દ્વારકા,તા.03
વાવાઝોડા મહાની ગુજરાતના દરિયાકાંઠા પર પોતાની અસર વર્તાવાનું શરૂ કરી દીધું છે. વિકરાળ વાવાઝોડુ રવિવાર બપોર સુધી 550 કિલોમીટર વેરાવળમાં દરિયાથી દૂર હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. જેની તિવ્રતા વધતી રહેશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાયું હતું. સોમવાર બાદ તેની સ્થિતિ અને ચાલ બદલાય તેવી સંભાવના છે. આગામી દિવસોમાં દિવ અને દ્વારકાની વચ્ચે વાવાઝોડુ છ નવેમ્બરે મધરાત્રે દરિયાકિનારાને ટકરાશે. આ દરમિયાન 100-120 કિમિ પ્રતિ કલાક પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે. ત્યારે ગુજરાતનાના તટીય પ્રદેશમાં તંત્ર સજજ થઇ ગયું છે. અઘિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરીને ફરજ પર હાજર કરી દેવાયાં છે. બીજી તરફ કચ્છના દરિયામાં માછીમારી માટે ગયેલા માછીમારો મુશ્કેલીમાં ફસાયાં છે. જખૌની 400 બોટો દરિયામાં સંપર્ક વિહોણી બની ગઇ છે. જખૌ બંદરપર કુલ 984 બોટોએ ટોકન લઈ માછી મારો દરિયો ખેડવા ગયેલા હતાં. જેમાંથી 584 બોટો કિનારે પરત આવી પહોંચી છે. જ્યારે 400 બોટો હજુ દરિયામાં હોવાનું માછીમાર એસોસીએશન પ્રમુખ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું. દરિયામાં ઉભા થયેલા વાવાઝોડાને કારણે નેટવર્કના અભાવથી 400 બોટો સંપર્ક વિહોણી બની ગઇ છે. સરકાર તેમજ એસોસિએસન સતત આ બોટોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી હી હોવા છતાં પણ આ બોટોનો દરિયામાં સંપર્ક થઇ શક્યો નથી.
દરિયામાં સંપર્ક વિહોણી બોટોને કારણે જખૌમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. કોસ્ટગાર્ડ અને સરકારી એજન્સીઓ મધ દરિયે ગયેલી બોટોનો સંપર્ક કરવાના પ્રયાસ કરી રહી છે. જોકે હજુ સુધી આ બોટોમાંથી કોઇનો સંપર્ક થઇ શક્યો નથી.