રાજકોટ,તા:૧૮ વીંછિયાના પાંચ પોલીસ કર્મચારીએ દારૂના દરોડા દરમિયાન રૂ.8.48 લાખની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ કર્મચારીઓની ઠગાઈ સામે આવતાં પાંચેય સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વીંછિયાના હેડ કોન્સ્ટેબલ વલ્લભ જાપડિયાએ અન્ય 4 પોલીસ કર્મચારીઓ સાથે કંધેવાળિયા ગામે 10 સપ્ટેમ્બરે જુગાર મુદ્દે દરોડો પાડ્યો હતો, જેમાં 9 શખ્સો રૂ.8.97 લાખ રોકડા અને અન્ય મતા સાથે ઝડપાયા હતા. જો કે દરોડાની કાર્યવાહી હાથ ધરતાં કેસમાં માત્ર રૂ.48,340ની રકમ જપ્ત કરાઈ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. જો કે ઠગાઈનો ભોગ બનેલા શખ્સે આ અંગે તમામ પાંચ પોલીસ કર્મચારીઓના નામજોગ વીછિયા પોલીસ સ્ટેશને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદીએ પોલીસ કર્મચારીઓ પર કેસ નોંધાવ્યો છે કે, રૂ.8.97 લાખની રકમ જપ્ત કરાવી માત્ર રૂ.48,340ની રકમ જ ફરિયાદમાં નોંધવામાં આવી છે, જે બિલકુલ ખોટી છે. ઉપરાંત જુગાર બંધ મકાનમાં રમાતો હોવા છતાં જાહેરમાં રમાતો હોવાની નોંધાયેલી ફરિયાદ પણ ખોટી છે.
જુગાર રમતા ઝડપાયેલા શખ્સની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે, અને તમામ પાંચ પોલીસ કર્મચારીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે પાંચેય શખ્સ સામે આઈપીસીની કલમ 409, 193, 406, 462, 471 અને 114 હેઠળ ગુનો નોંધ્યો છે.