જીએસટીની ઘટનું વળતર 2025 સુધી આપવાની માગણી પરની ચર્ચા મુલતવી

અમદાવાદ,તા.24

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલથી રાજ્યોની વેરાની આવકમાં ઘટ પડે તો તે 2022 સુધી કોમ્પેન્સેટ કરવાની નક્કી કરેલી મુદત લંબાવીને 2025 સુધી કરી આપવાની માગણી દેશના રાજ્યો દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ આ મુદ્દે આગામી મહિનાઓમાં થનારી બેઠકો બાદ નિર્ણય લેવામાં આવશે. બીજી તરફ મોટર અને બિસ્કિટ સહિત 200થી વધુ ચીજવસ્તુઓમાંથી 160થી 170 વસ્તુઓના જીએસટીના દરમાં ફેરફાર કરવાની જીએસટી કાઉન્સિલે અને ફિટમેન્ટ કમિટીએ ધરાર ના પાડી દીધી છે.

ગુજરાતના નાણાં મંત્રી નીતિન પટેલે આ નિર્દેશ આપતા જણાવ્યું હતું કે રાજ્યોને 2022થી આગળ 2025 સુધી કોમ્પેનસેશન આપવાને મુદે નિર્ણય લેવા માટે ટેક્સની આવક વધવી જરૂરી છે. બીજીતરફ લક્ઝરી આઈટેમ્સ પરના ટેક્સમાં ઘટાડો કરી શકાય નહિ અને તેના પર કોઈ અન્ય રીતે વધારાનો બોજ નાખવો પડી શકે છે. તેમ થાય તો જ કેન્દ્રની જીએસટીની આવકમાં વધારો થાય અને રાજ્ય સરકારને વેરામાં જનારી આવકમાં પડનારી ઘટને કોમ્પેનસેટ કરી શકાય. આ ગણતરી સાથે શનિવારે મળેલી બેઠકમાં મોટરકાર અને ઓટો એન્સિલિયરી પરના જીએસટીના દરો ઘટાડવાની સ્પષ્ટ ના ભણી દેવામાં આવી છે.

કાઉન્સિલમાં રાજ્ય સરકારને પાંચ વર્ષ સુધી આવકમાં પડનારી ઘટ કોમ્પેન્સેટ કરવા કાયદેસર બંધાયેલી છે. પરંતુ 2022ને હજી અઢી વર્ષની વાર છે. આ સંજોગમાં અત્યારને તબક્કે વળતર આપવાની મુદત અંગે નિર્ણય લઈ શકે નહિ, એમ નાણાં મંત્રીએ જણાવ્યું હતું. આ પ્રકારના કારણોસર જ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આવકમાં વધારો ન થતો હોવાથી સરકારે મોટર પરના અને બિસ્કિટ પરના જ નહિ, પરંતુ ઘી, બટર, ચીઝ અને ડ્રાયફ્રૂટ સહિતની 150થી વધુ ચીજવસ્તુઓ પરના જીએસટીના દર ઘટાડવાની પણ ધરાર ના પાડી દેતા દિવાળીના અરસામાં તેના વેચાણ પર પણ અસર પડવાની ધાસ્તી વેપારીઓને લાગી રહી છે. ગત શનિવારે મળેલી જીએસટી કાઉન્સિલની ફીટમેન્ટ કમિટીને બેઠકમાં વેપાર ઉદ્યોગની બધી જ આશા અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું છે.

ફિટમેન્ટ કમિટીએ જણાવ્યું હતું કે જીએસટીનો અમલ શરૂ થયો તે પૂર્વે ઘી, બટર,ચીઝ પર 12 ટકા ટેક્સ લાગતો હતો. તેમાં ઘટાડો કરીને 5 ટકા કરી આપવામાં આવ્યો છે. અત્યારે આ પ્રોડક્ટ ખાસ કરીને અમૂલ અને મધર ડેરી જેવી મોટી કંપનીઓ મારફતે વેચવામાં આવી રહ્યા છે. તેમનાથી નાના કદની કંપનીઓ કોમ્પોઝિશન સ્કીમમાં જઈને તેનાથી બચી જ શકે છે. આ નાની કંપનીઓનું ટર્નઓવર રૂા.1.5 કરોડથી વધુ હોવાની સંભાવના ઓછી છે. તેથી આ વસ્તુઓ પરના જીએસટીના દરમાં ઘટાડો કરવાની કોઈ જ જરૂર નથી.

જીએસટી કાઉન્સિલ હેઠળ ફિટમેન્ટ કમિટી પણ પેટા કમિટી તરીકે સક્રિય છે. તેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના ટેક્સના અધિકારીઓનો સમાવેશ થાય છે. ઓગસ્ટ 2019ની જીએસટીની આવક અપેક્ષા કરતાં ઘણી જ ઓછી એટલે રૂા.98,200 કરોડની રહી હતી. તેમાં મોટરકાર થકી થતી આવક અંદાજે 15 ટકા જેટલી છે. આ સંજોગોમાં ઓટોમોબાઈલ કે ઓટો પાર્ટ્સ પરના જીએસટીના દરમાં ઘટાડો કરીને ઉદ્યોગમાં જોવા મળતી મંદીને મહાત આપીને વેચાણમાં વધારો થાય તે માટે પગલાં લેવામાં આવશે તેવી અપેક્ષા ઓટો ઇન્ડસ્ટ્રીઝે રાખી હતી, પરંતુ તેમની આશા પર પાણી ફરી વળ્યું છે. સરકાર કોઈપણ સંજોગોમાં વધુ આવક ઘટાડો સહન કરી શકે તેવી સ્થિતિમાં નથી. પરિણામે ઓટો ઉદ્યોગમાં કે અન્ય વસ્તુઓ પરના જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવે તેવી અપેક્ષા વધુ પડતી હતી. તેથી જ અપેક્ષા સંતોષાઈ નથી. ફિટમેન્ટ કમિટીએ 32 વસ્તુઓના દરમાં ફેરફાર કરવાની સહમતી દર્શાવી છે. 10 વસ્તુઓના સંદર્ભમાં નિર્ણય લેવાનું મુલતવી રાખ્યું છે. 165થી વધુ ચીજવસ્તુઓના દરમાં ઘટાડો કરવાની ધરાર ના પાડી દીધી છે. આ વસ્તુઓ અંગે તેમણે વિચારણા પણ કરી નહોતી.

ફિટમેન્ટ કમિટીએ પણ દરેક ચીજવસ્તુઓ અંગે આવેલી રજૂઆતને જીએસટી કાઉન્સિલ સમક્ષ મૂકવાની હોય છે. જીએસટી કાઉન્સિલે તે અંગે આખરી નિર્ણય લેવાનો હોય છે. પરંતુ ગત શનિવારની બેઠકમાં જીએસટી કાઉન્સિલે આ અંગે નિર્ણય લીધો નથી.

તદુપરાંત રેડી ટુ મેક ફૂડ જેવા કે ઇન્સ્ટન્ટ ઇડલી,ડોસા મિક્સ, ગુલાબ જાંબું મિક્સ, ઠંડાઈ મિક્સ, પાયસમ મિક્સ અને ઉપમા મિક્સ જેવી વસ્તુઓ પરના જીએસટીના 18 ટકાના દર ઘટાડીને 5 ટકા કરી આપવાની માગણી ફિટમેન્ટ કમિટી સમક્ષ મૂકવામાં આવી હતી. ફિટમેન્ટ કમિટીએ અવલોકન કર્યું છે કે પહેલા આ પ્રોસેસ્ડ ફૂડ પર 12 ટકા ટેકસ લાગતા હતા, તેમાંથી કેટલીક વસ્તુઓ પર અત્યારે 18ટકાના દરે જીએસટી વસૂલવામાં આવે છે. આ ચીજ વસ્તુઓનો વપરાશ સમાજના સમૃદ્ધ વર્ગના લોકો દ્વારા કરવામાં આવતો હોવાથી તેના પરના જીએસટીના દરમાં ઘટાડો કરવાની જીએસટી કાઉન્સિલ અને ફિટમેન્ટ કમિટીએ ના પાડી દીધી છે. બીજું, મોટી મોટી કંપનીઓ આ ચીજવસ્તુઓના બિઝનેસમાં પડેલી છે. તેમને વેરાનો લાભ આપવામાં આવશે તો તેનો લાભ ગ્રાહકો સુધી ન પહોંચવાની સંભાવના રહેલી છે. તેમ જ તેઓ તેના થકી તેમનો નફો વધારવાની કવાયત કરી શકે છે.