જામનગર,તા:૨૧ જામનગર જિલ્લાના દરિયાકાંઠાની જમીનમાં ક્ષારના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. જેના કારણે પેટાળના પાણી પર જોખમ સર્જાયું છે. દરિયાઇ ખારાશને કારણે જમીન બંઝર બની રહી છે. પરંતુ ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ દરીયાકાંઠાને જમીનમાં ખારાશ અટકાવવા નાણાકીય સહાયની દરખાસ્ત કરી છે. જેમાં જણાવ્યુ છે કે ખારાશ વધતા ભૂગર્ભ જળને પણ નુકસાન પહોંચી રહ્યું છે. જિલ્લાની 63391 હેકટર જેટલી જમીન ખરાશ-યુકત બની છે. વધતી જતી ખારાશ એ જામનગર જિલ્લાના ખેડૂતો સહિત સરકાર માટે ચિતાનો વિષય બન્યો છે. જામનગર જિલ્લામાં દરીયાકાંઠાની જમીનની અંગે લોકસભામાં મુદો ઉઠતા કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રીએ સ્વીકાર્યું હતુ કે, ગુજરાતમાં દરિયાકાંઠાની જમીનની કેટલી જમીનમાં ખારાશ છે. તેનો ડેટા જ ઉપલબ્ધ નથી.
ગુજરાત સરકાર દ્વારા જામનગર જિલ્લામાં દરીયાઇ ખારાશ અટકાવવા દરીયાકાંઠા ઉપર બેડ બંધારા યોજના, હડીયાણા બંઘારા યોજના, બાલંભા બંધારા યોજના તેમજ એક ડેમથી બીજા ડેમને જોડતી રેડીયલ કેનાલ, ચેકડેમોનું નિર્માણ કરી રહ્યુ છે જામનગર જિલ્લાની દરીયાકાંઠાની જમીનમાં દીન પ્રતિદિન ક્ષારનુ પ્રમાણ વધી રહ્યુ છે. જામનગર જિલ્લામાં 63391 હેકટર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1,25,000 હેકટર જમીનમાં ખારાશનું પ્રમાણ જોવા મળ્યુ છે.આમ છતા દરિયાકાઠામાં વધતી જતી ખારાશ જમીનને નુકશાન પહોંચાડી રહી છે. જે ગંભીર મુદ્દો છે.