ચીફ એકાઉન્ટન્ટ અને રજિસ્ટ્રારની નિમણૂંક માટે હજુ ઈન્ટરવ્યૂ પણ ગોઠવાયા નથી

અમદાવાદ, તા. 1

ગુજરાત યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર અને ચીફ એકાઉન્ટન્ટની જગ્યા માટે જાહેરાત આપીને અરજી મંગાવ્યા બાદ બે મહિન જેટલો સમય થવા છતાં હજુ સુધી ઈન્ટરવ્યૂ ગોઠવવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવતી  નથી. સરકાર દ્વારા જ્યારે ચીફ એકાઉન્ટન્ટ અને રજિસ્ટ્રાર તરીકે ખાસ અધિકારીની નિમણૂંક કરવાની કવાયત હાથ ધરવામાં આવી, ત્યારે યુનિવર્સિટીએ ટૂંક સમયમાં કાયમી નિમણૂંક કરવાની છે તેવા કારણો રજૂ કરીને સરકારની દરખાસ્તને ફગાવી દીધી હતી. હવે બે મહિના થવા છતાં ઈન્ટરવ્યૂ કરવા અંગેની કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતાં અનેક તર્કવિતર્ક ઊભા થયા છે.

યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાય વર્ષોથી ચીફ એકાઉન્ટન્ટ અને કાયમી રજિસ્ટ્રારની જગ્યાઓ ખાલી પડી છે. સરકાર દ્વારા બે માસ પહેલા રાજ્યની તમામ યુનિવર્સિટીઓને કાયમી ધોરણે રજિસ્ટ્રારની જગ્યાઓ ભરી દેવા આદેશ કરવામાં આવ્યો હતો. સરકારના આદેશ પછી પણ ગુજરાત યુનિવર્સિટીએ રજિસ્ટ્રાર અને ચીફ એકાઉન્ટન્ટની જગ્યાઓ ભરવા માટે કોઇ જ કાર્યવાહી કરી નહોતી.

યુનિવર્સિટીના સૂત્રો કહે છે યુનિવર્સિટીની દાનત જોઈને કાયમી નિમણૂંક કરવામાં નહિ આવે તેવું પ્રસ્થાપિત થતાં સરકારમાંથી ઉચ્ચ અધિકારીને રજિસ્ટ્રાર અને ચીફ એકાઉન્ટન્ટ તરીકે નિયુક્ત કરવાની તૈયારી શરૂ કરવામાં આવી હતી. ચીફ એકાઉન્ટન્ટ તરીકે સરકારે અમદાવાદ મહાનગર પાલિકા (અમપા)માંથી એક અધિકારીની નિયુક્તિ કરવાની જાહેરાત પણ કરી દીધી હતી. આ અધિકારી યુનિવર્સિટીમાં હાજર થાય તે પહેલાં યુનિવર્સિટીના સત્તાધીશોએ ચાલાકી વાપરીને ટૂંક જ સમયમાં રજિસ્ટ્રાર અને ચીફ એકાઉન્ટન્ટની કાયમી જગ્યાઓ ભરવા માટેની જાહેરાત આપીને કાર્યવાહી કરવામાં આવશે તેવી રજૂઆત સરકારમાં કરી દીધી હતી. યુનિવર્સિટી દ્વારા કાયમી જગ્યાઓ ભરવામાં આવતી હોય તો કામચલાઉ ધોરણે અધિકારીઓને મુકવા નહિ તેમ માનીને સરકારે પોતાની તૈયારી બંધ રાખી હતી. સરકારની યોજના પર પાણી ફેરવ્યા બાદ યુનિવર્સિટી સત્તાધીશોએ કામગીરી થઈ રહી છે તેવું દર્શાવવા માટે આ જગ્યાઓ ભરવાની જાહેરાત આપી દીધી હતી. હાલમાં રજિસ્ટ્રારની જગ્યાઓ માટે ૬ અને ચીફ એકાઉન્ટન્ટની જગ્યા માટે કુલ ૫ અરજીઓ આવી છે. આ જાહેરાત આપી તેને પણ દોઢ માસ કરતાં વધુ સમય થવા છતાં હજુ સુધી ઈન્ટરવ્યૂ ગોઠ‌વવાની કોઈ કાર્યવાહી કુલપતિ દ્વારા કરવામાં આવી નથી.

સૂત્રો કહે છે હાલમાં આ બે જગ્યાઓ પર જે અધિકારીઓ કામ કરે છે તે રબરસ્ટેમ્પ પ્રમાણે વર્તી રહ્યા છે. જો કાયમી નિમણૂંક કરવામાં આવે તો નવા આવનારા વ્યકિત નિયમો પ્રમાણે કામગીરી કરે તો કુલપતિને મુશ્કેલી નડે તેમ હોવાથી ભરતી પ્રક્રિયામાં ભારે વિલંબ કરવામાં આવી રહ્યો છે.