જીએસટીની ચોરી કરવા માત્ર ચિઠ્ઠી પર વેપાર કરી રહેલા હોલસેલર્સ

અમદાવાદ,સોમવાર

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કચેરીના અધિકારીઓને લેખિત રજૂઆત કરીને હોલસેલર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સના નામ સાથે જીએસટીની ચોરી કરતાં હોવાની વિગતો આપ્યાને છ મહિના વીતિ ગયા હોવા છતાંય જીએસટીની ચોરી કરનારાઓ સાથેની મિલીભગતમાં કામ કરતાં જીએસટી અધિકારીઓ તેમને પકડવા સક્રિય જ થતાં નથી. અમદાવાદમાં જ વીસથી વધુ હોલસેલર્સ ડ્રિસ્ટ્રીબ્યુટર્સ કરોડોની જીએસટીની ચોરી કરી રહ્યા હોવાની નામ અને સરનામા સાથેની વિગતો જીએસટીના અધિક કમિશનરને આપવામાં આવેલી છે. આ જ અધિક કમિશનરને દોઢ બે વર્ષથી માહિતી આપવામાં આવી હોવા છતાંય ચોરી કરનારાઓ હજીય છૂટથી ચોરી કરી રહ્યા હોવાના કિસ્સાઓ અમદાવાદમાં જ મોજૂદ છે.

સાબુ, ચહેરાની સુન્દરતા વધારતી ક્રીમ, કપડાં ધોવાનો સાબુ, માથાના વાળ ધોવાના સેમ્પુ, ટૂથપેસ્ટ, શેવિંગ બ્લેડ્સ અને શેવિંગ રેઝર્સ, શેવિંગ ક્રીમ, હેન્ડ વોશના લિક્વિડ્સ, બેટરીના સેલ, હેલ્થ ડ્રિન્ક્સ, ચોકલેટ, બિસ્કિટ વગેરેનો કરોડોનો માલ ટેક્સ ભર્યા વિના જ મોલમાં સપ્લાય કરી દેવામાં આવે છે. કાંકરિયા નજીક હીરાભાઈ માર્કેટ પાસે વહેલી સવારે આ માલ ઉતારવામાં આવે છે. ત્યાંથી સીધો મોલમાં મોકલી દેવામાં આવે છે. બિલ વગર આવતી આ આઈટેમ્સ પર બહુધા 18 ટકા જીએસટી લાગતો હોવાનું જોવા મળે છે. મોલમાંથી આ માલ નાના દુકાનદારો ખરીદે છે. તેઓ પણ બિલ વિના જ તે માલ વેચી દેતા હોવાનું જોવામ ળે છે. રિટેઈલ દુકાનમાં માલલ ેવા જનારાઓ બહુધા બિલ લેતા જ નથી. પરિણામે આ ચોરી પકડાતી જ નથી. મોલમાંથી ઘર વપરાશ માટે માલ લેતા હોય તે રીતે તેઓ ચાર પાંચ વ્યક્તિગત નામથી માલ ખરીદે છે. તેથી તેના પર તેમણે ટેક્સ ભરવો પડતો નથી. મોલના માલિકો પણ રીતે ચોરી કરનારાઓનો સહયોગ આપી રહ્યા છે. તેની અસર હેઠળ જીએસટીનું રજિસ્ટ્રેશન ધરાવનારા વેપારીઓને નુકસાન જાય છે. આ વેપારીઓનું રોજનું રૂા. 2 કરોડનું અને વર્ષે અંદાજે 750થી 900 કરોડનું ટર્નઓવર હોવાનું ઇન્ફોર્મરે આપેલી લેખિત માહિતીમાં જણાવવામાં આવ્યું છે. કઈ ટ્રાન્સપોર્ટ કંપનીમાં તેમનો માલ આવે છે તેની વિગતો પણ નામ સાથે આપવામાં આવેલી છે.

પચાસ કિલોમીટરથી વધુ અંતરે જ માલ લઈ જવા માટે ઈ-વે બિલ કઢાવવું ફરજિયાત હોવાની વ્યવસ્થાનો હોલસેલર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સ ગેરલાભ ઊઠાવીને કરોડો રૂપિયાનો માલ સપ્લાય બિલ વિના જ કરી દઈને જંગી રકમની જીએસટીની ચોરી કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આવક વધારવા માટે એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારે આકાશપાતાળ એક કરી રહી છે. બીજી તરફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓ જીએસટીની ચોરી કરનારાઓને છાવરવાની એક પણ તક જતી કરતાં ન હોવાનું જોવા મળી રહ્યું છે. પરિણામે બિલ વિના માત્ર ચિઠ્ઠી પર કરોડોનો વેપાર કરનારાઓ ફૂલીફાલી રહ્યા છે.

અન્વેષણ વિભાગના અધિક કમિશનરને સંબોધીને આ પત્ર ગત એપ્રિલ મહિનામાં આપવામાં આવેલો છે. આ પત્ર પર સંબંધિત અધિકારીએ ડિપાર્ટમેન્ટનો સ્ટેમ્પ પણ મારીને તારીખ નાખીને સહી પણ કરી આપેલી છે. આ અધિક કમિશનર અત્યારે નિવૃત્ત થઈ ગયા છે. તેમને જ અગાઉ આપવામાં આવેલી માહિતીની પણ તપાસ કરવામાં આવી નથી.