જૂનાગઢ મનપાનું કૌભાંડ આવ્યું સામે, ભાડે વાહનો રાખવાનું કૌભાંડ

જૂનાગઢ,તા:૧૭ વારંવાર વિવાદમાં રહેતી જૂનાગઢ મનપાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જૂનાગઢ મનપામાં વાહનો ભાડે રાખવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે, જે બજાર કિંમત કરતાં વધુ કિંમતે રાખવામાં આવતાં હતાં.

કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટર મંજુલાબહેન પરસાણા દ્વારા મનપામાં ચાલતા આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં ખોટી રીતે ખાનગી વાહનો ભાડે રાખીને મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જોવાનું એ છે કે ભાડે રાખવામાં આવતાં આ વાહનો પર બજારકિંમત કરતાં વધુ ભાડું આપવામાં આવતું હતું.

કોંગ્રેસ કોર્પોરેટર મંજુલાબહેન પરસાણાના આક્ષેપથી ભાજપના સ્થાનિક મોવડીમંડળમાં સન્નાટો વ્યાપી ગયો છે. મંજુલાબહેન પરસાણાએ આક્ષેપ કરતાં ત્રણ વર્ષના વાહન ભાડાના ખર્ચની માહિતી પણ આપી હતી, જે મુજબ ત્રણ વર્ષમાં વાહન ભાડાપેટે રૂ.47 લાખનો ખર્ચો કરવામાં આવ્યો છે.

મંજુલાબહેનના જણાવ્યા પ્રમાણે જૂનાગઢ મનપા પાસે સેંકડો વાહનો હોવા છતાં 8 વાહનને ભાડે લેવામાં આવ્યાં છે, જેમને માસિક નિયત ભાડું રૂ.35 હજારથી વધુ રૂ.45 હજાર ચૂકવવામાં આવે છે. આમ મનપાના અધિકારીઓ દ્વારા પ્રજાના ટેક્સના લાખો રૂપિયાનો ખોટો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

મંજુલાબહેન પરસાણાના જણાવ્યા પ્રમાણે પ્રજાની સુખાકારી માટે નાણાં વાપરવાને બદલે અધિકારીઓને ઘરેથી ઓફિસ આવવા-જવા માટે આ વાહનો ભાડે રાખવામાં આવ્યાં છે. મંજુલાબહેન પરસાણાના આક્ષેપના પગલે ભાજપમાં સન્નાટો વ્યાપી ગયો છે. મનપામાં 25 લાખ વાહન ભાડા માટેની દરખાસ્ત મૂકવામાં આવતાં આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.