જીતેન્દ્ર વાઘાણીએ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું ન આપ્યુ, પુત્રના ચોરીના ગુનો

ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીના પુત્ર મીત વાઘાણી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની સ્વામી વિવેકાનંદ કોલેજના બી.સી.એ. સેમ-1માં અભ્યાસ કરતા અને એટીકેટી મેળવી એક વિષયમાં નાપાસ તરીકે પરીક્ષા આપવા બેઠેલ મીત જીતુભાઇ વાઘાણી પાસેથી પણ ગેરકાયદે સાહિત્ય મળી આવ્યું હતું. પરીક્ષામાં ચોરી કરતાં પકડાયો હતો. મીત વાઘાણી બૅચલર ઑફ કમ્પ્યુટર ઍપ્લિકેશનના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. ચોરી કરવા માટે બનાવેલી 27 કાપલીઓ માંથી મીત જીતેન્દ્ર વાઘાણી નકલ કરીને પરિક્ષા આપી રહ્યો હતો ત્યારે રંગે હાથ પકડાઈ ગયો હતો. આટલી શરમજનક ઘટના બની હોવા છતાં ભાજપના પ્રદેશ પ્રમુખે નૈતિકતાના આધાર પર રાજીનમું આપવું જોઈતું હતું. તેમણે રાજીનામું તો ન આપ્યું પણ પુત્રના કાળા કામ માટે જાહેરમાં માફી પણ માંગી નથી. ચોરી જાહેર ન થાય તે માટે દબાણ કર્યું હતું. આમ કાયદો ઘડનારા ધારાસભ્ય વાઘાણીએ કાયદાનો ભંગ કરવાની પ્રયાસ કર્યો હતો. જોકે તેમણે આ દાવાનું ખંડન કર્યું હતું.

જીતેન્દ્ર વાઘાણીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, લોકશાહીમમાં જે નિયમો હોય એ તમામ નિયમો મારા પરિવારને પણ લાગુ પડશે. મારા દીકરાએ ભૂલ કરી છે, એવું હું માનું છું, યુનિવર્સિટીના નિયમ મુજબ એને સજા થવી જોઈએ.  નક્કી કર્યું છે કે મારો દીકરો હવે પરિક્ષાના પેપર આપવા નહીં જાય.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ મૌન બની ગયા છે. ખરેખર તો તેમણે મીત સામે પગલાં ભરવાની જાહેરાત કરવાની જરૂર હતી.

પ્રિંસિપાલની હિંમત કામ કરી ગઈ

પ્રાધ્યાપક વાટલીયાએ મક્કમતાથી પરિસ્થિતિને સંભાળી કોપી કેસ કર્યો હતો અને તેઓ યુનિર્વસિટી પહોંચ્યા હતા. પ્રાધ્યાપક વાટલીયા તેમણે કરેલા કેસના કાગળો વાઈસ ચાન્સેલર મહિપતસિંહ ચાવડાને સોંપી બહાર નિકળ્યા ત્યારે સમાચાર માધ્યમોના પ્રતિનિધિએ મીત વાઘાણી અંગે સવાલ પુછયા ત્યારે તેમણે સૂચક જવાબ આપ્યો હતો કે મારી નિવૃત્તી નજીક છે. આ મામલે ઘટનાની ખરાઈ કરવા માટે મહિપતસિંહ ચાવડાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જાણકારી આપી હતી કે પરીક્ષા દરમિયાન કુલ સાત કેસ થયા છે પણ કોની સામે થયા તેમના નામની મને ખબર નથી. વાઘાણીને ચોરી કરતા પકડનાર પ્રાધ્યાપક વાટલીયા મંત્રી વિભાવરી દવેના નજીકના ગણાય છે અને તેમને વાઈસ ચાન્સેલર બનાવવામાં આવશે તેવું માનવામાં આવતું હતું, પણ સરકારે મહિપસિંહ ચાવડાને વાઈસ ચાન્સેલર બનાવી દીધા હતા.

બી.સી.એ.સેમેસ્ટર-1ની એટીકેટીની એટલેકે માત્ર એક વિષયની પરીક્ષામાં પણ મીત વાઘાણીને ચોરી કરવાની જરૂર પડી હતી. એટલો ઠોઠ નિશાળીઓ મીત સાબિત થયો છે.

અગાઉ મીતને છોડી દેવાયો હતો

મીત જીતુ વાઘાણી અગાઉ પણ રીપીટરની પરીક્ષા દરમિયાન ચોરી કરતા ઝડપાઇ ગયો હતો. ત્યારે એક ભૂલ ગણીને માફ કરવામાં આવ્યો હતો. તેમના પિતા ભાજપના ટોચના નેતા અને ધારાસભ્ય હોવાથી મીત સામે કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી.

એનએસયુનું દબાણ કામ કરી ગયું

એનએસયુઆઇના વિદ્યાર્થી નેતાઓ વાઇસચાન્સેલરને મળવા પહોંચી ગયા હતા, તટસ્થ તપાસ કરવાની માંગણી કરી હતી. યુનિવર્સિટીની પરીક્ષામાં કોપી કેસની જોગવાઇ પ્રમાણે 6 મહિના સુધી મીત વાઘાણી પર કોલેજ પ્રતિબંધ સહિતની કાર્યવાહી કરી શકાય છે. મીત વાઘાણીને હવે પછીની કોઇ પણ પરીક્ષા પણ આપવા દેવામાં આવશે નહી. પ્રિન્સિપાલે કોપી કેસના વિદ્યાર્થી વિરૂધ્ધ કરવામાં આવતી પ્રક્રિયા પ્રમાણે ચોરીની વિગતો અને ડોક્યુમેન્ટ સાથેનું કવર પરીક્ષા શુદ્ધિ સમિતિને મોકલી આપી છે, સમિતિ આ કેસનો અભ્યાસ કરશે. ગુણ-દોષનું પત્ર તૈયાર કરશે. આ દરમિયાન વિદ્યાર્થી અને તેમના વાલીને રજૂઆત કરવાની તક પણ આપવામાં અવશે. અલબત્ત આ પ્રક્રિયામાં ખાસ્સો સમય લાગતો હોવાથી શુ થશે તે જોવાનું રહ્યુ ! કારણ કે, મીત વાઘાણી રાજકારણીનો પુત્ર હોવાથી કોઇ મોટી કાર્યવાહી નહી થાય તેવી પણ ચર્ચા શરૂ થઇ ગઇ છે. જેની એક સાબીતી ભાવનગર યુનિ.ના કુલપતિ દ્વારા મીતનું નામ જાહેર ન કરવુ જ સામે આવી રહી છે.

સવારે 11.30 કલાકે પરીક્ષા શરૂ થયા બાદ બ્લોક નં.6ના સુપરવાઈઝર વર્ષા ગોહિલે રાબેતા મુજબ તમામ પરીક્ષાર્થીને તેમની પાસે કોઈ સાહિત્ય-કાપલી હોય તો આપી દેવા સૂચના આપી હતી. ત્યારબાદ પરીક્ષા શરૂ થયાના પંદર મિનિટ બાદ આ સુપરવાઈઝરને એક વિદ્યાર્થીની ઉત્તરવાહી ઉપસેલો લાગતા તેની પૂછપરછ કરી તપાસ કરતા તેમાંથી 25થી 27 જેટલા ઉત્તરો લખવા માટેની ચોરી કરવાની કાપલીઓ મળી આવી હતી.

ઉત્તરવહી ઉપસેલી જણાતાં કાપલીઓ પકડાઈ

એમ.જે. કોલેજ ઓફ કોમર્સ ખાતે પરિક્ષા ખંડના  પરવાઈઝર વર્ષાબેન ગોહિલ હતા. સવારે 11.30 કલાકે પરીક્ષા ચાલુ થઇ તે પહેલા તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી સાહિત્ય પરત કરવા સૂચના તેમણે આપી દીધી હતી. પણ પરીક્ષા શરૂ થયા બાદ એક પરીક્ષાર્થી તેની બેઠક થોડી ઉપસેલી હોય અને તે કાપલી લઇ પેપર લખતો હોવાનું વર્ષાબેનના ધ્યાને આવતા તેની ચકાસણી કરતા તેની પાસેથી પરીક્ષાલક્ષી સાહિત્ય ઝડપાયું હતુ. આથી તેમણે આ કોપી કેસ નોંધી કોલેજના આચાર્ય કે.એસ.વાટલીયા પાસે મોકલી દીધો હતો. વિદ્યાર્થી મીતનો સીટનંબર 21210066 છે. વિદ્યાર્થીએ પોતાનું નામ મીત જીતુભાઈ વાઘાણી હોવાનું જણાવતાં જ સુપરવાઈઝરે ચોરીના સાહિત્ય સાથે સમગ્ર મામલો એમ.જે. કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ કે.જે. વાટલીયાને સુપરત કર્યો હતો. વિદ્યાર્થી મીત વાઘાણીને વર્ગખંડમાંથી બહાર કાઢ્યો હતો. પરિક્ષાખંડથી બહાર આવી મીતે પોતાના પિતા જીતેન્દ્ર વાઘાણી અને બીજા લોકોને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. ત્યાંથી આખો મામલો યુનિવર્સિટી કેમ્પસની કુલપતિ કચેરીએ ખસેડાયો હતો. બીજીબાજુ પ્રિન્સીપાલ વાટલીયા ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા. તેમનો મોબાઈલ પણ સ્વીચઓફ કરી દીધો હતો.

વેબસાઈટ લોક કરી દીધી

યુનિવર્સિટિની વેબસાઈટ પર વિદ્યાર્થીના સીટનંબર નામ સાથેની માહિતી મૂકવામાં આવી હતી. કોઈપણ કારણોસર એકાએક વેબસાઈટ લોક થઈ હતી. વેબસાઈટ ખુલતી ન હતી. વેબસાઈટ બંધ થતાં કલાસમાં બીજા જે વિદ્યાર્થીઓ હોય તેનો પણ સંપર્ક ન થઈ શકે.

મીતે પરિણામ ભોગવવા ધમકી આપી

બહારથી સાહિત્ય લાવી કોપી કરાઇ રહી હોવાનું ધ્યાને આવતા વિદ્યાર્થીઓની ઝડતી લઇ તપાસ કરતા પરીક્ષા સબંધી કાપલીઓ મળી આવ્યા બાદ ચોરી કરતાં પકડાઈ ગયા બાદ તુરંત જ પોતે મીત જીતું વાઘાણીએ કોલેજમાં હોબાળો પણ કર્યો હતો. તે રાજકીય નેતાનો પુત્ર હોવાથી માઠા પરિણામ ભોગવવા પ્રાધ્યાપકને ધમકી આપી હોવાનું પણ જાણવા મળેલું છે. ત્યાર પછી સુપરવાઈઝર, કુલપતિ, યુનિવર્સિટીના રજીસ્ટાર કૌશિકભાઇ ભટ્ટ ફોન બંધ કીરને મૌન બની ગયા હતા. પ્રદેશ પ્રમુખના દિકરાના મુદ્દે તેઓએ પણ જાણે મૌન વ્રત લીધુ હોય તેમ કશો જવાબ દેવા સક્ષમતા બતાવી નહતી.

અખબારો કરતાં સોશિયલ મિડિયા બળવાન

ચોરીની ઘટયા બાદ ગણતરીના કલાકોમાં સોશ્યલ મીડિયામાં આ વાત પ્રસરી જવા પામી હતી. મીત વાઘાણી કોપી કરતા ઝડપાયો તેની સાથે જીતુ વાઘાણીને કોઇ સીધો સંબંધ ન ગણી શકાય પરંતુ પ્રદેશ અધ્યક્ષ હોવાના નાતે મુદ્દો ચકચારી બન્યો છે.

પ્રિસિંપાલ વાટલીયાએ હિંમત બતાવી

એમ.જે. કોલેજના પ્રોફેસર વાટલીયા ભાવનગર યુનિવર્સિટીમાં ઉપકુલપતિ બનવામાં સૌથી લાયક ઉમેદવાર હતા. તેઓ લાયક હોવા છતાં તેમને પદ મળ્યું ન હતુ. રાજકીય વગના કારણે ઉપકુલપતિની નિયુક્તિ કરી દેવામાં આવી હતી. તેમાં જીતેન્દ્ર વાઘાણીના ભાઈનું નામ પણ હતું. પણ હોવાળો થતાં તેમનું નામ પડતું મૂકવામાં આવ્યું હતું. તેમને જીતેન્દ્ર વાઘીણીએ કરેલી લાગવગનો જવાબ આપવા માટે આ સારો મોકો હતો. તે મોકો ગુમાવ્યા બગર ડો.કે.એસ. વાટલીયાએ ચોરીનો ગુનો નોંધી દેવા કાર્યવાહી કરી હતી.

જીતુ વાઘાણી પોતાના ભાઈ ગીરીશને ઉપકુલપતિ બનાવવા માંગતા હતા

20-21 ઓક્ટોબર 2018માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના નવા કુલપતિની શોધ માટે નીમવામાં આવેલી સર્ચ કમીિટ સમક્ષ 22 ઉમેદવારો આવ્યા હતા. કુલપતિની સર્ચ કમિટીની પ્રથમ બેઠક 31 ઓગસ્ટ 2018ના રોજ અમદાવાદ ખાતે મળી હતી. 22 ઉમેદવારોમાં ભાવનગર યુનિવર્સિટીના ડો.કે.એસ.વાટલીયા કે જે  એમ.જે.કોલેજ ઓફ કોમર્સના આચાર્ય છે. ડૉ.એ.કુમાર, ડૉ.ગીરીશભાઇ વાઘાણીએ કુલપતિપદ માટે પોતાની દાવેદારી નોંધાવી હતી. બીજી તરફ ભાવનગર યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા અને સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવા માટેની માંગ હતી. ભાવનગરના વ્યવસાયિક અગ્રણીઓ દ્વારા સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં ડૉ.કે.એસ.વાટલીયા લાયક હતા તેમ છતાં તેમને ઉપકુલપતિ રાજકીય કારણોસર બનાવાયા ન હતા. તેથી તેમને આ મોકો મળી ગયો હતો. તેમણે કોઈ હીચકીચાટ વગર ગુનો નોંધી લીધો હતો. આ નામ અને તેની વિગત કવરમાં બંધ કરી દેવાઈ છે. આ વિગત તથા કેવી રીતે ગેરરીતિમાં ઝડપાયા તે પરીક્ષા શુદ્ધિ સમિતિ સમક્ષ ખૂલશે.

કોંગ્રેસ શું કહે છે

કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, જીતુભાઈ વાઘાણીના પુત્રએ કોંગ્રેસના “ચોકીદાર ચોર છે” એ સૂત્રની સાબિત કરે છે.  ભાજપ અને જીતુભાઈ હંમેશા કોંગ્રેસની સાત પેઢીને ગાળો દેતાં થાકતા નથી. પ્રિયંકાજીના નાના ભુલકાઓ સુધી વ્યંગ કરતા આવ્યા છે. ત્યારે આજની જીતુભાઈના દીકરાની ભૂલનુ મારે રાજકીયકરણ નથી જ કરવું. હા એટલુ જરૂર સમજાવવા માગુ છું કે બીજાના ઘરને સળગતું જોઈ પેટ્રોલ છાંટવાનો આનંદ ક્યારેય તમારા ઘરને ભસ્મીભુત કરી શકે છે. આપણે જ કાચના ઘરમાં રહેતા હોઈએ ત્યારે બીજાના ઘર પર પથ્થર ના મરાય એટલું જ સમજવું જોઈએ.

જીતેન્દ્ર વાઘીનો કેસ રીટર્ન કેસ ચાલે છે

જીતુભાઈ વાઘાણી પર રૂ.29 લાખના ચેક રીટર્ન કેસમાં ધરપકડ વોરંટ બજાવવા મુંબઈ પોલીસ આવી હતી. ત્યારે જીતુભાઈએ ચોકીદારની નોકરી ન્હોતી સ્વીકારી. ગુજરાત સરકારના કલ્યાણ નિધી ફંડમાંથી વાઘાણીએ તેમના સસરાની સારવાર કરાવી સરકારી તિજોરી પર પંજો માર્યો ત્યારે પણ તેઓ ચોકીદાર તરીકે ડ્યુટી પર ન્હોતા. પરંતુ આજે જ્યારે તેમનો દીકરો પરીક્ષામાં કાપલીઓ લઈને ચોરી કરતા પકડાયો ત્યારે તો જીતુભાઈ ચોકીદારની ભૂમિકા સ્વીકારી ચુક્યા છે.

ચોરના બાપનું કલંક

જીતુભાઈએ તેમના દીકરાના સંસ્કારોની ચોકીદારી કરી હોત તો ચોરના બાપ હોવાનુ કલંક ના લાગતું. જીતુભાઈને બીજાઓને સલાહ આપવાનો બહુ શોખ છે પરંતુ એમના દીકરાનુ માર્ગદર્શન કરવાનું ચુકી ગયા. સ્મૃતિ ઈરાની અને નરેન્દ્રભાઈ ની જેમ ડીગ્રી ખરીદી લીધી હોત કે મેનેજ કરી હોત તો પરિક્ષા આપવી જ ના પડતી. પરીક્ષા વિના પણ સ્નાતક થવાનો મોદીમંત્ર જીતુભાઈએ પુત્રના કાનમાં ફુંક્યો હોત તો તે ચોરીના રવાડે ના ચડત. તેમ જયરાજસિંહે જણાવ્યું હતું.

ચોકીદાર પોતે જ ચોર

જીતુભાઈના દીકરાએ પરોક્ષ રીતે ચોકીદાર ચોર છે તેવા કોંગ્રેસ ના આરોપનુ સમર્થન કરવા પ્રેક્ટીકલ કરી બતાવ્યું હોવાની શંકા છે. જે ચોકીદાર પોતાના સંતાનના ભવિષ્યની રક્ષા ના કરી શકે તેને ભાજપની ચોકીદારી સોંપાઈ છે. કાપલીઓ ના સહયોગથી પરીક્ષા પાસ કરી શકાય, મતની ચોરી ના થઈ શકે તે વાઘાણીએ સમજી લેવાની જરૂર છે. કોંગ્રેસ પાસે રોજ ઉઠીને રાજીનામું માંગતા જીતુભાઈ એમના પુત્ર નુ દીકરા તરીકે રાજીનામું માંગશે કે પિતા તરીકે ખુદ રાજીનામું આપશે તે જોવું રહ્યું. તેમ જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું.