અમદાવાદ,તા:૨૫ બોપલ ખાતેના સરદાર પટેલ રિંગરોડના બિસ્માર થવાના કારણે સ્થાનિકો અને વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા હતા. આ અંગે સ્થાનિકો દ્વારા વહીવટી તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ નઘરોળ તંત્રએ તે રજૂઆતની રીતસર અવગણવામાં આવી હતી.
આ અંગે જનસત્તા દૈનિક દ્વારા એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જે બાદ તંત્ર નિદ્રામાંથી જાગ્યું હતું અને માત્ર બે દિવસમાં જ રસ્તાને રિપેર કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત તંત્ર દ્વારા તૂટેલાંફૂટેલાં ગટરનાં ઢાંકણાં પણ રિપેર કરવા ની ખાતરી અપાઈ હતી.
ઉલ્લેખનીય છે કે આ રસ્તા પર સ્થાનિકો ઉપરાંત સૌરાષ્ટ્ર તરફનો પણ ભારે વાહનવ્યવહાર રહે છે, જે વાહનવ્યવહાર માટે આ રસ્તો માથાના દુખાવાસમાન હતો. રસ્તો ખરાબ હોવાના કારણે સવારે અને સાંજના સમયે ભારે ટ્રાફિકજામની પણ સમસ્યા સર્જાતી હતી. જો કે એસ.પી. રિંગરોડ અમદાવાદની ફરતે આવેલો છે, જ્યાં અનેક સ્થળે રસ્તાની સ્થિતિ હજુ કંઈ સારી કહી શકાય તેવી નથી, ત્યારે હવે બાકીના એસ.પી. રિંગરોડ અને તેના સર્વિસ રોડનું સમારકામ પણ ઝડપથી થવું જરૂરી બને છે.