અમદાવાદ, તા. 25
જૂનાગઢ પોલીસે વિચરતી જાતિના લોકો પર જે અત્યાચાર કર્યા છે તેને લઈને ભારે ચકચાર મચી ગઈ છે. 15મી ઓગસ્ટે રાત્રે 3 વાગે વિચરતી જાતિના 12 નિર્દોષ વ્યક્તિઓને ચોરીના કેસમાં ઉપાડી ગયા અને પછી ઢોર માર મારી ગુનો કબૂલાત કરાવવા અત્યાચાર કરતા રહ્યા. બીજા દિવસે બપોરે 3 વાગ્યા સુધી સતત માર મારતા રહ્યા અને ખોટી રીતે ગુનો કબૂલાવતા રહ્યા. અને આ નિર્દય અત્યાચારમાં 12 પૈકીના એક 65 વર્ષિય વૃધ્ધનું પોલીસ કસ્ટડીમાં જ મોત થયું હોવા છતાં પોલીસે તેની ઉપર ઢાંકપીંછોડો કરી દીધો છે અને ખોટું સર્ટિફિકેટ રજૂ કરીને હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જાહેર કરી દીધું છે.
શું છે આખી ઘટના?
આ ઘટનાની વિગતો એવી છે કે, 15મી ઓગસ્ટે રાત્રે 3 વાગે વિચરતી જાતિના 12 જેટલા લોકોને જૂનાગઢ પોલીસ ચોરીના કેસમાં તપાસ કરવાના બહાને ઉપાડી ગઈ. અને તેમની ઉપર સતત અત્યાચાર કરતી રહી. આ જે 12 લોકોને ઉપાડી ગઈ હતી તેમાં એક 65 વર્ષિય વૃધ્ધ પણ હતા. જેમને બેરહેમીથી માર મારતા તેમનું કસ્ટડીમાં જ મોત નીપજ્યું હતું. પરંતુ, પોલીસે એવું કહ્યું કે, તેમનું મોત હાર્ટ એટેકથી થયું છે. અને પોસ્ટમોર્ટમ પણ પોલીસે જ કરાવ્યું છે એટલે સ્વાભાવિક રીતે પીએમ રીપોર્ટમાં પણ હાર્ટએટેકથી મોત જ આવવાનું એવું આ જાતિના અન્ય લોકોનું કહેવું છે.
અત્યાચાર સહન કરનારા અમદાવાદ પહોંચ્યા
જે 12 લોકોને પોલીસ ઉપાડી ગઈ હતી તેઓ અમદાવાદમાં આ જાતિ માટે કામ કરતી સંસ્થામાં રજૂઆત કરવા આવ્યા ત્યારે તેમની જે હાલત હતી તે જોઈને સંસ્થાના લોકો પણ દંગ રહી ગયા. કેમ કે, મોટાભાગના લોકોની હાલત નીચે બેસી શકે એવી નહોતી. તો એક જણ બેસે તો પાંચ મિનિટમાં જ ઊભો થઈ ગયો કેમ કે તેની પણ સળંગ બેસી શકે એવી હાલત નહોતી.
ડોક્ટરના મોંમાંથી પણ અરરર… નીકળી ગયું
અમદાવાદ રજૂઆત કરવા આવેલા લોકોને સારવાર માટે દવાખાને લઈ ગયા તો ત્યાં તેમને ડ્રેસિંગ માટે પેન્ટ ઉતરાવ્યું તો ડોક્ટરના મોંમાંથી પણ અરરર.. એવા શબ્દો નીકળી ગયા. કેમ કે પોલીસે એટલી બેરહેમીથી માર મારેલો કે શરીરનો એકપણ ભાગ એવો નહિ હોય કે, જ્યાં કોઈ મારનાં કોઈ નિશાન નહિ હોય.
ન કોર્ટમાં રજૂ કર્યા, ન રિમાન્ડ મેળવ્યા, તેમ છતાં ઢોર માર માર્યો
રજૂઆત કરવા આવેલી એક વ્યક્તિએ કહ્યું કે, પોલીસે બે જણાં સાથે દૂર્વ્યવહાર પણ કર્યો હતો. તેમની સાથે પોલીસે ખરાબ કામ પણ કરાવ્યું. અને પોલીસ ચોરી ન કરી હોવા છતાં અમારી પાસે ચોરી કબૂલાત કરાવતી હતી. તેમણે વધુમાં કહ્યું કે, સામાન્ય રીતે કોઈ પણ આરોપીને પકડવામાં આવે પછી પોલીસે તેને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવાનો હોય છે પણ આ કેસમાં પોલીસે આ 12 નિર્દોષ લોકોને કોર્ટમાં રજૂ પણ ન કર્યા અને ન રિમાન્ડ મેળવ્યા તેમ છતાં રિમાન્ડ પર હોય એ રીતે ઢોર માર મારતા રહ્યા. આ પ્રકારના મારથી અમારા 65 વર્ષિય હિરાબાપા ત્યાંને ત્યાં જ મૃત્યુ પામ્યા અને પોલીસે જબરજસ્તીથી વૃધ્ધ પાસે 35થી 40 મોબાઈલ ચોરાવ્યા હોવાની કબૂલાત કરાવી લીધી હતી. તો પોલીસને અમે કહ્યું તો પોલીસે અમને ધમકાવીને ત્યાંથી રવાના કરી દીધા કે કોઈને એવું નહિ કહેવાનું કે આ વૃધ્ધનું મોત અહીં થયું છે. અને રાતોરાત અમારી જાતિમાં દફનવિધિ કરવાની હોવા છતાં પોલીસે તેમના અંતિમ સંસ્કાર કરી નાંખ્યા. આમ, જૂનાગઢ પોલીસે જે પ્રકારે નિર્દયતાથી 12 લોકોને માર માર્યો છે તે સંદર્ભે સમગ્ર રાજ્યમાં પોલીસ સામે તિરસ્કાર ઊભો થઈ ગયો છે.
વિચરતી જાતિના અગ્રણીઓ દ્વારા તપાસની માગણી
વિચરતી જાતિના અગ્રણીઓએ આ ઘટનાની ન્યાયિક તપાસ થાય એ માટે કમિટિ અથવા નિષ્ઠાવાન પ્રામાણિક વ્યક્તિની નિયૂક્તિ કરવાની તેમ જ જે પોલીસ ગુનેગાર છે તેમને સજા થાય એવી માગણી પણ કરી છે. આ મામલે જૂનાગઢ રેન્જ આઈજીપીને મળીને પણ રજૂઆત કરવામાં આવી છે અને કસ્ટડીમાં મૃત્યુ પામેલા હિરાબાપા અંગે ન્યાયિક તપાસ કરવાની માગણી કરી છે. અને આ નટ-બજાણિયાઓને જૂનાગઢ પોલીસે જે રીતે માર માર્યો છે અને તેમના એક કુટુંબી વડીલનું મોત નિપજ્યું છે ત્યારે આ મામલે આગામી દિવસોમાં રાજ્ય પોલીસ વડા સમક્ષ પણ ઉગ્ર રજૂઆતો કરવાની તૈયારી આ જાતિના લોકોએ કરી હોવાનું જાણવા મળ્યું છે.