20 મણનો ઉતારો વીઘાદીઠ ગણીએ તો ઉત્પાદન 30 લાખ ટન સુધી પહોંચી શકે તેમ છે. જાણકારોનું કહેવું છેકે 25 લાખ ટન કરતાં પણ વધુ પાક ઉતરશે. વધુ પડતા વરસાદને લીધે ક્યાંક ક્યાંક પાકનું નુક્સાન પણ ગયું છે. ક્યાંક ધારણા પ્રમાણે ડોડવા મળ્યા નથી. છતાં એકંદરે પાક ઉત્પાદન વધશે. ગયા વર્ષમાં 15થી 16 લાખ ટનનો અંદાજ મૂકાયો હતો.
નવી મગફળી અત્યારે ગોંડલ અને રાજકોટ યાર્ડમાં રોજ 500-600 ગુણી જેટલી આવે છે. તડકાં પડે તો ઓક્ટોબરમાં ધૂમ આવક થશે. દરમિયાન નવા સીંગદાણામાં કામકાજો શરૂ થઇ ચૂક્યાં છે. વિયેટનામમાં 1થી 15 નવેમ્બર શિપમેન્ટની શરતે 1000 ડૉલરમાં 50-60 કાઉન્ટના સોદા છે. એ સામે આફ્રિકામાં સુદાનનો ભાવ 850-900 ડૉલરનો છે.ભારતીય બજારમાં ભાવ ઊંચા જશે તો નિકાસની તક ગુમાવવી પડશે.
દરમિયાન સીંગદાણામાં મુંદ્રા પહોંચની શરતે રૂા. 65000માં બોલ્ડ 50-60ના વેપાર થાય છે. તેની ડિલિવરી રેડ્ડીમાં છે. ટીજેમાં 1થી 15 ઓક્ટોબર પછી ડિલિવરીના રૂા. 78000 અને 25 ઓક્ટોબરના રૂા. 74000 બોલાય છે.મગફળી વાવતા ખેડૂતો કહે છે, ફરી વરસાદની આગાહી થઇ છે એટલે ખેડૂતોમાં અને વેપારીઓમાં ચિંતા છે. વરસાદ પડે તો બોલ્ડને ફાયદો થશે પણ ઝીણી મગફળી ઉગી જશે. ઘણા વિસ્તારોમાં અત્યારે પણ ઉગેલો માલ જોવા મળે છે ત્યારે પ્રમાણ વધી શકે છે. ચાલુ વર્ષે ઝીણીનું વાવેતર ઓછું છે એની સામે બોલ્ડનો વિસ્તાર વધારે છે.’મગફળીનો બમ્પર પાક ધારવામાં આવતો હોવાથી સરકાર આશરે આઠ લાખ ટન મગફળી ખરીદે તેવી શક્યતા છે. એ માટે તૈયારી પણ થઇ ગઇ છે. સરકાર દ્વારા આક્ટોબરના આરંભે નોંધણી શરૂ થાય તેવા સંકેતો કૃષિ વિભાગે આપ્યા છે. મગફળી દશેરા આસપાસ ખરીદવા લાયક આવશે. મગફળી વેંચવા માટે આધાર કાર્ડ જરૂરી બનશે. સરકારે ટેકાનો ભાવ મણે રૂા. 1018 નક્કી કર્યો છે. આ વર્ષે પણ સખત શરતો વચ્ચે મગફળીની ખરીદી થશે.