પાલનપુર, તા.૨૬
બનાસકાંઠાની એક કોલેજની છાત્રાને જિલ્લાના એક યુવા નેતાએ સગર્ભા બનાવી હોવાની પ્રેસનોટ સાથે જિલ્લા યુવા ભાજપના અધ્યક્ષ હરેશ ચૌધરીનું નામ જોડી સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરાતાં હોબાળો મચી ગયો હતો. જિલ્લા અધ્યક્ષે પોસ્ટ વાયરલ કરનારા મોબાઇલ નંબરવાળા સામે ફરિયાદ નોંધાવી હતી. બીજીબાજુ આ પોસ્ટ વાયરલ કરાવવા પાછળ રાષ્ટ્રીય યુવા ભાજપ કારોબારી સભ્ય હિતેશ ચૌધરીનો હાથ હોવાના આક્ષેપો કરાતા રાજકારણ ગરમાઇ ગયું છે.
જિલ્લા ભાજપ યુવા અધ્યક્ષ હરેશ ચૌધરીએ શનિવારે સાંજે પાલનપુર પૂર્વ પોલીસ મથકે પોસ્ટ વાયરલ કરનારા મોબાઈલ ધારક સામે ફરિયાદ નોંધાવી હતી. હરેશ ચૌધરીએ વાયરલ પોસ્ટ મામલે બનાસ ડેરીના કર્મી દીપક ભટોળ અને યુવા ભાજપના રાષ્ટ્રીય કારોબારી સભ્ય હિતેશ ચૌધરી સામે આક્ષેપો કરતાં જણાવ્યું કે, સમગ્ર ઘટના ઉપજાવી કાઢેલી છે. ઘટના અંગે પોલીસે મોબાઇલ ધારક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
યુવા ભાજપના જિલ્લા અધ્યક્ષ હરેશ ચૌધરીએ આક્ષેપો ફગાવી દેતા જણાવ્યું હતું કે, મારા સેવાના કામો સહન ન થતાં હિતેશે કાવતરું રચ્યું છે.મારા સમાજસેવાના કામો સહન ન થતાં કેટલાક લોકો છેલ્લા છ માસથી કાવતરું રચવા મથી રહ્યા હતા. તે બાદ અખબારમાં છપાયેલા અહેવાલ પાછળ મારું નામ જોડી સોશિયલ મીડિયામાં વાયરલ બનાસ ડેરીના કર્મી દીપક ભટોળે હિતેશ ચૌધરીનો હાથો બની કરી છે. જો કોઇ છોકરી સાથે આવી ઘટના હશે અને છોકરી સહિત તેના પરિવાર બહાર આવશે તો હું તેમની સાથે રહી મદદ કરીશ.
યુવા ભાજપના રાષ્ટ્રીય કા. સભ્ય હિતેશ ચૌધરી આ બાબતે જણાવ્યું હતું કે,છપાયેલો અહેવાલ સાચો છે કે ખોટો તેની ચોક્કસપણે તપાસ થવી જોઇએ અને ઘટના સાચી હોય તો નરાધમને બહાર પાડવો જોઇએ. જ્યારે અહેવાલને વોટસઅપ ગૃપથી વાયરલ કરવા એ કાયદાકીય રીતે ગુનો હોય તો તે અંગે તપાસ થવી જોઇએ. મારી પર જે આક્ષેપ છે કે મેસેજ મેં વાયરલ કરાવ્યો છે. તો તે પર પણ તપાસ થવી જોઇએ તેવું હું માનું છું.