ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં જિલ્લામાં 6 ઇંચ વધુ વરસાદ, હજુ 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

મહેસાણા,  તા.૩૦

મહેસાણા શહેર સહિત જિલ્લામાં રવિવારે પણ વરસાદી ઝાપટાં ચાલુ રહ્યાં હતાં. સવારે બહુચરાજીમાં 15 અને ખેરાલુમાં 10મીમી તેમજ વિસનગર- વડનગરમાં જોરદાર ઝાપટાં પડ્યાં હતાં. બાદમાં સાંજે 6 થી 8માં મહેસાણા, જોટાણામાં ધોધમાર એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ઊંઝા, કડી, વિજાપુર અને સતલાસણામાં પણ વરસાદ થયો હતો. હવામાન વિભાગે હજુ 24 કલાક વરસાદની સંભાવના વ્યકત કરી છે. ઉ.ગુ.માં સિઝનમાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 15 ઇંચ વધુ વરસાદ વરસ્યો છે. જેમાં મહેસાણા જિલ્લામાં 6 ઇંચ વધુ વરસાદ નોંધાયો છે.

 

મહેસાણામાં સાંજે 6થી 8માં એક ઇંચ વરસાદમાં પાણી ભરાયાં, ગોપીનાળુ ત્રણ કલાક વનવે રહ્યું હતું.

મહેસાણા શહેરમાં સાંજે 6થી રાત્રે 8 દરમિયાન ભારે વરસાદમાં ગોપીનાળું, નાગલપુર પાટિયા, ભોંયરાવાસ, ચામુંડા ચોકડીથી સોસાયટી તરફ, હિરાનગર ચોક, અરવિંદ બાગ રોડ, મોઢેરા રોડ સ્વામિનારાયણ મંદિર, મોઢેરા ચોકડી નજીકના વિસ્તાર માં વરસાદી પાણી કલાકો સુધી ભરાયેલા રહ્યા હતા. ગોપી નાળામાં ત્રણ કલાક સુધી એક્સાઇડ આવાગમનમાં રાત્રે ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે રાત્રે આઠ વાગ્યા બાદ વરસાદે વિરામ લેતાં 9 વાગ્યા પછી આદ્યશક્તિની આરતી યોજાઇ હતી.

ધરોઇ ડેમમાં 618.61 ફૂટ(86.74 ટકા) પાણી ભરાયું છે. ભયજનક સપાટી કરતાં 3.39 ફૂટ બાકી છે. રવિવારે સાંજ સુધી 2290 ક્યુસેક પાણીની આવક ચાલુ રહી હતી. સૂત્રોએ કહ્યું કે, રાજસ્થાનના ઉદેપુર તેમજ પોશીના અને ખેડબ્રહ્મા વચ્ચેના પટ્ટામાં વરસાદ થતાં ડેમમાં પાણીની આવક થઇ રહી છે.