ભાજપના પૂર્વ કૃષિ પ્રધાન ચીમન સાપરીયા અને હાલના કૃષિ પ્રધાન આર સી ફળદુના જિલ્લામાં તથા ભાજપના મહામંત્રી ભીખુ દલસાણીયાના જિલ્લાના જામજોધપુર કાયમ સળગતું રહે છે. હવે જામજોધપુરનું અંદાજ પત્ર મંજૂર ન થતાં તેની ગંભીર નોંધ ગાંધીનગરમાં ભાજપના નેતાઓએ લીધી છે. જામજોધપુરમાં શું બની રહ્યું છે તેની રજેરજની વિગતો એકઠી કરવામાં આવી છે.
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા પંચાયતનું વર્ષ 2019-20નું સામાન્ય બજેટ નામંજૂર થતા ભાજપની તાલુકા પંચાયત બરતરફ થાય એવી સ્થિતી ઊભી થઈ છે. કોંગ્રેસના બે સભ્યોનું પક્ષાંતર કરાવીને ભાજપે સત્તા મેળવી પણ તે સંભાળી શકતા નથી. ભાજપના જ સભ્યો ગેરહાજર રહેતાં કોંગ્રેસે આખું અંદાજપત્ર ના મંજૂર કરી દીધું છે. કુલ 16 સભ્યોમાંથી ગૃહમાં હાજર રહેલા 15 સભ્યોમાંથી 8 સભ્યોએ બજેટના વિરૂધ્ધમાં મતદાન કરતા બજેટ નામંજૂર થયું હતું. તેથી ભાજપના નેતા અને પૂર્વ કૃષિ પ્રધાન ચીમન સાપરીયાની નાલેશી થઈ છે. હવે અવિશ્વાસની દરખાસ્ત આવી શકે છે.
2016માં તાલુકા પંચાયતની થયેલી ચૂંટણીમાં કુલ 16 સભ્યોમાંથી કોંગ્રેસના 9 અને ભાજપના 7 સભ્યો ચૂંટાયા હતા. તેથી કોંગ્રેસ દ્વારા સત્તા મેળવવામાં આવી હતી. પણ ભાજપના નેતા ચીમન સાપરીયાએ કાવાદાવા કરીને મોટું ખર્ચ કરીને કોંગ્રેસથી પક્ષાંતર કરાવીને ભાજપમાં 2 સભ્યો લાવ્યા હતા. કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષાંતર કરેલાં ધનાભાઇને પ્રમુખ બનાવ્યા હતા.
ગયા વર્ષે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સોનલબેન ડી. જાવિયાએ રૂ.25.88 કરોડનું અંદાજપત્ર સરળતાથી મંજૂર કરાવ્યું હતું. પણ આ વખતે ચીમન સાપરીયા અને નરેન્દ્ર કડીવાર પ્રજાના કામો મંજૂર કરાવવામાં સદંતર નિષ્ફળ રહ્યાં છે.
બંગડીઓની અસર આજે પણ છે
ભાજપ સરકારના પ્રધાન હતા ત્યારે 9 ડિસેમ્બર 2017માં ચીમન સાપરિયાને જામજોધપુરના સીદસરમાં ઉમિયા માતાજીના મંદિરમાં પાટીદાર મહિલાઓએ બંગડીઓ પહેરાવીને ધક્કે ચડાવીને હુરિયો બોલાવ્યો હતો. ત્યાંથી તેમણે ભાગી જવું પડ્યું હતું. તેની અસર આજે પણ લોકોમાં જોવા મળી રહી છે. પાટીદાર અનામત આંદોલનમાં તેમણે સહકાર ન આપતાં સભ્યો પણ વિરોધમાં છે.
અસામાજિક પ્રવૃત્તિ કારણરૂપ
કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયા અને તાલુકા પંચાયતના સભ્યો સતત માંગણી કરી રહ્યાં છે કે જામજોધપુર વાસ્તારમાં ચાલતાં દારુના અડ્ડા પરથી ભાજપના નેતાઓ હપ્તા લે છે તે બંધ કરાવવામાં આવે અને વિકાસ માટે વધું નાણાં સરકારમાંથી લાવવામાં આવે. આ કારણસર જ પૂર્વ કૃષિ મંત્રી ચીમનલાલ સાપરીયા ના કાર્યકરોના દારૂના અડ્ડા ચાલતાં હોવાના કારણે ચૂંટણી હારી ગયા હતા. ભાજપના નેતાઓના કુટુંબીજનો દારૂ વેચતા હોવાની ફરિયાદો થઈ છે. કૃષિ પ્રધાન આર સી ફળદુ પણ ચીમન સાપરીયાનું પ્રભુત્વ ઓછું કરવા ગઈ ચૂંટણીથી પ્રયાસ કરી રહ્યાં છે. કારણ કે તેઓ કૃષિ પ્રધાન બનવા માંગતા હતા. આ બધા કારણોથી ભાજપની નાલેશી અંદાજપત્રમાં થઈ છે. કોંગ્રેસે તેના ચૂંટણી પ્રચારમાં સ્પષ્ટ રીતે આરોપો મૂક્યા હતા જામજોધપુરમાં દારૂની બદી ઊભી થઈ છે તેની પાછળ ભાજપના ચીમનલાલ છે અને કોંગ્રેસ ક્યારેય દારૂની બદીને જામજોધપુરમાં પ્રોત્સાહના નહીં આપે. જામનગર જિલ્લા પંચાયતના ભાજપના જામવાળી બેઠકના સભ્યના ભાઈ કાના લાખા મોરી લાખો રૂપિયાનો દારૂ વેચતો પકડાઈ જતાં તેનાં ગંભીર પડઘા પણ તાલુકા પંચાયતમાં પડ્યા છે. આ અગાઉ ભાયાવદરમાંથી દારૂ પડકડાયો હતો ત્યારે પણ જામજોધપુરના વગદાર નેતાનું નામ ખૂલ્યું હતું. પણ પછી તે પ્રકરણ બંધ કરી દેવા માટે ગાંધીનગરથી દબાણ કરાયું હતું. હવે તો ભાજપના નેતાઓ પોતે જ દારૂ બનાવીને વેચતાં હોવાનું પોલીસની રેડમાં બહાર આવ્યું છે. જેમાં કાના લાકા મોરીનું નામ ખૂલ્યું છે. આમ હવે ભાજપના નેતા આ ધંધામાં આવી ગયા છે અને તેને જામજોધપુરના નેતાઓ ટેકો આપી રહ્યાં છે. ભાજપના નેતાને પોલીસે દારૂના ગુનમાં ફરાર જાહેર કર્યા હતા.
ભાજપમાં બળવો
જામજોધપુરમાં ભાજપના ઉમેદવાર ચીમન સાપરીયાના તુમાખી ભર્યા વર્તન સામે તેના જ સાથીદાર રમેશભાઈ કાશાભાઈ ડાંગર પક્ષના ઉમેદવારને છોડીને અપક્ષ તરીકે લડવાનું નક્કી કર્યું હતું. ભાજપની હારનું એક કારણ તે હતા. પૂર્વ કૃષિ મંત્રી ચીમન સાપરીયાને હરાવવા માટે તેઓ ઊભા હતા. રમેશભાઈ ડાંગર પોતે લાલપુર તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. હવે તાલુકા પંચાયતમાં પક્ષાંતર સહિતના પરિબળો નડી રહ્યાં છે.
મહિલાઓએ મારમારી કરી અને મત ગુમાવ્યા
જામજોધપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ નક્કી કરવા કોંગ્રેસના બે સભ્યોના નામની બોગસ સહી કરીને રાજીનામાં પ્રમુખ દ્વારા મંજૂર કરી દેવાયા હતા. રાજીનામાં આપ્યા ન હોવા છતાં ચીમન સાપરીયા અને નરેન્દ્ર કડીવાર દ્વારા કાવાદાવા કરાયા હતા. 21 જૂન 2018માં જામજોધપુરમાં તાલુકા પંચાયતની મધ્યસત્ર ચૂંટણી વખતે ભાજપ-કોંગ્રેસની મહિલા સભ્યો વચ્ચે મારામારી થઇ હતીબન્ને સભ્યોએ તાલુકા પંચાયત પ્રમુખ સામે ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. હવે ભાજપના સભ્યો પણ નારાજ છે. અને અંદાજપત્રની બેઠકકમાં ગેરહાજર રહ્યાં હતા.
પવિત્ર નદીઓ પણ અપવિત્ર થઈ
જામજોધપુરમાં 68 ગામ છે. જેમાં તમામમાં એકથી 10 સુધી દારુના સ્ટેન્ડ ચાલે છે. વાડીએ અને ઘરે ડીલેવરી આપવામાં આવે છે. જે તાલુકાના 1 લાખ હેક્ટરમાં પથરાયેલા જંગલોમાં દારુ બનાવવામાં આવે છે. 88517 હેકટર ખેતીની જમીન છે જ્યાં માંગો ત્યાં દારુ પહોંચાડવામાં આવે છે. જ્યારે હવે તો તાલુકાની 62,100 હેક્ટર ગૌચરની જમીનમાંથી ઘણી જમીન પર દારુ ગાળવાની ભટ્ઠીઓ થઈ હતી. જેમાં ફુલઝર, ડાયમીણસાર, વેણુ, બિલેશ્વરી જેવી પવિત્ર નદીઓને પણ દારુની ભઠ્ઠીઓથી અપવિત્ર કરવામાં આવી છે.
કયા સભ્યો છે
બાલવાના ગોમી લખમણ વડેચા, બુટાવદરના ગોવિંદ ભીમા ધ્રાંગું, ધ્રાફાના શોભના પ્રહલાદ જાડેજા, ગીંગણીના પ્રતિભા રમેશ કાલરીયા, ઈશ્વરિયાના દક્ષા નગેશ કારંગીયા, જામવાળીના એકતા હર્ષદ સુતરીયા, માંડાસણના મંછા ભીખા બારીયા, મોટા વડિયાના જીજ્ઞા ગોવિંદ ચાવડા, મોટી ગોપના રંભી જગા કરથિયા, પાટણના સંજના દેવા પરમાર, સડોદરના ગોવિંદ મેધા વારગીયા, સમાણાના પરેશ ઘેલા હિરપરા, સતાપરના ચના પરબત સિંઘલ, શેઠવડાળાના મયુર વલ્લભ ડઢાણીયા, સીદસરના મનોજ લખમણ ભડાણીયા, તરસાઈ-સખપુરના લીલા રૂડા કુડેચા, નવાણાના ધાના મેરામણ બેરા અને વાંસજાલીયાના જમનાદાસ રૂડા ઘરસંડિયાનો સમાવેશ થાય છે.
ભાજપના નેતા જુગાર રમતાં પકડાયા
જામજોધપુરના ભાજપ અગ્રણી અને વાસ્મો યોજનાના ડીરેકટરનો પુત્ર જયદીપ અમુભાઇ વૈષ્નાણી બહારથી જુગારીઓને બોલાવી નાલ ઉઘરાવી તીનપત્તીનો જુગાર ચલાવતો પોલાસે 12 ફેબ્રુઆરી 2018માં પકડ્યો હતો. સ્ટેશન પ્લોટના શૈલેષ જમનાદાસ કાલરીયા, રાકેશ રામજી બકોરી, ભાવીન કુમાર નાનજી સવાણી અને ખાંટ શેરીમાં રહેતા રસિક દામજી ખાંટને પકડી લીધા હતા.
મગફળી કૌભાંડમાં કોઈ પગલાં ન લેવાયા
પૂર્વ કૃષિ મંત્રી ચીમન સાપરીયા કૌભાંડી સહકારી મંડળીના પ્રમુખ હોય સરકાર આ સમગ્ર કૌભાંડમાં સહભાગી હોવાનું સાબિત થાય છે, તેવો આક્ષેપ જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ કર્યો હતો.
સરકાર આ સમગ્ર કૌભાંડમાં તેમના મળતિયાઓને છાવરવાનો પ્રયત્ન કરી રહી હતી. લાલપુરમાં આવેલી સહકારી મંડળી ઉપર જનતા રેડ કરી સમગ્ર પ્રકરણ ખુલ્લુ પાડયુ હતું. ત્યારે સરકારે આ મુદાને ગંભીરતાથી નોંધા માંની કાર્યવાહી કરી હોત તો આજે આ દિવસો જોવાનો વારો ન આવત. તેથી તેની અસર સમગ્ર તાલુકામાં થઈ છે.