જમીન ખાલી કરવા મુદ્દે ધમકીઓ આપી યુવાનને માર માર્યો

અમદાવાદ, તા. 8.
શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં લાકડાંનું પીઠું ધરાવતા યુવાનને બે અજાણ્યા શખ્સે આવીને માર માર્યો હતો. તેમજ આ જગ્યા ખાલી કરી નાખજે નહિ તો, જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી. આ અંગે સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ઘાટલોડિયા પોલીસ લાઇનની બાજુમાં આવેલ પ્લોટ નંબર 192માં રહેતા બલદેવજી અમૃતજી ડાભી પોતાના પરિવાર સાથે રહે છે. આ સ્થળે લાકડાંનું પીઠું ચલાવીને પોતાના પરિવાર સાથે ગુજરાન ચલાવે છે. ગત તા. 6 ઠ્ઠીના રોજ સાંજના ચારેક વાગ્યાના સુમારે બલદેવજી તેમના ભાઈઓ સાથે ઘરે હતા ત્યારે એક એક્ટિવા ઉપર બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. તેમણે પૂછ્યું હતું કે, બલદેવભાઈ અમૃતભાઈ ડાભી કોણ છે? જેથી બલદેવજીએ કહ્યું હતું કે, શું કામ હતું, જેથી એક્ટિવા ચાલકે કહ્યું હતું કે, ‘આ મનુ જીવણ ભરવાડની જગ્યા છે, જેથી તમે આ જગ્યા ત્રણ દિવસમાં ખાલી કરી નાખજો, નહિતર તમને જાનથી મારી નાખીશું.’ આવું કહી ઉશ્કેરાઈ જઈને ગાળો બોલીને બલદેવજીને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. જેથી આસપાસના લોકો એકઠાં થઈ જતાં તેઓ એક્ટિવા લઈને નાસી ગયા હતા અને જતાં જતાં ગાળો બોલીને મકાન અને જગ્યા ખાલી કરીને જતાં રહેજો નહિતર તમને નહીં છોડીએ તેવી ધમકીઓ આપતા ગયા હતા.

આ અંગે બલદેવજીએ સોલા હાઇકોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.