પાલનપુર, તા. 19
એક સમયે ધાણધાર પંથક તરીકે ઓળખાતા પંથક શેરડીના સાંઠાઓથી લહેરાતો હતો ત્યાં પાણીના તળ ઊંડા ગયા બાદ હવે 40 વર્ષ પછી 4 એકરમાં શેરડીનું 300 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન મિકેનિકલમાં ડિપ્લોમા કરનારા 40 વર્ષના ખેડૂતે કર્યું છે. જે જલોત્રા ગામમાં 50 વર્ષ પૂર્વે વડદાદા શેરડીનો ગોળ બનાવતા હતા ત્યાં પ્રપોત્રે શેરડીનો મબલખ પાક લેતા લોકો મોમાં આંગળા નાખી ગયા છે. શરૂઆતમાં લોકો પાક નિષ્ફળ જશે તેમ કહી હસતા હતા તે હવે શેરડીના ઉત્પાદનથી ગૌરવ લઇ રહ્યા છે.
પાલનપુરથી અંબાજી જતા 20 કિલોમીટરના અંતરે હાઈવે પર જલોત્રા ગામ પાસે 4 એકરમાં શેરડીનો પાક જોઈ સૌ કોઈ ચોંકી જાય છે. બનાસકાંઠા જિલ્લામાં વસતા સૌ કોઈને ખબર છે કે છેલ્લા 45 વર્ષથી અપૂરતા પાણીને લીધે જિલ્લામાં ક્યાંય શેરડીનું ઉત્પાદન થતું નથી. સૌ કોઈની એવી માન્યતા છે કે શેરડીના ઉત્પાદનમાં ખૂબ જ વધુ પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. અને જમીન ભેજવાળી હોય એ ખૂબ જરૂરી હોય છે. એવામાં જલોત્રા ગામમાં મહેન્દ્ર ભટોળે સામા પ્રવાહે ચાલી 300 મેટ્રિક ટન જેટલો શેરડીનો પાક મેળવી લીધો છે. મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે આ જમીન શેરડી માટે અનુકૂળ છે કે કેમ તેને લઇ પહેલાં સંપૂર્ણ અભ્યાસ કર્યો. બાદમાં ટીસ્યુકલ્ચરના 2200 રોપા મહારાષ્ટ્રથી મેળવ્યા અને 9 મહિના બાદ કટીંગ કરીને બિયારણ બનાવ્યું અને એ બિયારણ પૂન: વાવેતર કર્યું. અને દસ મહિના બાદ શેરડીનો પાક તૈયાર થઈ ગયો. હાલ ખેતરમાં 8થી 10 ફૂટ લાંબી શેરડીઓ લહેરાઈ રહી છે. આવનારા સમયમાં અમે ફરી અહીં ગોળના રવા બનાવીને વડદાદાનું સપનું પૂરું કરીશું.
મહેન્દ્રના પિતા ઘેમર ભટોળ જણાવે છે કે મારા દાદા ઓખા નરસંગ 50 વર્ષ પહેલાં અહીં શેરડીની ખેતી કરતા અને તેઓ ગોળના 30 કિલોના કોલ્હાપુરી રવા બનાવતા હતા. તેઓ બનાસ ડેરીના ડિરેક્ટર રહી ચૂક્યા હતા. તેમનું સપનું હતું કે ધાણધાર પંથકમાં સુગર મીલ બને. પરંતુ કાળક્રમે પાણીના તળ ઊંડા જતાં સપનું માત્ર સપનું બની ગયું હતું. જલોત્રાના ખેતરમાં ટપક પદ્ધતિનો ઉપયોગ કરાયો છે. 24 કલાક વીજળી મળી રહે છે. અધૂરામાં પૂરું 90 થી 100ફૂટે ટ્યૂબવેલથી પાણી મળી રહે છે. જેથી વધુ પાણી કરતા માફકસરના ભેજના લીધે મબલખ ઉત્પાદન શક્યબન્યું છે. શેરડીની ખેતી ત્રણ વર્ષ સુધી ઉત્પાદન આપે છે તેથી ખેતીમાં ખર્ચ અને મહેનતનો બચાવ થાય છે. અધૂરામાં પૂરું ટીસ્યુ કરીને બિયારણ તૈયાર કર્યું હોવાથી હવે વારંવાર વાવેતર કરવાની સમસ્યા રહેશે નહી.