મહેસાણા, તા.૧૦
પર્યાવરણ બચાવોની લોકજાગૃતિ કેળવવા વિશ્વમાં સૌથી લાંબી સાયકલ યાત્રાએ નિકળેલ રાજસ્થાનના બાડમેરના લંગેરા ગામનો 34 વર્ષીય યુવાન જમ્મુથી યાત્રા પ્રસ્થાન કરીને દેશમાં 24000 કીલોમીટર પરિભ્રમણ કરશે. સાયકલ યાત્રાની સાથે સાથે પડાવમાં ઠેરઠેર વૃક્ષારોપણના રચનાત્મક કાર્ય સાથે 10 રાજ્યના 10300 કીલોમીટર ખેડીને ગ્રીનમેનથી જાણીતા નરપતસિહ રાજપુરોહિત બુધવારે મહેસાણામાં આગમન કરતા સમાજના યુવાનોએ સન્માન કર્યુ હતું.
મહેસાણાના કૃણાલ રેસીડેન્સીમાં સાંજે સાયકલયાત્રીનું સહુએ સન્માન કર્યુ હતું. 34 વર્ષીય યુવાન નરપતસિહ રાજપુરોહિતે 27 જાન્યુઆરીએ જમ્મુથી પર્યાવરણ જનજાગૃતિ સાથે સાયકલયાત્રાએ નીકળીને કાશ્મીર, હિમાચલપ્રદેશ, પંજાબ, હરીયાણા, દિલ્હી, યુ.પી, ઉત્તરાખંડ, ગુજરાતમાં ખેડા, મહુવા સહિતના જિલ્લાઓ થઇને અત્યારસુધી કુલ 10300 કીમી અંતર કાપીને બુધવારે સાંજે મહેસાણામાં આગમન કર્યુ હતું.
પર્યાવરણ બચાવા સ્કુલોમાં બાળકોને જાગૃત કરવા ઉપરાંત રૂટમાં વૃક્ષારોપણ કરીને યાત્રાને આગળ વધારી રહ્યો છે. જેમાં યુવાનોમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃતતા કેળવી રહ્યો છે. અનેક ઠેકાણે આ દરમ્યાન પક્ષીઘર લગાવી જીવદયાકાર્ય થકી દેશમાં કુલ 24000 કી.મીની સૌથી મોટી સાયકલયાત્રા પૂર્ણ કરવાની સંકલ્પના વ્યકત કરી હતી. અત્રે કૃણાલ રેસીડેન્સીના હરીનિવાસમાં અજીજસિહ, સતપાલસિહ વિસનગરના વિષ્ણુપુરોહિત, બાબુલાલ પુરોહીત, અર્જન આયુશ્માન બલવંતજી વગેરેએ યુવાનનું સ્વાગત કર્યુ હતું.