વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે વર્ષ 2017ની વિધાસભાની ચૂંટણી પહેલાં ભાવનગર જિલ્લાનાં ઘોઘાથી ભરૂચ જિલ્લાનાં દહેજ સુધીની ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી હતી. આ ફેરી સર્વિસ શરૂ કરવા પાછળનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત વાહનમાં અવર જવર કરવા માટે ખૂબ સમય જતો હતો. તેનાં બદલે આ ફેરી સર્વિસથી માત્ર ગણતરીનાં કલાકોમાં સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતનાં જે તે સ્થળે પહોંચવામાં સરળતા રહે છે. આ ફેરી સર્વિસની શરૂઆત સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે, આ ફેરી સર્વિસ બાદ કાર્ગો રો રો ફેરી સર્વિસ પણ શરૂ કરાશે. પરંતુ જે સમયે આ સર્વિસની શરૂઆત કરાઈ ત્યારે એવું કહેવાતું હતું કે, આ યોજના માત્ર ચૂંટણી સુધી કાર્યરત રહેશે. અને લગભગ એવું જ બન્યું. કોઈક કારણસર આ યોજના બંધ કરી દેવાઈ હતી. પરંતુ, હવે પાછી વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે વર્તમાન રાજ્ય સરકારને ફરી પાછી ઘોઘા-દહેજ રો રો ફેરી સર્વિસ યાદ આવી હોય એવું લાગે છે.
ભાવનગરમાં એક કાર્યક્રમમાં ભાજપનાં પ્રદેશ પ્રમુખ જિતુભાઈ વાઘાણીએ એવી જાહેરાત કરી હતી કે, ઘોઘા-દહેજ કાર્ગો રો રો ફેરી સર્વિસનો નવરાત્રિ દરમિયાન પ્રારંભ કરવામાં આવશે. તેમણે એવું પણ જણાવ્યું કે, આ સર્વિસ મારફતે સ્કૂટર, બસ, ટ્રક વગેરે શીપમાં લઈ જવાશે અને તેનાં કારણે સમયનો બચાવ પણ થશે. આ કાર્ગો રો રો ફેરી સર્વિસ માટે જે શીપ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયું છે તે આવી ચૂક્યું છે અને તેને નવરાત્રિ દરમિયાન સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવશે. તેમણે એવું પણ જણાવ્યું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાને હજીરા સુધી લંબાવવા માટેનાં તમામ વિકલ્પો અંગે વિચારણા ચાલી રહી છે. જોકે, તેમણે એવું કહ્યું હતું, કે આ બાબતે હજુ થોડો સમય જરૂર લાગશે પરંતુ, ભાજપની સરકાર રાજ્યનાં વિકાસને વધુ વેગ આપવા કટિબદ્ધ છે અને તે આગામી દિવસોમાં આ કાર્ગો રો રો ફેરી સર્વિસ શરૂ કરીને સૌરાષ્ટ્રનાં વિકાસનું દ્વાર બનશે.
ગુજરાતી
English




