અમદાવાદ
કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)એ વાયુ અને જળ પ્રદુષણના નિયંત્રણ માટેની માર્ગરેખાઓ જાહેર કરતા, ઉદ્યોગોને રાહત થઈ છે. અગાઉ જુલાઈ મહિનામાં નેશનલ ગ્રીન ટ્રાયબ્યુનલે દેશના 140 જેટલા વિસ્તારોને ક્રિટિકલી પોલ્યુટેડ (સીપીએ) જાહેર કરતા આ વિસ્તારોમાં નવા મૂડીરોકાણ તેમજ વિસ્તરણની પ્રવૃત્તિ પર રોક લાગી ગઈ હતી. આ માર્ગરેખાઓના કારણે હવે કોણ, કયા પગલાં કેટલા સમયમાં લેશે તે નક્કી થશે. વળી ગુણદોષના આધારે આ વિસ્તારોમાં નવી પર્યાવરણીય મંજૂરીની પણ જોગવાઈ છે, જેના કારણે અટકી પડેલા મૂડીરોકાણ આગળ વધે તેમ છે. ચોમાસું પુરું થતાં હવે નવેસરથી ચકાસણી હાથ ધરવામાં આવશે અને નવેસરથી વિસ્તારોની વર્ગીકરણ કરવામાં આવશે.
શુક્રવારે સીપીસીબીએ જાહેર કરેલી માર્ગરેખાઓ પ્રમાણે, ક્રિટિકલી પોલ્યુટેડ એરિયાઝ અને સિવિયરલી પોલ્યુટેડ એરિયાઝમાં પર્યાવરણ સુધારણાના ધારાધોરણોના પાલન માટે રાજ્ય સરકારોએ ત્રણ મહિનામાં સમયબદ્ધ કાર્યક્રમ ઘડી નાખવાનો રહેશે. જરૂરિયાત મુજબ એક વર્ષમાં તેમજ તે પછીના સમયમાં ટૂંકા તેમજ લાંબાગાળાના લક્ષ્યાંકો નક્કી કરવાના રહેશે. મુખ્ય સચિવની અધ્યક્ષતાવાળી સમિતિ બનશે, જે કાર્યયોજના ઘડશે અને સીપીસીબીને સુપરત કરશે. તેમાં ઉદ્યોગોના પ્રતિનિધિઓનો સમાવેશ પણ થઈ શકે છે. મુખ્ય સચિવે કાર્યયોજનાના અમલીકરણ પર દેખરેખ રાખવાની રહેશે.
કાર્યયોજના ઘડતી વખતે વાયુ અને જળ પ્રદુષણના નિયંત્રણ માટે સીપીસીબીએ અગાઉ આપેલા દિશા-સુચનોનું પાલન કરવાનું રહેશે. તેમાં ક્રિટિકલી પોલ્યુટેડ એરિયાઝમાં પર્યાવરણની ગુણવત્તા પર દેખરેખ, વાયુ તેમજ જળ પ્રદુષણની માપણી માટેના યંત્રો ગોઠવવા અને તેની સદ્ઢ કરવા, અમલીકરણ માટે જવાબદાર એજન્સીઓ નક્કી કરવી, તેમજ સમયાંતરે વિવિધ અભ્યાસ હાથ ધરવા પણ સીપીસીબીએ જણાવ્યું છે.
આ ઉપરાંત નક્કી કરેલી કાર્યયોજનાની જિલ્લા તેમજ રાજ્ય સ્તરે ત્રિમાસિક સમીક્ષા કરી સુનિશ્ચિત કરવાનું રહેશે કે નક્કી કરેલી યોજના સમયબદ્ધ રીતે ચાલી રહી છે. જો આમા ચૂક જણાય તો રાજ્ય સરકાર જેતે અમલીકરણ એજન્સી સામે કાયદા મુજબ કાર્યવાહી અને જરૂર પડે દંડાત્મક કાર્યવાહી પણ કરી શકાશે. પર્યાવરણ નિયંત્રણ માટેની સંસ્થાઓએ તેમના કાર્યક્ષેત્રમાં આવતા પ્રદુષિત ક્ષેત્રોમાં વર્ષમાં બે વાર – ચોમાસા પૂર્વે અને ચોમાસા પછી – થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન – મોનિટરિંગ કરાવવાનું રહેશે.
સીપીસીબી કેન્દ્રીય વન પર્યાવરણ તેમજ ક્લાયમેટ ચેન્જ મંત્રાલયની સાથે રહીને અતિગંભીર પ્રદુષિત વિસ્તારોમાં પર્યાવરણના ધારાધોરણો (CEPI score)નું પુર્ન-મૂલ્યાંકન કરી શકે છે, જેનો અહેવાલ મંત્રાલય સમક્ષ રજૂ કરવામાં આવશે. રેડ અને ઓરેન્જ વર્ગના ક્રિટિકલી પોલ્યુટેડ એરિયાઝ માટે પર્યાવરણીય મંજૂરીની અને ઉદ્યોગોને વિસ્તરણ માટેની મંજૂરીની વિચારણાની જોગવાઈ પણ પત્રમાં કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે 10 જુલાઈ 2019ના રોજ નેશનલ ગ્રીન ટ્રાઇબ્યુનલે (એનજીટી) નવા માપદંડોના આધારે દેશના 140 જેટલા વિસ્તારોને ક્રિટિકલી પોલ્યુટેડ જાહેર કર્યા હતા. આ પૈકી ગુજરાતના વટવા, નારોલ, નરોડા, અંક્લેશ્વર અને વાપી જેવા ઔદ્યોગિક વિસ્તારોનો સમાવેશ થતો હતો. આ વિસ્તારોને 2009માં પણ ક્રિટિકલી પોલ્યુટેડ જાહેર કરવામાં આવ્યા હતા, જે બાદ અહીં નવા મૂડીરોકાણ પર મોટી બ્રેક વાગી ગઈ હતી. લાંબી જહેમત બાદ વર્ષ 2017-18માં તેમને આ યાદીમાંથી દુર કરવામાં આવ્યા હતા. હવે ફરીથી તેમને ક્રિટિકલી પોલ્યુટેડ જાહેર કરવામાં આવ્યા છે. માંડ નવા મૂડીરોકાણ આવવાના શરૂ થયા હતા, ત્યાં ફરીથી એનજીટીના પગલાંથી આ ગતિ થંભી ગઈ હતી.
દેશમાં ગુજરાત કેમિકલ ઇન્ડસ્ટ્રીઝનું હબ હોવાથી ગુજરાતમાંથી ગુજરાત વેપારી મહામંડળ (જીસીસીઆઇ) અને ગુજરાત ડાયસ્ટફ્સ મેન્યુફેક્ચર્સ એસોસિએશન (જીડીએમએ)એ દિલ્હી તેમજ ગાંધીનગરમાં અવારનવાર રજૂઆત કરી નવા ધારાધોરણોના અમલ માટે વધુ સમયની માગણી કરી હતી. એનજીટીના પગલાં પછી કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે પણ રિવ્યુ પિટિશન દાખલ કરી હતી, જે પછી એનજીટીએ સીપીસીબીને નવી માર્ગરેખાઓ જાહેર કરવા જણાવ્યું હતું. તાજેતરમાં દિલ્હીમાં સીપીસીબી તેમજ ઉદ્યોગના પ્રતિનિધિઓની બેઠક મળી હતી, જેમાં જીસીસીઆઇની એન્વાયરોમેન્ટ કમિટિના ચેરમેન અને જીડીએમએના અધ્યક્ષ યોગેશ પરીખના વડપણ હેઠળ ગુજરાતના ઉદ્યોગોના પ્રતિનિધિમંડળે પોતાની રજૂઆત કરી હતી. તેના પરિણામ સ્વરૂપે સીપીસીબીએ શુક્રવારે માર્ગરેખાઓ જાહેર કરી હતી.
પરિખે જણાવ્યું હતું કે, એનજીટીના પગલાં પછી એક અનિશ્ચિતતા છવાઈ ગઈ હતી. આગળ શું કરવું તે ખ્યાલ આવતો ન હતો. હવે સીપીસીબીએ માર્ગરેખાઓ જાહેર કરતા એક દિશા નક્કી થઈ ગઈ છે. મહત્ત્વની વાત એ છે કે હવે ચોમાસા પછી ફરીથી પરિક્ષણો કરવામાં આવશે અને તે મુજબ નવેસરથી વર્ગીકરણ કરવામાં આવશે. પરિખે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રક્રિયા ચાલતી હશે તે દરમિયાન પણ ઉદ્યોગોને પર્યાવરણીય મંજૂરી મળી શકશે. જ્યાં પણ કોમન એફ્લુઅન્ટ ટ્રિટમેન્ટ પ્લાન્ટ હશે ત્યાં જેતે રાજ્યોના પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, અને જ્યાં સીઇટીપી નહીં હોય ત્યાં સીપીસીબી પાસેથી મંજૂરી લેવાની રહેશે.