જયેશ શાહ
કચ્છ, તા.૦૭
કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વગર ચૂંટણીએ ઠંડીના માહોલમાં વાતાવરણ ગરમ બની ગયું છે. મુખ્ય બે રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને જૂથબંદીને કારણે આવી સ્થિતિ થઈ છે. ભાજપનાં ભુજનાં ધારાસભ્ય નીમાબેનનાં પત્રનો વિવાદ હજુ શાંત પણ નથી પડ્યો ત્યાં હવે કચ્છ કોંગ્રેસનાં પ્રમુખને દૂર કરવા જોઈએ તેવી પોસ્ટ કોંગ્રેસના જ એક આગેવાને કરતા કોંગ્રેસનો પણ કકળાટ બહાર હતો. કચ્છ યુથ કોંગ્રેસનાં પ્રમુખે જિલ્લાનાં પ્રમુખ યજુવેન્દ્ર જાડેજાને નબળા નેતા તરીકે ચિતરીને કચ્છમાં કોંગ્રેસને બચાવવી હોય તો તેમને હટાવવા જોઈએ તેવી પોસ્ટ યુથ કોંગ્રેસના પ્રમુખે ફેસબુકમાં કરતા કચ્છ કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે.
આ મામલો ત્યારે બહાર આવ્યો હતો, જયારે કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ હરિસિંહ જાડેજાએ ફેસબુક ઉપર ગુરુવારે આ અંગેની બે પોસ્ટ મૂકી હતી. જેમાં એકમાં તેમણે કચ્છનાં કોંગ્રેસને નબળા નેતા તરીકે યજુવેન્દ્ર જાડેજાને કારણે એક વર્ષમાં કોંગ્રેસના સારા નેતા ભાજપમાં જોડાઈ ગયા હોવાનું તથા સારા આગેવાનો નિષ્ક્રિય બની ગયા હોવાનું લખ્યું હતું. જો કચ્છમાં કોંગ્રેસને બચાવવી હોય તો યજુવેન્દ્રસિંહને કચ્છ કોંગ્રેસનાં પ્રમુખ પદેથી તાત્કાલિક હટાવવા જોઈએ તેવી માંગણી કરતી પોસ્ટને પગલે કચ્છ કોંગ્રેસ સહિત સરહદી જિલ્લાના રાજકારણમાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.
અન્ય એક બીજી એક પોસ્ટમાં યુથ કોંગ્રેસનાં આ નેતાએ કોંગ્રેસનાં ભવિષ્યની ચિંતા કરતા હોય તે રીતે અગાઉનાં પ્રમુખ નવલસિંહ જાડેજાનાં કાર્યકાળને યાદ કર્યો હતો, અને નવલસિંહને જ ફરીથી જિલ્લા પ્રમુખનો હવાલો સોંપવામાં આવે તેવી વાત કરી હતી.
જોકે યુથ કોંગ્રેસના નેતા બંને પોસ્ટ ફેસબુકમાં મૂક્યા બાદ દબાણમાં આવી ગયા હોય તે રીતે જિલ્લા પ્રમુખ યજુવેન્દ્ર જાડેજાનાં નામવાળી પોસ્ટ હટાવી દીધી હતી. અલબત્ત તે પહેલા જ કેટલાક કાર્યકરો દ્વારા તેનો સ્ક્રીન શોટ લઈ લીધો હોવાને કારણે પોસ્ટ દૂર કર્યા પછી પણ તે પોસ્ટ વાઇરલ થઈ હતી.
અગાઉ પણ કચ્છ યુથ કોગ્રેસના કાર્યક્રમ સમયે પોસ્ટરમાંથી જીલ્લા પ્રમુખની બાદબાકીને લઇને યુથ કોગ્રેસ અને વર્તમાન કોગ્રેસ પ્રમુખની રાજકીય હુંસાતુસી પાર્ટીના દરેક કાર્યકરે જોઇ હતી. તો કોગ્રેસ કાર્યાલયમાં પ્રવેશ મુદ્દે પણ ઘરણા સહિતના પ્રદર્શનને લઇને યુથ કોંગ્રેસના પ્રમુખ હરિસિંહ ચર્ચામાં રહેલા છે. તેવામાં ફરી એકવાર આમ ખુલ્લે આમ પોસ્ટ કરી કોગ્રેસમાં પણ આંતરીક જુથ્થવાદ ચરમસીમાએ હોવાનો ઇશારો તેમણે કર્યો છે. હતી. જેને લીધે એક વાત તો નક્કી છે કે, કચ્છ કોગ્રેસમાં પણ બધુ બરાબર તો નથી જ.
જો કે આ દરમિયાન પોતાના પક્ષના ભવિષ્યની ચિંતા કરનાર આ યુથ કોંગ્રેસીએ પોતાની ફેસબુક આઈડી ઉપરથી તેમના ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનોને શુભેચ્છાની પુષ્પવર્ષા પણ કરી છે. જેને લીધે તેમની મથરાવટી સામે પણ જિલ્લાના કોંગી કાર્યકરો સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરી રહ્યા છે.
*પ્રમુખ બનાવ્યા ત્યારે જ વિવાદ થયેલો*
યજુવેન્દ્રસિંહ જાડેજાને જયારે કચ્છ કોંગ્રેસનું સુકાન સોંપવામાં આવ્યું હતું ત્યારે જિલ્લાનાં કોંગી અગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો. કારણ કે કોંગ્રેસની આંતરિક ચૂંટણી વખતે જ યજુવેન્દ્રસિંહ જાડેજાને કચ્છ ગાંધીધામમાંથી વોટ મળ્યા ન હતા. એટલું જ નહીં પરંતુ ગાંધીધામ નગર પાલિકાની ચૂંટણી હારી ગયેલા વ્યક્તિને જિલ્લાનાં પ્રમુખ બનવતા જે તે સમયે કોંગ્રેસમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું હતું. યજુવેન્દ્રસિંહ જાડેજાનાં પિતા શૈલેન્દ્રસિંહ જાડેજાને કારણે તેમને પ્રમુખ બનાવ્યા હોવાની વાતો તથા ત્યારબાદ લોકસભાની ચૂંટણી વેળાએ કોંગ્રેસનાં ઉમેદવાર નરેશ મહેશ્વરીની સાથે મળીને ચૂંટણી ફંડ ઘર ભેગું કર્યાની વાતથી પણ કોંગ્રેસના કાર્યકરો રઘવાયા બન્યા હતા.