અમદાવાદ, માનવ તસ્કરી કરેલાં 17 બાળકોને અમદાવાદ પોલીસે નવા વટવા વિસ્તારમાંથી વહેલી પરોઢના પોલીસે પાડેલા દરોડા મુક્ત કરાવ્યા છે. બાળકો પાસે ચોરી અને ભિક્ષાવૃત્તિ કરાવતી આનંદી બેમની મહિલા ગેંગ ચલાવતી હતી અને બાળકોને ઉઠાવીને તેનો ઉપયોગ ભીખ માંગવામાં કરવામાં આવતો હતો.
આનંદી અહાનંદ સલાટ તેમજ તેના મિત્ર સંપત તનીફાસલમ મુદલીયાર (રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ, ખોખરા)ની ધરપકડ કરી છે. મહિલા પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલા બંને આરોપીઓ ઉપરાંત આનંદીના ત્રણ પુત્રો વિરૂધ્ધ હ્યુમન ટ્રાફિકીંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. ચોરી અને ભિક્ષાવૃત્તિ કરાવતી હોવાથી જસ્ટીસ એ.પી.પટેલે આ મામલે ગુનો નોંધવા ગત જૂન મહિનામાં બાળ સુરક્ષા એકમને આદેશ કર્યો હતો.
મુક્ત કરાયેલા બાળકોમાં દસ મહિનાથી લઈને 12 વર્ષ સુધીના બાળકો સામેલ છે. જેમાં પાંચ છોકરા અને 12 છોકરીઓ છે.
બાળકોના શરીર ઉપર ડામના નિશાન મળી આવ્યા છે. ચોરીના ગુનામાં પકડાયેલી સગીરાએ જણાવ્યું છે કે, આનંદી સલાટ ઉર્ફે માસી બાળકોને ગોંધી રાખી માર મારતી તેમજ શરીર ઉપર ડામ આપતી હતી. ધરપકડ થતા આનંદી ઉર્ફે માસીએ એટેક આવ્યાનું નાટક કર્યું. આનંદી સલાટ ઉર્ફે માસીને છ પુત્રી અને છ પુત્ર એમ કુલ એક ડઝન સંતાન હોવાનું સામે આવ્યું છે.
અગાઉ પૂર્વ મેયર માલિની અતિતના પતિ ડૉકટર ભરત અતિત સામે ક્રાઈમ બ્રાંચ હ્યુમન ટ્રાફિકીંગનો ગુનો નોંધી ચૂકી છે. ભરત અતિતે તેની સરસપુર વિસ્તારમાં આવેલી મેટરનિટી હોસ્પિટલમાં સરોગસી માટે આવેલી એક યુવતિનું સંતાન એક દંપતિને બારોબાર વેચી દીધું હતું.