જૂનાગઢ,તા:૧૮ અમદાવાદના રહેવાસી પંકજ પાનસુરિયાને હનીટ્રેપમાં ફસાવવાનો કિસ્સો સામે આવ્યો છે, જે અંગે જૂનાગઢના સરદારપરાની યુવતીએ તેમને ફસાવી જૂનાગઢ બોલાવ્યા અને બ્લેકમેઈલ કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
અમદાવાદના બાપુનગરમાં રહેતા પંકજ પાનસુરિયા થોડા સમય પહેલાં સોશિયલ સાઈટ પર જૂનાગઢની કાજલ પટેલના સંપર્કમાં આવ્યા હતા, જ્યાં તેમની મિત્રતા ગાઢ બની હતી. મિત્રતા કેળવ્યા બાદ કાજલે પ્રલોભન આપી પંકજભાઈને જૂનાગઢ તેના ઘરે બોલાવ્યા હતા, જ્યાં કાજલે પંકજભાઈ સાથે શરીરસંબંધ બાંધ્યો હતો.
જો કે થોડીવારમાં જ બે અજાણ્યા શખ્સો કાજલના ઘરે આવી ચડ્યા હતા અને પંકજભાઈને લાકડીથી પગ પર ઈજા પહોંચાડી મૂઢમાર મારીને બે લાખ રૂપિયા આપવા ધમકી આપી હતી, અને જો પંકજભાઈ બે લાખ રૂપિયા ન આપે તો દુષ્કર્મની ફરિયાદ નોંધવાની ધમકી આપી હતી.
ધમકી અને મારથી ડરી ગયેલા પંકજભાઈ પાસેથી અજાણ્યા શખ્સોએ મોબાઈલ, પર્સ, રોકડા રૂપિયા 1200 અને ડેબિટ કાર્ડ પડાવી લીધા હતા. પંકજભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ આવનારા શખ્સો પૈકી એકે તેનો પતિ હોવાનું જણાવ્યું હતું અને તેણે કાજલ અને મારો સંબંધ હોવાનું બોલાવી વીડિયો બનાવી લીધો હતો. આ ઉપરાંત તેણે સમાધાન માટે રૂ.2 લાખ આપવા મને દબાણ કર્યું હતું, અને જો નાણાં ન આપું તો દુષ્કર્મની ફરિયાદ નોંધવાની ધમકી આપી હતી.
આખરે પંકજભાઈએ અમદાવાદ જઈ રૂ.50 હજાર આપી દેવાનું અને તે શખ્સે અહીંથી ડેબિટ કાર્ડથી નાણાં ઉપાડી લેવાનું જણાવી તેમને જવા દીધા હતા. બાદમાં પંકજભાઈએ જૂનાગઢમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે યુવતીઓ દ્વારા હનીટ્રેપમાં ફસાવતી આવી અનેક ટોળકીઓ સક્રિય છે, જે સોશિયલ સાઈટ દ્વારા યુવાનોને ફસાવીને નાણાં પડાવી રહી છે.