ચોટિલા સુધી સિંહ પહોંચી ગયા

અમદાવાદ, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટિલામાં આવેલી સિંહણ અને તેના બચ્ચાએ ગત રાત્રી દરમિયાન બે મારણ કર્યા હોવાની વિગતો સામે આવી છે. ગીરના જંગલથી 200 કિ.મી. દૂર આવેલા આ સ્થળે સિંહે નવું ઘર બનાવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટિલા તાલુકાના ચોબારી-રામપરામાં એક સિંહણ અને તેનું બચ્ચું ગત રાત્રિના આવ્યા હતા. જેમાં સિંહણે ચોબારી-રામપરામાં બે વાછરડીનું મારણ કર્યું હતું. જ્યારે રાત્રી દરમિયાન ઢેઢૂકી ગામમાં પાડા મારણ કર્યું હતું. આ વિગતો સામે આવતા વન વિભાગનો કાફલો સતર્ક થયો હતો અને સિંહણ અને તેના બચ્ચાનું લોકેશન મેળવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં વન વિભાગના ચાર રેન્જનો સ્ટાફને ચોટિલાના ચોબારી-રામપરાથી સાયલાના ઢેઢુકી વચ્ચેના 15 કિમીના વિસ્તારમાં તેનું લોકેશન જોવા મળ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ સિંહણની સાથે અઢીથી ત્રણ વર્ષનું બચ્ચું છે. આ સિંહણ અને તેનું બચ્ચું અમરેલી જિલ્લાના બાબરામાં વિચરી રહેલા સિંહ પરિવારમાંથી વિખૂટા પડીને સુરેન્દ્રનગર જિલ્લામાં આવી પહોંચ્યા હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

સિંહણ અને તેના બચ્ચાની ભાળ મેળવવા માટે રાજકોટ જિલ્લાના વીંછિયા, જસદણ અને હિંગોલગઢ તથા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટિલા રેન્જના વન વિભાગની ટીમ ટ્રેકીંગની કામગીરી કરવામાં આવી રહી છે.