ચોટીલા તાલુકાની કરોડો રૂપિયાની સરકારી જમીન તત્કાલિન અધિક કલેકટર સહિત ત્રણ કર્મચારીઓએ મળતીયાઓને પધરાવી દીધી હતી

સુપ્રિમ કોર્ટના આદેશનું ખોટું અર્થઘટન કરી ચોટીલા તાલુકાની 380 એકર સરકારી જમીન મળતીયાઓને પધરાવી દેવાના કેસમાં જેલવાસ ભોગવતા આરોપી ચંદ્રકાંત પંડ્યા સામે એસીબીએ વધુ એક કેસ નોંધ્યો છે. સુરેન્દ્નનગરના તત્કાલિન અધિક કલેકટર સી.જી.પંડ્યાએ પરિવાર અને સંબંધીઓના નામે કરોડો રૂપિયાની મિલ્કત વસાવી હોવાનો તેમજ મોટી રકમ એન.આર.આઈ.ને આંગડીયા હવાલા દ્ધારા દેશ બહાર મોકલી હોવાનો ઘટસ્ફોટ એન્ટી કરપ્શન બ્યુરોની તપાસમાં થયો છે.

એસીબીએ કરેલા પ્રથમ કેસ બાદ સર્ચ દરમિયાન મળી આવેલા દસ્તાવેજો અને બેંક એકાઉન્ટની તપાસમાં ચંદ્રાકાતના ભ્રષ્ટાચારની અનેક ચોંકાવનારી માહિતી સામે આવી હતી. ચંદ્રકાંત અને તેના પરિવારજનોના બેંક એકાઉન્ટનું એસીબીએ નાંણાકીય સલાહકારની મદદથી વિશ્લેષણ કરાવ્યું હતું. ચંદ્રકાંત પંડ્યાએ ભ્રષ્ટાચાર થકી મેળવેલી રકમ બે એન.આર.આઈ.ને હવાલા દ્ધારા વિદેશ મોકલી હોવાના પૂરાવા હાથ લાગ્યા છે. આ કેસની તપાસ નાયબ નિયામક એન.ડી.ચૌહાણને સોંપવામાં આવી છે.

ભ્રષ્ટાચાર થકી મેળવેલા કરોડો રૂપિયામાંથી મોટી રકમ દેશ બહાર મોકલવામાં આવી હોવાના બેંક વ્યવહારો તેમજ બેનામી સંપતિ મળી આવતા એસીબીએ આ મામલે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અને ઈડી (એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ)ને જાણ કરી છે. આગામી દિવસોમાં ઈડી મની લોન્ડરીંગ મામલે વધુ એક ગુનો નોંધશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

ગત ફેબ્રુઆરી મહિનામાં ચંદ્રકાંત ગુણવંતરાય પંડ્યા તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ બજાવતા બે અધિકારીઓ વિરૂધ્ધ જિલ્લા કલેકટર કનકપતિ રાજેશે એન્ટી કરપ્શન બ્યુરોને ફરિયાદ આપી હતી. જે કેસની તપાસમાં સસ્પેન્ડેડ ચંદ્રકાંત પંડ્યાએ કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ વસાવી હોવાની માહિતી મળી હતી. એસીબીના મદદનીશ નિયામક ભારતીબહેન પંડ્યાએ સરકાર તરફે ચંદ્રકાંત જી. પંડ્યા, બે એન.આર.આઈ. સહિત અન્ય વિરૂધ્ધ અપ્રમાણસર મિલ્કતની ફરિયાદ નોંધાવી છે. ચંદ્રકાંત પંડ્યાએ પોતાની સરકારી નોકરી દરમિયાન ભ્રષ્ટાચાર આચરી 6.74 કરોડ રૂપિયા એટલે કે તેની આવક કરતા 88 ટકા વધુ મેળવ્યા છે.

ભ્રષ્ટાચાર થકી મેળવેલા કરોડો રૂપિયામાંથી 70 લાખ રૂપિયા યુકે મોકલાયા હોવાની માહિતી સામે આવી છે. ચંદ્રકાંત પંડ્યાએ પેલીકન ઈન્ફ્રાસ્ટ્રચર કંપનીના બે એન.આર.આઈ. માલિકોને આંગડીયામાં હવાલા કરાવી લાખો રૂપિયા મોકલી આપ્યા છે.  બેનંબરી નાંણાકીય વ્યવહાર માટે ધર્મેશ પટેલ નામના એક શખ્સે મીડલ મેનની ભૂમિકા ભજવી હોવાનું તેમજ એક અન્ય કંપનીની સંડોવણી સામે આવી છે. એસીબીને 21 લાખ રૂપિયાનો હવાલો થયો હોવાના પૂરાવારૂપે એક રિસીપ્ટ પણ હાથ લાગી છે.

ચંદ્રકાંત પંડ્યાએ ભ્રષ્ટાચારની અનેક રીત રસમો અજમાવીને એકઠા કરેલા કરોડો રૂપિયાનું મિલકતમાં રોકાણ કર્યું છે. એસીબીની તપાસમાં પંડ્યાએ તેની પુત્રીઓ અને ધર્મની ભાણીના નામે અમદાવાદ, વડોદરા અને રાજકોટ શહેરમાં 4.30 કરોડની મિલકત વસાવી હોવાના પૂરાવા હાથ લાગ્યા છે. આ ઉપરાંત ચંદ્રકાંત પંડ્યાએ વસાવેલી બેનામી મિલકતોની માહિતી પણ એસીબીને હાથ લાગી છે.

કરોડો રૂપિયાના અપ્રમાણસર મિલકતના કેસની છ મહિના સુધી ચાલેલી તપાસમાં આરોપી ચંદ્રકાંત પંડ્યાના પરિવારજનો અને સંબંધીઓના સ્ટેટમેન્ટની એસીબીએ વિડીયોગ્રાફી કરી છે. કોના નામે કેટલી મિલકત ખરીદવામાં આવી તેમજ કેટલા બેંક ટ્રાન્જેકશન કરવામાં આવ્યા તેવી તમામ માહિતીની તપાસ અધિકારીએ ઓન કેમેરા પૂછપરછ કરી હતી.

સુરેન્દ્રનગરના તત્કાલિન અધિક કલેકટર ચંદ્રકાંત પંડ્યા, તત્કાલિન નાયબ કલેકટર વી.ઝેડ.ચૌહાણ અને તત્કાલિન ઈન્ચાર્જ મામલતદાર જે.એલ.ધાડવ સામે ખુદ સુરેન્દ્રનગર કલેકટરે સરકારી તિજોરીને નુકશાન કરાવી ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. ચોટીલા તાલુકાના જીવાપર અને બામણબોર ગામની ટોચ મર્યાદા ધારા હેઠળ ખાલસા (શ્રી સરકાર) કરાયેલી 380 એકર જમીન ખાનગી માલિકીની હોવાનું ઠેરવી મળતીયાઓને પધરાવી દીધી હતી.