અમદાવાદ,તા.14
અમદાવાદ શહેર ઉપરાંત શહેર બહાર રાજયના તાલુકા કે જિલ્લા મથકો અને મોટા શહેરો ઉપરાંત છેક બિહાર જેવા રાજયો સુધી જયાં અને જયારે પણ બચાવ કામગીરીમાં જરૂર પડે તે સમયે ખડેપગે અને પોતાના જીવને જોખમમાં મુકીને પણ બચાવ કામગીરી કરનારા અમદાવાદ ફાયર વિભાગના ૪૮૧ ફાયરમેન અને ૫૪ જેટલા જમાદારોને ફાયરમેન માટે જેને સંપૂર્ણ ડ્રેસ કહી શકાય એવો ડ્રેસ છેલ્લા પાંચ વર્ષથી આપવામાં આવ્યો નથી.
છ વર્ષમાં માત્ર એક જ ડ્રેસ
અમદાવાદ શહેરના વિસ્તારની સાથે છેલ્લા કેટલાક સમયમાં આગના મોટા બનાવો બનવા પામ્યા છે.આ આગના બનાવોમાં કુલ બે લોકોના મોત થયા હતા.ઉપરાંત ૨૫ થી વધુ લોકોને ઈજા પહોંચી હતી.ઉપરાંત ૫૦૦ જેટલા લોકોને ફાયરના જવાનો દ્વારા રેસ્કયુ કરાયા હતા.અમદાવાદ શહેરમાં જે સમયે પણ મોટી આગની ઘટનાઓ બનવા પામે છે એ સમયે આગની તમામ જવાબદારીનો ટોપલો ફાયર વિભાગ ઉપર ઢોળી દેવામાં આવતો હોય છે.પરંતુ પડદા પાછળનુ સત્ય એ છે કે,ફાયર વિભાગમાં ફરજ બજાવતા આ જવાનોને વર્ષ-૨૦૧૩-૧૪થી લઈને વર્ષ-૨૦૧૮-૧૯ સુધીના છ વર્ષમાં માત્ર એક જ વર્ષ માત્ર ડ્રેસ આપવામાં આવ્યો છે એ પણ ફાયર બ્રિગેડ માટે જે કોર્પોરેશન સ્ટેન્ડીંગ કમિટી અને બોર્ડ દ્વારા જે ઠરાવ મંજુર કરાયા છે એ મુજબનો સંપૂર્ણ ડ્રેસ આપવામાં આવ્યો નથી.
કુલ 481 ફાયરમેન અને 54 જમાદારોને ડ્રેસ નહી
અમદાવાદ શહેરમાં કુલ ૧૮ જેટલા ફાયર સ્ટેશનો માટે ૮૮૦ જગ્યાઓ નકકી કરવામાં આવી છે.આ જગ્યાઓ પૈકી ૩૨૨ જગ્યાઓ ખાલી છે.આ તરફ અમપા અગ્નિશમન દળમાં ફરજ બજાવી રહેલા કુલ ૪૮૧ ફાયરમેન અને ૫૪ જમાદારોને પાંચ વર્ષથી સંપૂર્ણ ડ્રેસ આપવામાં આવ્યો નથી.જેને કારણે અનેક સ્થળોએ આ જવાનોને જીવના જાખમે પણ આગને નિયંત્રણમાં લેવાની કે રેસ્કયુ કામગીરી કરવાની ફરજ પડી રહી છે.અમદાવાદ શહેરમાં મેયર રહી ચુકેલા ગૌતમ શાહ જે સમયે મેયર હતા એ સમયે તેમણે મીઠાખળી વિસ્તારના કોમર્શિયલ સેન્ટરમાં લાગેલી આગને નિયંત્રણમાં લેવાની કામગીરી કરી રહેલા ફાયરના જવાનોને પગમાં ચંપલ પહેરીને આગ બુઝાવવાની કામગીરી કરતા જાયા હતા.પરંતુ કમનસીબે એમના આદેશ બાદ પણ ફાયરના જવાનોને આજદીન સુધી સંપૂર્ણ કહી શકાય એવો ડ્રેસ આપવામાં આવ્યો નથી.
ફાયરમેન આગ બુઝાવવા જાય ત્યારે શુ જરૂરી?
ફાયરમેન જે સમયે અંગાર કોલ એટેન્ડ કરતા હોય એ સમયે તેને ફાયર માટે નકકી કરવામાં આવેલો ગણવેશ ઉપરાંત ગમબુટ,હેલ્મેટ,સેફટી બેલ્ટ,ડાંગરી (આખો સુટ ડેનિમ જીન્સ બનાવટનો) વગેરે સાથે સજજ હોવો જરૂરી છે.જેથી તે આગની સામે પોતાની સુરક્ષા પણ કરી શકે.
કયા વર્ષમાં ડ્રેસ ન અપાયા
ફાયરમેનોને વર્ષ-૨૦૧૩-૧૪,વર્ષ-૨૦૧૪-૧૫,વર્ષ-૨૦૧૫-૧૬,વર્ષ-૨૦૧૭-૧૮ અને વર્ષ-૨૦૧૮-૧૯માં ડ્રેસ આપવામાં આવ્યા નથી.
વિવાદ કયારથી સર્જાયો
જે સમયે અમપામાં ડેપ્યુટી કમિશનર તરીકે સિધ્ધાર્થ ખત્રી ફરજ બજાવતા હતા એ સમયે એવો નિર્ણય લેવામાં આવ્યો કે,ફાયરમેનોને ડ્રેસ આપવાના બદલે રોકડ રકમ આપવી.પરંતુ બાદમાં તેમની બદલી થઈ ગઈ.આ તરફ સેન્ટ્રલ સ્ટોર્સમાં ફાયરમેન અને અન્ય અધિકારીઓ માટે લાવવામાં આવેલુ ગણવેશનુ કપડુ ધુળ ખાતુ પડી રહ્યુ છે.ઉપરાંત ફાયરમેનોની દલીલ એવી છે કે,જા ફાયરમેન પોતે વ્યકિતગત ડ્રેસ સીવડાવે તો મોંઘુ પડે તો તંત્ર પોતે શા માટે ગણવેશ સીવડાવીને ફાયરમેનોને આપતુ નથી.
અધિકારી શુ કહે છે?
આ મામલે ફાયરના એક ઉચ્ચ અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યુ,છેલ્લા છ વર્ષમાં ફાયરમેનોને કયારેય પણ જે નેશનલ કોડ ઓફ કન્ડકટના નિયમો છે એ મુજબ કયારય સંપૂર્ણ ડ્રેસ આપવામાં આવ્યો નથી.કયારેક ૫૦ હેલ્મેટ આવે તો તે આપવામાં આવે છે.ગમબુટ તો પાંચ વર્ષમાં કયારેય પણ અપાયા નથી.નથી સેફટી બેલ્ટ અપાયા.ઘણા કીસ્સામાં તો ફાયરના સ્ટાફે જાતે લોખંડના વેસ્ટમાંથી હેલ્મેટો બનાવી અને તેનો ઉપયોગ કરવાની ફરજ પડી
આભાર – નિહારીકા રવિયા છે.
દર વર્ષે આવતા કોલનું સરવૈયુ
અમદાવાદ શહેરમાં હાલ કુલ ૧૮ ફાયર સ્ટેશનો કાર્યરત છે.જેમાં ૮૮૦માંથી ૫૫૮ જગ્યાઓ ભરાયેલી છે.શહેરની હદમાં દર વર્ષે અંદાજે ત્રણ હજારથી પાંત્રીસસો જેટલા અંગારકોલ ફાયરમેનો દ્વારા એટેન્ડ કરાય છે.ઉપરાંત ૧૫૦૦ જેટલા રેસ્કયુ કોલ જેમાં ગાય ફસાઈ ગઈ હોવાથી લઈને માણસોને બચાવવા સુધીના કોલનો સમાવેશ થાય છે.ઉપરાંત અમદાવાદ શહેર બહાર દર વર્ષે અંદાજે ૫૦ થી વધુ અંગારકોલ પણ આ ફાયરમેનો દ્વારા એટેન્ડ કરવામાં આવે છે.છેક ગુજરાત બહારના રાજયોમાં પણ પુર અને અન્ય આપત્તિઓના સમયે અમદાવાદ ફાયરબ્રિગેડના કર્મચારીઓ રેસ્કયુ ઓપરેશન માટે પહોંચ્યા હતા.