જીતાલી ગામે યોજાયાં ઢીંગલાં ઢીંગલીનાં લગ્ન, આદિવાસી સંસ્કૃતિની ઝલક

આદિવાસી પટ્ટીને અડીને આવેલાં અંકલેશ્વર તાલુકાના જીતાલી  ગામે વસતાં આદિવાસી સમાજ દ્વારા વર્ષો જૂની પરંપરા અનુસાર ઢીંગલા ઢીંગલીનાં લગ્નનો ભાતીગળ મેળો ભાદરવી અમાસના રોજ યોજવામાં આવ્યો હતો. જેમાં હજારો આદિવાસી સમાજના તેમજ અન્ય સમાજનાં લોકો મેળામાં ઉમટી પડ્યાં હતાં. અને જીતમ ભવાની મંદિરે યોજાયેલા ઢીંગલા ઢીંગલીનાં લગ્નસમાંરભમાં ભાગ લીધો હતો
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ ખાતે આદિવાસી સંસ્કૃતિની પરંપરાગત ઉજાગર કરતા દ્રશ્યો આજે જોવા મળ્યાં હતાં. ઢીંગલા ઢીંગલીનો મેળો ભાદરવી અમાસના દિવસે યોજવામાં આવે છે. આદિવાસી સંસ્કૃતિથી આપણને રૂબરૂ કરાવતાં ભાતીગળ મેળાનું ગામના હિંદુ મુસ્લિમ સમાજ દ્વારા ભેગા મળીને આયોજન કરવામાં આવે છે. જેને લઈ કોમી એકતાનાં સ્વરૂપે જાણીતા આ મેળામાં દરેક ધર્મ અને જાતિનાં લોકો ઉત્સાહભેર ભાગ લે છે. આ ઉત્સવની શ્રાવણ માસની પૂનમ રક્ષાબંધન તહેવારનાં રોજ સગાઇ કરવામાં આવે છે. જો કે મેળા પાછળનું મહત્વ પણ અનેરું છે.
લોક વાયકા મુજબ જીતાલી ગામે નદીનાં કાંઠે આવેલા રાયણીના વનમાં ગામના ગોવાળિયા પશુ ચરાવતા હતા અને નદી કિનારે અનેક રમત રમતા હતાં. એક દિવસ ગોવાળિયાઓ કાપડમાંથી ઢીંગલી અને ઢીંગલાં બનાવી રમત રમતાં હતાં. બે જોડીમાં બનાવેલાં ઢીંગલાં ઢીંગલીને ટોપલામાં મૂકી ફૂલહાર વડે કપડાંથી સજ્જ આ ઢીંગલાં અને ઢીંગલીનાં લગ્ન પ્રસંગ યોજ્યો હતો. અને જેતે વખતે લાકડાની બનાવેલી તલવાર લઈ નકલી લડાઈ કરી રહ્યાં હતાં. તે વખતે તલવારથી  કાપડનાં પુતળામાંથી એકનું ધડ માથાંથી અલગ થઈ જતું. અને અચાનક અંદરથી અવાજ આવ્યો કે ”જેમ અમારું દાંપત્ય ખંડિત થયું તેમ તમે પણ ખંડિત થાઓ”, આ આકાશવાણીના અવાજ બાદ ગામમાં આફત શરૂ થઇ અને ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો. તો કુદરતી આફતોથી ગામ ઘેરાઈ ગયું જેનાથી બચવા અને શ્રાપથી મૂક્ત થવા ગામમાં આવેલાં જીતમ ભવાની માતા અને તેમની મોટી બહેન હિતમ ભવાનીની આરાધના અને પ્રાર્થના શરૂ કરી રિઝવવાનો પ્રયાસ શરૂ કર્યો. જેને લઈ ગ્રામવાસીની પ્રાર્થના સ્વીકારી હિતમ ભવાની માતાએ આખા ગામને સુવડાવી દીધું. અને જીતમ ભવાની માતાએ તેમને જગાડી દીધા અને ત્યારથી ગામનું નામ જીતાલી તરીકે ઓળખાય છે. અને તેમણે આપેલા આશીર્વાદ પ્રમાણે ગામમાં પ્રતિ વર્ષ ઢીંગલા ઢીગલીનાં લગ્નનું આયોજન કરી તેનો મેળો યોજવામાં આવે છે. ભાદરવી અમાસ અને મંગળવારનાં રોજ યોજાયેલા આ મેળો ચૂસ્ત પોલીસ વ્યવસ્થા સાથે હિંદુ મુસ્લિમ સમાજની કોમીએખલાસની ભાવના વચ્ચે યોજવામાં આવ્યો હતો.