છેલ્લા આઠ વર્ષમાં અમપાએ સાત હજારથી વધુ વૃક્ષોનુ નિકંદન કાઢયુ

અમદાવાદ શહેરમાં સોશિયલ ફોરેસ્ટી ડીપાર્ટમેન્ટના અહેવાલ પ્રમાણે માત્ર ૪.૦૪ ટકા ગ્રીન કવર હયાત છે.અમદાવાદ શહેરના વિકાસ કરવાની આંધળી દોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ છેલ્લા આઠ વર્ષમાં સાત હજારથી વધુ વૃક્ષોનુ નિકંદન કાઢી નાંખ્યુ છે.અમદાવાદને ગ્રીન સિટી બનાવવાની મોટી વાતો કરનારા મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આ ચોમાસાના અંત સુધીમાં શહેરમાં દસ લાખ પ્લાન્ટેશન રોપવાની યોજના અમલમાં મુકી છે.પણ ગાર્ડન વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે,દર વર્ષે અમદાવાદ શહેરમાં કરવામાં આવતા પ્લાન્ટેશન સામે ૫૮ ટકા રોપા બચતા જ નથી.

શહેરમાં રોડ બનાવતા કોન્ટ્રાકટરો દ્વારા રોડ બનાવાયા બાદ પુરતુ પાણી ન આપવામાં આવતુ હોવાથી રોડની સાઈડમાં ઉભેલા ઘટાદાર અને વર્ષો જુના વૃક્ષોના મુળીયા નબળા પડે છે અંતે વૃક્ષ ધરાશાયી બને છે. શહેરમાં જવાહર ચોક પાસે રવિવારે વૃક્ષ પડતા એકનું મોત થયુ છે.ત્યારે અમદાવાદ શહેરમાં ઘટતા ગ્રીન કવર કોર્પોરેશન પોતે જ જવાબદાર છે. છેલ્લા દસકામાં બીઆરટીએસ, ડ્રેનેજ પ્રોજેકટ અથવા મેટ્રો પ્રોજેકટ પાછળ સાત હજારથી વધુ વૃક્ષોનો સફાયો કરી દેવાયો છે.

શહેરમાં નવા બાંધકામોમાં પ્લાન્ટેશનના નિયમની ઉપેક્ષા કરાઈ

અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૧માં રાજય સરકાર દ્વારા ગૃડા એકટ લાગુ કરવામાં આવ્યા બાદ નવા તમામ પ્રકારના બાંધકામોમાં બી.યુ.પરમીશન આપતા પહેલા ફરજીયાત પ્લાન્ટેશન કરવામાં આવ્યુ છે કે કેમ તેની ચકાસણી કરાયા બાદ જ પરમીશન આપવાના નિયમની ઉપેક્ષા કરાઈ છે. શહેરમાં વર્ષ-૨૦૧૬થી વર્ષ-૨૦૧૯ સુધીમાં રહેણાંક અને કોમર્શીયલ મળીને કુલ ૩૫૦૦ નવા યુનિટો ધમધમતા થયા છે.જેમાં આ નિયમનુ પાલન ન કરાયુ હોવાનુ મ્યુનિ.ના સત્તાવાર સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશને કેટલા વૃક્ષો કાપ્યા
વર્ષ વૃક્ષો
૨૦૧૦-૧૧ ૨૫૨
૨૦૧૧-૧૨ ૯૧૪
૨૦૧૨-૧૩ ૯૯૧
૨૦૧૩-૧૪ ૭૬૯
૨૦૧૪-૧૫ ૭૪૭
૨૦૧૫-૧૬ ૨,૨૦૦
૨૦૧૬-૧૭ ૭૫૬
વર્ષ-૨૦૧૧માં રોપાયેલા સાત લાખ રોપા ગાયબ

વર્ષ-૨૦૧૧માં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં સાત લાખ રોપા રોપવાનુ આયોજન શરૂ કરાયુ હતુ.પંદર દિવસ પછી બાબા રામદેવની સભા યોજવાની મંજુરી અપાતા જીએમડીસી ગ્રાઉન્ડમાં રોપવામાં આવેલા રોપા ઉપર બુલડોઝર ફેરવી દેવાયુ હતુ.

વર્ષ-૨૦૧૨માં શહેરના ઝોનમાં હતી આ પરિસ્થિતી
ઝોન વૃક્ષ(ટકામાં)
મધ્ય ૧૮.૫
પૂર્વ ૧૦.૯
પશ્ચિમ ૧૦.૮
ન્યુ.વેસ્ટ ૭.૮
નોર્થ ૨૦.૮
સાઉથ ૧૧.૪
માત્ર ૪૨ ટકા રોપા બચે છે

અમદાવાદ શહેરમાં વર્તમાન મોસમમાં સ્ટેન્ડીંગ કમિટી દ્વારા ૧.૫ લાખ રોપા રોપવાનુ લક્ષ્યાંક નકકી કરાયુ છે.બીજી તરફ એક જુલાઈથી મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં દસ લાખ રોપા રોપવાના અભિયાનની શરૂઆત કરાવી છે.ગાર્ડન વિભાગના જિજ્ઞેશ પટેલના કહેવા પ્રમાણે શહેરમાં દર વર્ષે જેટલા પણ રોપા રોપવામાં આવે છે એ પૈકી ૫૮ ટકા રોપા તો બળી જવાથી કે યોગ્ય જાળવણીના અભાવે મરી જાય છે.