જમાલપુરમાં આર.ઓ.પરમીશન ન હોવાછતાં અદાણી ગેસ દ્વારા રોડ ખોદાતા પગલા ભરાશે

અમદાવાદ,તા.૨૩
અમદાવાદ શહેરના રોડ ખોદવામા ટોરેન્ટ પાવર બાદ હવે અદાણી ગેસ પણ પાછળ રહેવા ન માગતુ હોય એમ જમાલપુર જેવા ભરચક એરીયામાં રોડ ઓપનીંગ પરમીશન રદ કરી દેવામા આવ્યા બાદ પણ રોડ ખોદવામા આવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરાશે.

આ અંગે મળતી માહીતી મુજબ,શહેરના જમાલપુર વિસ્તારમાં રાયખડ દિવાન બંગલો,ટોકરશાની પોળની આગળ અને શાહેઆલમ હોટલની બાજુમા અદાણી ગેસ દ્વારા રોડ ખોદી નાંખવામા આવ્યા છે.આ અંગે આસીસ્ટન્ટ સીટી ઈજનેર આર.આઈ.પટેલનો સંપર્ક કરવામા આવતા તેમણે કહ્યુ,અદાણી ગેસને જૂન માસમાં આપવામાં આવેલી રોડ ઓપનીંગની પરમીશન મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના આદેશથી રદ કરી દેવામા આવી છે.આમછતાં અદાણી ગેસ દ્વારા આ વિસ્તારમાં ત્રણ સ્થળે પરમીટ છે એમ કારણ આગળ ધરીને રોડ ખોદી નાંખવામા આવ્યા છે.આ મામલે એડીશનલ સીટી ઈજનેર અમિત પટેલ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને જાણ કરાઈ છે.જેઓ અદાણી ગેસ સામે વગર પરમીશને રોડ ખોદવા બદલ કામ બંધ કરાવી પેનલ્ટી કરશે.