ડીસા સહિત જિલ્લામાં બટાટાના ભાવમાં છેલ્લા ચાર વર્ષથી મહામંદી પ્રવર્તી રહી છે. તેથી કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના માલીકો અને વેપારીઓ દેવાદાર બની ગયા છે તેમ છતાં બેંકોના સત્તાધીશો જાહુકમી દાખવતા તેમણે કલેક્ટર સમક્ષ રાહતની ગુહાર લગાવી હતી. જેથી કલેક્ટરે આજે શનિવારે તેમની સાથે બેઠકનું આયોજન કર્યુ છે.
બટાટાના ભાવમાં છેલ્લા ચાર વર્ષથી મંદી પ્રવર્તે છે તેથી કોલ્ડ સ્ટોરેજના માલિકો અને વેપારીઓ દેવામાં ડુબી ગયા છે જેને લઈ આપઘાતના બનાવો પણ બનવા પામ્યા છે તેમ છતાં દેના બેંક સહીતની બેંકોના સત્તાધીશો તેમને હપ્તા અને લોન ભરપાઈ કરવા દબાણ કરી રહ્યાં છે અને કોલ્ડ સ્ટોરેજા સિલ કરી જમીન કબ્જે કરવાની ધમકીઓ પણ આપે છે તેથી કંટાળેલા માલિકો અને વેપારીઓ આ મુદ્દે જિલ્લા કલેક્ટરને મળ્યા હતા અને તેઓ રૂપિયા ભરવા તૈયાર છે પણ મુદત આપવાની માંગ કરી હતી. વેપારીઓએ જણાવ્યું હતું કે બટાટાના ભાવમાં મંદીના કારણે પાયમાલ થઈ ગયા છીએ તેમ છતાં બેંક સત્તાધીશો અમોને “પડતા ઉપર પાટું” મારી રહ્યાં છે. જે માનવતાના સિધ્ધાંતોથી પણ વિપરીત છે. જેથી જિલ્લા કલેક્ટરે આજે શનિવારે બેંકોના સત્તાધીશો સાથે માલીકો અને વેપારીઓની બેઠક યોજી છે. જે ફળદાઈ નિવડે અને તંત્ર લોન ચુકવવામાં મુદત આપે તેવી અપેક્ષા કોલ્ડ સ્ટોરેજના માલીકો અને વેપારીઓ રાખી રહ્યાં છે.