જયાંસુધી સંપૂર્ણ સલામતિની ખાત્રી ન થાય ત્યાંસુધી શાળામાં જવા શિક્ષિકાઓનો ઇન્કાર

અમદાવાદ,તા.12

સાણંદની ઝોલાપુરની સરકારી પ્રાથમિક શાળામાં ગ્રામજનો દ્વારા શિક્ષિકાઓ પર કરાયેલા હુમલાની ઘટના બાદ આજે દિવસ દરમિયાન આ શિક્ષિકાઓ જીલ્લા  પ્રાથમિક શિક્ષણ વિભાગની કચેરીમાં બેસી રહી હતી. વિભાગ દ્વારા આજે ગામના સરપંચ સહિતના આગેવાનોને બોલાવીને સમાધાનના પ્રયાસો શરૂ કરાયા હતા. આ ઉપરાંત સમગ્ર પ્રકરણમાં ગ્રામજનોને ઉશ્કેરવાની કામગીરી કરનારા શાળાના પૂર્વ આચાર્ય રાકેશ પટેલને નોટિસ આપીને તાકીદે નવી જગ્યાએ હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે.

સમાધાનના પ્રયાસો, શિક્ષીકાઓની સામુહિક બદલીની માગ

ઝોલાપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી ૧૬ શિક્ષિકાઓ પર ગત સોમવારે ગ્રામજનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ શિક્ષિકાઓએ પોલીસને જાણ કરવા ઉપરાંત શિક્ષણ વિભાગને પણ જાણ કરી હતી. પરંતુ કોઇ પ્રત્યુત્તર ન મળતાં છેવટે શિક્ષિકાઓએ અમદાવાદમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણની કચેરીએ આવીને રજૂઆત કરવી પડી હતી. આ ઘટના બાદ સમગ્ર પ્રાથમિક શિક્ષણ વિભાગ હરકતમાં આવી ગયો હતો. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા તપાસ માટે ચાર સભ્યોની કમિટી ઝોલાપુર ગામ જવા રવાના કરવામાં આવી હતી. આજે બીજા દિવસે પણ ૧૬ શિક્ષિકાઓએ ઝોલાપુર સ્કૂલમાં જવાના બદલે પ્રાથમિક શિક્ષણ વિભાગની કચેરીમાં બેસી રહી હતી. બીજીબાજુ વિભાગ દ્વારા સમગ્ર પ્રકરણમા સમાધાન કરવાના ભાગરૂપે ગામમાંથી સરપંચ સહિતના આગેવાનોને બોલાવીને શિક્ષિકાઓ સાથે બેઠક કરાવી હતી. જેમાં ગ્રામજનો અને સરપંચે પણ આ શિક્ષિકાઓને હવે પછી કોઇ આવી ઘટના નહી બને તેની ખાત્રી આપીને સ્કૂલમાં હાજર થઇને વિદ્યાર્થીઓને ભણાવવાનુ શરૂ કરવા અનુરોધ કર્યો હતો. શિક્ષિકાઓએ જયાં સુધી સંપૂર્ણ સલામતિની ખાત્રી ન થાય ત્યાંસુધી આ ગામમા ફરજ બજાવવા જવા ઇન્કાર કરીને તમામની સામૂહિક બદલી થાય તેવા માંગણી ચાલુ રાખી હતી. આ ઉપરાંત સમગ્ર પ્રકરણ જેના કારણે ઉભુ થયુ તે ઝોલાપુર સ્કૂલના પૂર્વ આચાર્ય રાકેશ પટેલને શિક્ષણ વિભાગે નોટિસ આપીને જે સ્થળે બદલી કરવામાં આવી છે ત્યાં તાકીદે હાજર થવા આદેશ કર્યો હતો. જો આગામી દિવસોમાં આ આચાર્ય પોતાની નવી જગ્યાએ હાજર ન થાય તો તેની સામે શિક્ષાત્મક પગલાં લેવાનુ પણ નક્કી કરાયુ હતુ.