જામનગર વિધાનસભા પેટા ચૂંટણીમાં 35 દાવેદારો

જામનગર ગ્રામ્ય 77 વિધાનસભા વિસ્તારના આગામી લોકસભાની ચુંટણી સાથે જ વિધાનસભાની બેઠક માટે પેટા ચુંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરવા માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 35થી વધુ દાવેદારો ઉપસ્થિત રહેતા નિરીક્ષકો પણ મુંઝવણમાં મુકાયા હતા. કોંગી નિરીક્ષકોએ સેન્સની પ્રક્રિયાઓ પૂર્ણ કરી લઈ પ્રદેશમાં યાદી મોકલવા કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર લોકસભાની ચુંટણીની સાથે સાથે જ જામનગર ગ્રામ્ય 77 વિધાનસભા વિસ્તારની પેટા ચુંટણી યોજાવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને પ્રદેશમાંથી ચંદ્રીકાબેન ચુડાસમા, જશવંતસિંહ ભટ્ટી, બ્રિજેશ મેરજાની ટીમ આજે બપોરે જામનગર આવી પહોંચી હતી અને અમૃતા વાડીમાં સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ બેઠક પર ચુંટણી લડવા માટે કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ જીવણભાઈ કુંભારવાડીયા, વર્તમાન જીલ્લા પ્રમુખ જે.ટી.પટેલ, શહેર પ્રમુખ ગીરીશ અમેથીયા, કોર્પોરેટર કાસમભાઈ ખફી, યુસુફભાઈ ખફી ઉપરાંત વશરામભાઈ રાઠોડ જેટલા દાવેદારો હાજર રહ્યા હતા અને પોતાની દાવેદારી નોંધાવી હતી. બપોર સુધીમાં આ બેઠક માટે 35 જેટલા દાવેદારો હાજર થઈ જતા અને પોતાનો દાવો કરતા નિરીક્ષકો પણ વિમાશણમાં મુકાયા હતા. જોકે, તમામની સેન્સની પ્રક્રિયા પૂર્ણ કરી નિરીક્ષકોની ટીમ પરત ફરી છે અને પ્રદેશ કક્ષાએ નામોની યાદીનો રીપોર્ટ સોંપી દીધો છે. આ બેઠક માટે કોંગ્રેસ પાર્ટીમાં ભારે ધમાસણ ચાલી રહ્યું છે અને અનેક દાવેદારો ચુંટણી લડવા માટે થનગની રહ્યા છેે.