છોટાઉદેપુરના જંગલ ની વનસ્પતિમાંથી બાયો ફ્યુઅલ બનાવી શકાય

અમદાવાદ,તા:06

છોટાઉદેપુરના જંગલ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં જોવા મળતી ડોળીયા નામની વનસ્પતિમાંથી મોટા પાયે બાયો ફ્યુઅલ વિકસાવી શકાય છે.એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના મિકેનિકલ વિભાગના અધ્યાપક નિકુલ પટેલે પોતાના પીએચડી ગાઈડ ડો.રાગેશ કાપડિયાના હાથ નીચે પીએચડીના ભાગરુપે ઉપરોક્ત સંશોધન હાથ ધર્યુ હતુ.

નિકુલ પટેલને આ સંશોધન માટે ગુજરાત કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ૬ લાખ રુપિયાની ગ્રાન્ટ પણ આપવામાં આવી હતી.આ સંશોધનને મળેલી સફળતા બાદ તેની પેટન્ટ લેવા માટે પણ તેમણે અરજી કરેલી છે.

નિકુલ પટેલનુ કહેવુ છે કે, ડિઝલની સાથે તેને ભેળવીને બાયો ડિઝલ તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે.અગાઉ પણ બીજી વનસ્પતિઓ માંથી આ પ્રકારે બાયો ફ્યુઅલ બની ચુકેલુ છે.આ સંશોધનને વ્યવસાયિક રીતે આગળ ધપાવવામાંં આવે તો છોટાઉદેપુરના જંગલ વિસ્તારમાં આદિવાસીઓ માટે આવકનો એક બીજો સ્ત્રોત પણ ઉભો થઈ શકે છે.

જંગલ વિસ્તારમાં જોવા મળથી ડોળીયા નામની વનસ્પતિ પર ફેબુ્રઆરીથી મે મહિના દરમિયાન ફળ આવે છે.જેના બીયામાંથી પ્રોસેસ કરીને તેલ કાઢી શકાય છે.આ તેલની સાથે મિથેનોલ ભેળવવાથી બાયો ફ્યુઅલ બને છે.સંશોધનના ભાગરુપે આ બાયોફ્યુઅલનો સિંગલ સ્ટ્રોક એન્જિન પર સફળતાપૂર્વક ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.

એક કિલો બીયામાંથી ૪૩૦ ગ્રામ જેટલુ તેલ નીકળે છે

બાયો ફ્યુઅલ બનાવનાર નિકુલ પટેલના કહેવા પ્રમાણે ડોળીયા નામની વનસ્પતિના એક વૃક્ષ પરથી લગભગ ૪૦ થી ૫૦ કિલો બીયા મળી શકે છે.એક કિલો બીયામાંથી ૪૩૦ ગ્રામ જેટલુ તેલ કાઢી શકાય છે.જેમાં લગભગ ચાર ગણુ મિથેનોલ ઉમેરીને તેના પર થતા પ્રોસેસથી ૮૦૦ ગ્રામ જેટલુ બાયોફ્યુઅલ અને ૨૦૦ ગ્રામ ગ્લિસરિન બને છે.એક લીટર ફ્યુઅલ અને ગ્લિસરિનનો ખર્ચ લગભગ ૪૯ રુપિયા આવે છે.મિનિસ્ટ્રી ઓફ રિન્યુએબલ એનર્જીએ જાહેર કરેલી પોલિસી પ્રમાણે પેટ્રોલિયમ કંપનીઓએ એક લિટર ડિઝલમાં ૧૦ ટકા બાયોફ્યુઅલ ભેળવવુ ફરજિયાત છે.રેલવે પણ બાયોફ્યુઅલ ઉપયોગ કરે છે.આ સંજોગોમાં બાયોફ્યુઅલ વેચવા માટે પણ ઘણી તકો ઉપલબ્ધ છે.