ચોમાસામાં રાજકોટમાં સાત દાયકાનો વિક્રમજનક વરસાદ વરસ્યો

રાજકોટ,તા.21

રાજકોટમાં શુક્રવારે સાંજે એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદ વરસી જતા આ સાથે શહેરનો મોસમનો કુલ વરસાદ 57 ઇંચ થયો છે જે છેલ્લા સાત દાયકાનો  રેકોર્ડબ્રેક વરસાદ વરસ્યો છે. ચોમાસુ પુરૂ નથી થયું જેથી હજુ પણ  વધુ વરસાદ પડશે તેવી સંભાવના છે.

મહાપાલિકાના ફાયરબ્રિગેડ કંટ્રોલરુમના સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર રાજકોટના પિશ્ચમ ઝોનમાં એક ઇંચ, મધ્ય ઝોનમાં એક અને પૂર્વ ઝોનમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. આ સાથે પિશ્ચમ ઝોનમાં મોસમનો કુલ વરસાદ 57 ઇંચ, મધ્ય ઝોનમાં મોસમનો કુલ વરસાદ 53 ઇંચ અને પૂર્વ ઝોનમાં મોસમનો કુલ વરસાદ 44.5 ઇંચ થયો હતો.

મહાનગરપાલિકાના સત્તાવાર સૂત્રો દ્વારા જણાવાયું હતુંકે ચાલુ વર્ષે જે માત્રામાં વરસાદ વરસ્યો છે તે ઐતિહાસિક છે. છેલ્લા સાત દાયકામાં નથી  પડ્યો એટલો વરસાદ નોંધાયો છે. જોકે વરસાદને પગલે જળસંકટ ટળ્યુ હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો.