ખેડૂતોને હવે મોંઘી ખેતી પરવડતી નથી. તેથી તેઓ કુદરતી ખેતી તરફ વળી રહ્યા છે. ખર્ચ ઘટાડવા માટે આ શ્રેષ્ઠ માર્ગ છે. જંતુનાશક દવા તથા રાસાયમીક ખાતરના વધતા ભાવો પરવડતા ન હોવાથી વનસ્પતીઓમાંથી જંતુ ભગાવો દવા અને પશુના છાણમાંથી ખાતર બનાવનારાઓની સંખ્યા વધી રહી છે. ખાતર અને જંતુ ભગાવો દવા માટે ગૌમૂત્રનો વધું ઉપયોગ થઈ રહ્યો છે.
સર્વ રોગોની દવા
ખેતરના શેઢા-પાળાની જમીનમાંથી ઉપજ.
મોટા ભાગના ખેડૂતોની શેઢા-પાળા પરની જમીન ખોટી રીતે વેડફાઈ જતી હોય છે અને સતત પડતર રહેવાને કારણે બિન ઉપયોગી ઘાંસ ઉગી જતું હોય છે,ત્યારે શેઢા-પાળાની વધારાની જગ્યામાંથી પણ ખેડૂતો ઉપજ મેળવી શકે છે અને ખેતરના રક્ષણ માટે વાડ પણ બનાવી શકે છે, આ માટે ખેડૂતો સાગ,સરઘવો, જામફળી, નાળયેરી, ચીકુડી, સિતાફળી સહિતના કોઈપણ ફળોના વૃક્ષ વાવી શકે છે. શેઢા પર ઝાડ વાવવાથી પાકને પવનથી પણ બચાવે છે. સાથે જ આ ઝાડ આસપાસ શાકભાજી તુરિયા, કારેલા, દૂધી વગેરે વાવવાથી તેના વેલા શેઢાની વાડ પર ચઢી જાય છે અને તેમાંથી ઉત્પાદન મેળવી શકાય છે. જે ખેડૂતો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તે વાઢિયું ઘાંસ ઉગાડી પશુ આહાર મેળવી શકે છે આમ, ખેડૂતો ખેતરની વધારાની જગ્યાને પણ આવકનું સ્ત્રોત બનાવી શકે છે.
વરસાદી પાણીનો સંગ્રહ.
પાણીનો અભાવ અને વધુ પડતાં પાણીના કારણે ખેડૂતોને પાકમાં પુરતું ઉત્પાદન મળતું નથી, ત્યારે આવા સંજોગોમાં ખેડૂતો વરસાદી પાણીનો સંગ્રહ કરી પાકને જરૂરી પિયત આપી શકે છે. વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ખેડૂતો સગવડ હોય તો એકવાર પાણીનો ટાંકો બનાવી કાયમી માટે તેનો ઉપયોગ કરી શકે છે તેમજ વેસ્ટ જગ્યામાં ખેત તલાવડી બનાવી તેમાં પાણીનો સંગ્રહ કરી શકે છે. સાથે જ ટાંકા કે ખેત તલાવડીમાં નદીના પાણીનો પણ સંગ્રહ કરી શકાય છે. ખેડૂતો ટાંકા અને ખેત તલાવડી બનાવવા માટે સરકારની સબસિડીનો પણ લાભ લઈ શકે છે. આ વરસાદી પાણીને ટપક મારફત પિયત આપી લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય છે. આ પ્રયોગથી જે જમીનમાં પાણી ન હોય ત્યાં પણ પાકને પાણી મળી રહે છે તેમજ વરસાદી પાણીથી ઉત્પાદનમાં પણ વધારો થાય છે અને કુવા-બોર પાછળ થતાં ખર્ચથી પણ બચી શકાય છે. – ડો. જી.આર. ગોહિલ, સહ પ્રધ્યાપક, કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ.
ખેતરના કચરામાંથી ખાતર.
ખેડૂતોએ ખેતરમા જે કોઈ પાકનું વાવેતર કર્યું હોય તેમાંથી વધારાનો કચરો તો નીકળતો જ હોય છે. જેમાં ઘઉંમાંથી કુંવરનું ભુસુ, એરંડાની ફોતરી, મગ-અડદ-તુવેરની ફોતરી, કપાસના પાંદાડાંઓનો ભુક્કો,માંડવીના બિયા કાઢતા તેમાંથી નિકળતી ફોતરી સહિત તમામ પાકમાંથી આવો વધારાનો કચરો મળે છે આ કચરાને ખેડૂતો ફેંકી દેતા હોય છે, પરંતુ આ કચરાને ખેતરમાં પાથરી ખેડ કરી નાખી તેના પર વરસાદ થતા તે સડી જાય અને તેનું ખાતર બની જાય છે. સાથે જ પાકમાં જીવામૃત અને ગોળ નાખેલ ખાતર પડવાથી તેમાં અળસિયાનું પ્રમાણ ખૂબ રહે છે,જે ખેતી માટે ઉત્તમ છે તેમજ કીડી અને મકોડાઓ પ્રમાણ પણ પાકમાં રહે છે, જેથી વધારાની જીવાતને તે ખાય જતા હોવાથી દવા પાછળનો ખર્ચ પણ બચી જાય છે. આમ, ખેડૂતો ખેતરમાંથી નિકળતા કચરાનો પણ યોગ્ય ઉપયોગ કરી શકે છે.
સર્વે રોગોની એક દવા.
ખેડૂતો સૌથી વધુ દવા પાછળ ખર્ચ કરે છે સાથે જ આ દવા પાક અને ખેડૂતો માટે નુકસાન કારક પણ છે. ખેડૂતો રોગોની દવા પોતાના ખેતરમાં જ તૈયાર કરી શકે છે. આ દવા બનાવવા માચે લિંબડો, આંકડો, ધતૂરો, નિલગીરી તેમજ કડવા કે તુરા કોઈપણ છોડ-ઝાડના પાંદડાઓ મિશ્ર કરી તેને ખાંડી 30 લિટર ગૌમૂત્ર સાથે તેનું મિશ્રણ કરી બાદમાં પાકમાં છંટકાવ કરવાથી કોઈપણ રોગમાંથી પાકને ઉગારી શકાય છે, સાથે જ જો પાકમાં ઈયળોનું પ્રમાણ હોય તો આ દવા સાથે સુરતી મરચી અને લસણ મિશ્ર કરી છંટકાવ કરવો તેમજ પાકમાં જો ફલાવરીંગ લાગવાનો સમય હોય તો આ મિશ્રણ સાથે હિંગ નાખવાથી પાકમાં ફ્લાવરીંગ સારૂ બેસે છે.
જીવામૃત
ખેતરમાં પાક કોઈપણ હોય તેમાં જીવામૃત આપવાથી કોઈપણ રોગથી પાકને મુક્તિ મળે છે અને પાકની તંદુરસ્તી પણ સારી રહેશે. જીવામૃત બનાવવા માટે 10 લિટર ગૌમૂત્ર અને 10 કિલો ગાયના તાજા છાણમાં 1 કિલો દવા વગરનો ગોળ, 1 કિલો કોઈપણ કઠોળનો લોટ તેમજ વડના ઝાડ નીચેની માટીમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ હોવાથી પાકનો ગ્રોથ વધારવામાં ઉપયોગી થાય છે માટે 1 કિલો વડ નીચેની માટી આ તમામ મિશ્રણને 200 લિટર પાણીમાં મિશ્રિત કરી દરરોજ સાંજ-સવાર એક અઠવાડિયા સુધી આ દ્રાવણને હલાવતા રહેવાથી જીવામૃત તૈયાર થઈ જાય છે. આ જીવામૃત એક એકર જમીનમાં આપવું. સાથે જ પાક ઉપર છંટકાવ માટે પંપમાં 1 લિટર નાખવું. આમ સમયાંતરે પાકને તેનો ડોઝ આપતા રહેવાથી આ જીવામૃત પાક માટે અમૃત સાબિત થશે.
ઘનજીવામૃત અને પંચગવ્ય
ખેડૂતો કોઈપણ પણ પાકમાં ઘનજીવામૃત અને પંચગવ્યનો છંટકાવ કરી અદભૂત પરિણામ મેળવી શકે છે. ઘનજીવામૃત બનાવવા માટે 100 કિલો ગાયાના છાણમાં ગોળ અથવા સડી ગયેલ ગોળની 2 કિલો રબડી, કઠોળનો લોટ, 6 લિટર ગૌમૂત્ર, એક મુઠ્ઠી શેઢા પાળા અથવા વડ નીચેની માટી લઈ આ તમામને મિક્સ કરી છાયામાં પાથરી સુકવી નાખવું, સુકાયા બાદ તેને ખાંડીને કોથળીમાં ભરી દેવી બાદમાં એક એકર જમીનમાં દરેક ચાસે છાંટી દેવુ. જ્યારે પંચગવ્ય બનાવવા માટે 1 કિલો ગાયનું છાણ લઈ તેમાં 3 લિટર ગૌમૂત્ર, 500 ગ્રામ ગાયનું ઘી, 2 લિટર ગાયનું દૂધ, 2 કિલો દંહી, 3 લિટર નાળિયેર પાણી, 3 લિટર શેરડીનો રસ અથવા 500 ગ્રામ દેશી ગોળ અને 12 નંગ કેળા લઈ તમામ વસ્તું મિશ્રિત કરી 21 દિવસ સુધી રોજ 5 મીનીટ હલાવવું, 21 દિવસ બાદ એક પંપમાં 300 મી.લી ઉમેરી પાક ઉપર દર 15 દિવસે છંટકાવ કરવાથી ખેડૂતો પાકમાં અદભૂત પરિણામ મેળવી શકશે.