અમદાવાદ,તા:૨૯
ઓગસ્ટની 22થી ગુજરાત હેવ્વી કેમિકલ્સ લિમિટેડ કંપનીના શેરમાં રૂા.185ની સપાટીથી પકડેલી સુધારા તરફી ચાલ આગામી દિવસોમાં ચાલુ રહેવાની ધારણા મૂકવામાં આવી રહી છે. અત્યારે સ્ક્રિપનો ભાવ રૂા. 220-222ની રેન્જમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા બાવન અઠવાડિયામાં સ્ક્રિપે રૂા.178નું બોટમ અને રૂા. 277નું ટોપ જોયું છે. આજેય સ્ટોક માર્કેટમાં જીએસસીએલના શેર્સના પડી રહેલા કુલ સોદામાંથી 74 ટકા સોદામાં ડિલીવરી લેવાઈ રહી છે. આ જ દર્શાવે છે કે વર્તમાન બજાર સ્થિતિમાં એક સારી કંપનીના શેર તરીકે તેની લેવાલી વધી રહી છે. સ્ક્રિપની બુક વેલ્યુ ર-ા.198.76 ની છે. કંપનીની શેરદીઠ કમાણી રૂા.41.02ની છે. ડિવિડંડ આપતી આ કંપનીના રૂા.10ની ફેસ વેલ્યુના શેર પર 50 ટકા ડિવિડંડ આપવામાં આવ્યું છે. કંપનીનો પીઈ-પ્રાઈસ અર્નિગ રેશિયો 5.39 છે. તેના ઉદ્યોગનો પીઈ રેશિયો 9.90નો છે. તેેની કિંમત સામે તેની આવક કેટલી છે તેનો નિર્દેશ પીઈ રેશિયો પરથ મળે છે. ઇન્વેસ્ટર તેેને માટે કેટલી કિંમત ચૂકવવા તૈયાર છે તેનો નિર્દેશ પણ પીઈ રેશિયો પરથી મળે છે.
રૂા.2166.69 કરોડનું માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતી કેમિકલ સેક્ટરની ગુજરાતની આ કંપની ડિટરજન્ટ અને ગ્લાસ મેન્યુફેક્ચરિંગ કંપની દ્વારા કાચા માલ તરીકે ઉયોગમાં લેવાતા સોડા એશનું ઉત્પાદન કરે છે. સોડાએશ તેનું મુખ્ય ઉત્પાદન છે. તેવી જ રીતે સોડિયમ બાયકાર્બોનેટનુ ઉત્પાદન પણ કંપની કરે છે. આ બંને પ્રોડક્ટ્સનું વેચાણ હાલમાં સારુ છે અને ભવિષ્યમાં પણ સારુ રહે તેવા નિર્દેશો મળી રહ્યા છે. સોડા એશમાં કંપનીનુ માર્જિન વધી રહ્યું હોવાથી કંપનીનો નફો વધવાની પૂરી શક્યતા છે. 2019-20ના પહેલા ત્રિમાસિક ગાળાની જ વાત કરવામાં આવે તો તેવા સંજોગોમાં એપ્રિલ, મે અને જૂન 2019માં કંપનીને સોડા એશના વેચાણના સારા ભાવ મળ્યા અને વેચાણના વોલ્યુમમાં 14 ટકાનો વધારો થયો તેથી કંપનીના માર્જિનમાં અંદાજે ચારથી પાંચ ટકાનો વધારો જોવા મળ્યો છે. તેથી કાચો માલ લેવા માટે કંપનીએ કરવા પડેલા ઊંચા ખર્ચની અસર ઓછી થઈ ગઈ છે.
કંપનીના વેચાણમાં 2.50 લાખ ટન જેટલો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ કંપનીએ તેની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરીન 125 લાખ ટનનો વધારો કર્યો છે. 2020-21ના અંત સુધી સોડા એશની ડિમાન્ડ 5થી 6 ટકાના દરે સતત વધતી રહે તેવી આશા રાખવામાં આવી રહી છે. ફ્લોટ ગ્લાસ સેક્ટર, કન્ટેઈનર ગ્લાસ, સિલીકેટ અને કેમિકલ સેક્ટરમાં ડિમાન્ડ વધતી જ રહેવાની હોવાથી સોડા એશમાં પણ ડિમાન્ડ સારી રહેવાની ધારણા મૂકવામાં આવી રહી છે.
ટેક્સટાઈલના સેક્ટરમાં પણ કંપનીના કામકાજ સારા છે. કંપનીએ પ્રોડક્ટ મિક્સમાં ફેરફાર કર્યો તેથી તેની ઓપરેટિંગ એફિશિયન્સીમાં વધારો થયો છે. નોટબંધી પછી ટેક્સટાઈલ સેક્ટરમાં કામકાજ ઓછા થઈ રહ્યા હોવાથી કંપનીએ સામા પૂરે તરવું પડી રહ્યું છે. તેમ છતાંય કંપની તેના માર્જિન સુધારીને 11 ટકા સુધી લઈ ગઈ છે. તેથી કંપનીની પ્રગતિ સારી છે. સ્થાનિક બજારનું કદ ડિસેમ્બર 2019ના અંત સુધીમાં 250 અબજ અમેરિકી ડોલરનું થઈ જવાની સંભાવના છે. જુલાઈ 2017માં બજારનું કદ 170 અબજ અમેરિકી ડોલરનું હતું. આમ માત્ર અઢી વર્ષના ગાળામા તેમાં 45 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ટેક્સટાઈલ પ્રોડક્ટ્સ લેનારાઓ બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ તરફ જ વળી રહ્યા હોવાથી સ્થિતિ સુધરી રહી છે. તેની આઈ-ફ્લો બ્રાન્ડ કાઠું કાઢી રહી છે. તેના સ્ટોક કિપિંગ યુનિટની સંખ્યા 60 જેટલી વધી છે. કંપની હવે દરેક વિસ્તારમાં તેનું વેચાણ વધારવા સક્રિય બની છે. તેના વેચાણમાં 30થી 35 ટકાનો વધારો કરવાનું તેનું ટાર્ગેટ છે.
જૂન 2019માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીની આવકમાં 16 ટકાનો વધારો થયો છે. તેની આવક વધીને રૂા. 879 કરોડની થઈ છે. તેનો ચોખ્ખો નફો 65 ટકાથી વધુના વધારા સાથે રૂા.100 કરોડથી વધુનો વધારો બતાવી રહ્યો છે. છેલ્લા બે ત્રણ વર્ષથી કંપનીની શેરદીઠ કમાણી રૂા.34થી 35ની રેન્જમા છે. આ વરસે શેરદીઠ કમાણી વધીને રૂા.36થી 36.20ની રેન્જમાં રહેવાની ધારણા મૂકવામાં આવી રહી છે. કંપનીનો ચોખ્ખો નફો રૂા.350 કરોડની આસપાસ રહેતો હોવાનું જોવા મળે છે. આ વરસે કદાચ નફો રૂા.400 કરોડથી વધી જવાની ધારણા રાખી શકાય તેમ છે.