નરેન્દ્ર આઈ. પંચોલી
અમદાવાદ, તા.27
ગુજરાત ક્રિકેટ એસોસિએશનને પણ અન્ય રાજ્યના એસોસિએશનની જેમ ચૂંટણી યોજવાની ફરજ પડી છે. એમ તો સત્તાવાર રીતે 28 સપ્ટેમ્બર શનિવારના રોજ એજીએમ યોજાશે જેમાં તમામ ઉમેદવાર બિનહરીફ જાહેર કરાય એવી પૂરી શક્યતા છે. જેમાં ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અને જીસીએના પ્રવર્તમાન પ્રમુખ અમિત શાહના પુત્ર જય શાહને જ સત્તા સોંપાયએવી પૂરી શક્યતા છે. એમ તો જીસીએમાં ફૂલ મેમ્બરની સંખ્યાને લીધે કોરમ પુરૂં ન થતા હોવાના અનેક વાંધાઓ વચ્ચે પણ 15 વર્ષથી ખુરશી પર રહેલા અધિકારીઓની બદલવાની કહેવાતી ક્વાયતના ભાગરૂપે બીસીસીઆઈની સીઓએની મંજૂરીથી નિયુક્ત ચૂંટણી અધિકારી વરેશ સિંહાની દેખરેખમાં આ પ્રક્રિયા યોજાશે. જોકે, વરેશ સિંહાએ તેઓ બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીની ગણતરીમાં વ્યસ્ત હોઈ જીસીએની ચૂંટણી અંગેની વિગતો હાલ તેમની પાસે નથી પરંતુ આવતીકાલે એજીએમ બાદ સત્તાવાર વિગતો આપવા જણાવ્યું હતું.
હાલમાં કોણ છે જીસીએના હોદ્દેદારો
તાજેતરમાં જીસીએના પ્રમુખ પદે અમિત શાહ છેલ્લા પંદર વર્ષથી, ઉપપ્રમુખપદે પરિમલ નથવાણી 15 વર્ષથી, જોઈન્ટ સેક્રેટરી તરીકે ભરત દુધિયા, મેહુલ પટેલ અને જય શાહ તથા ભરત ઝવેરી સીબીસીના પ્રમુખ ઉપરાંત જીસીએમાં ટ્રેઝરર તરીકે છેલ્લા છ વર્ષથી હોદ્દા પર હતા.
લોઢા સમિતિના આદેશની સતત અવગણના
જીસીએ દ્વારા લોઢી સમિતિની એક હોદ્દા પર અધિકારીની મુદત ઉપરાંત એક વ્યક્તિ એક હોદ્દા સહિતના મુદ્દાનું જીસીએમાં લાંબા સમયથી ઉલ્લંઘન થતું રહ્યું હતું. જોકે, આ બાબતમાં જીસીએ ઉપરાંત અન્ય રાજ્યોના પણ કેટલાક એકમો હતા પરંતુ સુપ્રીમ કોર્ટના છેલ્લા આદેશ બાદ બીસીસીઆઈની વહિવટીય કમટી સીઓએએ દરેક રાજ્યોને ચૂંટણી યોજવા આદેશ આપ્યા બાદ આ પ્રક્રિયા હાથ ધરવાની ફરજ પડાઈ છે.
ઓછામાં ઓછા ચાર જણાએ હોદ્દા છોડવા પડશે
જીસીએમાં પ્રતિસ્પર્ધી પક્ષ જ ન હોઈ ચૂંટણીની કોઈ ગુંજાઈશ નથી છતાં નવા આદેશને અનુસરવા પડે એમ હોઈ સત્તા પર લાંબો સમયથી ચિટકી રહેલાં અમત શાહ, પરિમલ નથવાણી, ભરત દુધિયા અને મેહુલ પટેલે હોદ્દા છોડવા જ પડશે. જોકે, જીસીએમાં આ માત્ર ઔપચારિક ફેરફારો હશે કેમકે, અમિત શાહને તેમના પુત્ર જય શાહ, પરિમલ નથવાણીને સ્થાને કદાચ એ હોદ્દો ન આપાય પણ તેમના પુત્ર ધનરાજ નથવાણી કે જેઓ ફૂટબોલ એસોસિયેશનના પણ હોદ્દેદાર છે તેમનું નામ લગભગ નક્કી મનાય છે. જ્યારે નવા નવાને લઈને ખૂબજ અનિશ્ચિતા વચ્ચે પણ અમિત શાહને કાસ મનાતા બિપિન પટેલ (ગોતા), વલસાડના જનક દેસાઈ અને સુરતના એક સભ્યોને હોદ્દા અપાય એવી શક્યતા છે જ્યારે ભરત ઝવેરીને ટ્રેઝરર તરીકે તેમની જવાબદારીમાં ચાલુ રાખવાની પૂરી શક્તા છે. જોકે આ ઉપરાંત ફણ અનેક નામોની બજારમાં ચર્ચા છે પણ આ બાબતે જીસીએનો કોઈ હોદ્દેદાર કંઈજ બોલવા તૈયાર નથી.
એજીએમમાં અમિત શાહ હાજર નહિ રહે
જીસીએની 28 સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણીમાં બોર્ડના પ્રમુખ અમિત શાહ હાજર રહે એવી શક્યતા નથી. જોકે, તેઓ એજીએમના બીજા દિવસે એટલે કે 29 સપ્ટેમ્બરે રવિવારે કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપવા ઉપરાંત રાજયમાં યોજાનારી આગામી પેટાચૂંટણી માટે પક્ષના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવા આવવાના છે ત્યારે એવું ચર્ચાય છે કે અમિત શાહ આ સાથે તેમના પુત્રની જીસીએના પ્રમુખપદે તાજપોશીની ઉજવણીના સાક્ષી પણ બનશે.