પેટા હેડિંગઃ 1986માં તૈયાર થયેલો ડેમ માંગે છે સમારકામ, સરકારી બાબુઓ સબ સલામતનો આલાપે છે રાગ
છોટા ઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન સુખી જળાશય યોજના ચાર તાલુકા વિસ્તારમાં સિંચાઇનું પાણી પૂરું પડે છે. આ સુખી સિંચાઇ યોજના આજે ખેડૂતો માટે દુઃખી યોજના સાબિત થવા જઇ રહી છે. કેમ કે આ યોજના દ્વારા વર્ષો પહેલાં બનાવેલી કેનલોમાં ઝાડી ઝાખરાં ઉગી નીકળ્યા છે. તો સાથે જ આ સુખી જળાશયમાં કેટલીક જગ્યાએ ગાબડાં પણ પડી ગયા છે. જેથી આ જળાશયનું પાણી ખેતરો સુધી પહોચશે કે કેમ એ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે.
છોટા ઉદેપુર જિલ્લાનો મોટામાં મોટો ગણાતો સુખી ડેમ પાવી જેતપુર તાલુકાના ડુંગરવાટ ખાતે 1986માં કાર્યરત થયો હતો. અને આ ડેમમાંથી 2 હજાર 701 હેક્ટર જમીનને સિંચાઇનું પાણી આપવામાં આવતું હતું. પણ હાલની સ્થિતિ એવી છે કે વર્ષોથી સુખી સિંચાઇ યોજનાની કેનાલમાં કોઈ સમારકામ ન થતાં કેનલોમાં ગાબડાં પડી ગયા છે. ડેમમાં ઠેર ઠેર ઝાડી ઝાખરાં ઉગી નીકળ્યા છે . જેને લઈ પાણીનો વેડફાટ થઈ જાય છે. અને ખેતરો સુધી પાણી પહોચતું નથી. ગયા વર્ષે પણ ફક્ત રવિ પાક માટે જ પાણી છોડવામાં આવ્યું હતું. અને ફક્ત 3 હજાર 360 હેક્ટર જમીનને સિંચાઇનું પાણી મળ્યું હતું.
આ વર્ષે પણ ચોમાસુ નબળું ગયું હોવાથી ચોમાસાની સિઝન દરમિયાન ડેમમાં માત્ર 63 ટકા જ પાણી ભરાયું છે. તો બીજી બાજુ કેનલોમાં સમારકામનો અભાવ જોવા મળી રહ્યો છે. અને ઝાડી ઝાખરાં ઉગ્યાં છે તે બાબતે અધિકારીને પૂછતા તેમણે લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે, આ કોઈ ચિંતાનો વિષય નથી. પાણી તો ખેડૂતોને મળશે જ..
જો કે અધિકારીના બચાવ જવાબનો નજર અંદાજ કરીએ તો, જર્જરીત કેનાલો કે જે સમારકામ માંગી રહી છે. આમ છતાં અધિકારી જણાવી રહ્યાં છે કે પાણી તો ચોક્કસ મળશે જ. તો હવે જોવાનું એ રહે છે કે, તૂટેલી ફૂટેલી હાલતમાં રહેલી કેનાલો હોવા છતાં કેનાલનું પાણી કેવી રીતે ખેડૂતો સુધી પહોંચશે?