જૂનાગઢ,તા:૧૩
જૂનાગઢ, રાજકોટ, પોરબંદરમાં સતત વરસી રહેલો સોનારૂપી વરસાદ ઘેડ પંથક માટે અભિશાપરૂપ બની રહ્યો છે. ભૌગોલિક રીતે રકાબીનો આકાર ધરાવતો ઘેડ પંથક ઉપરવાસમાં સારા વરસાદથી પણ પાણી-પાણી થઈ જાય છે.
જૂનાગઢ, રાજકોટ અને પોરબંદરમાં સારા વરસાદના કારણે ઓઝત, ઉબેણ, મધુવંતી, ભાદર સહિતની નદીમાં પાણીની ખૂબ આવક થઈ, જેના પરિણામે બધી નદીઓનું પાણી ઘેડ પંથકમાં ફરી વળ્યું છે. આ સ્થિતિના પગલે કેશોદ, માણાવદર, માંગરોળનાં 24 ગામમાં પૂરની સ્થિતિ ઊભી થઈ, તો અમુક ગામ તળાવની વચ્ચે હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
માણાવદર અને કેશોદનાં કેટલાંક ગામમાં તો હજુપણ બે ફૂટ જેટલું પાણી ભરાતાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે, જેના પરિણામે લોકો છત પર આશરો લેવા કે અન્ય સ્થળે ખસી જવા મજબૂર બન્યા છે. આ સ્થિતિથી સૌથીવધુ પરેશાન ખેડૂતો બન્યા છે, કારણે કે ખેતરમાં ઊભા પાકને આ ભરાયેલાં પાણીના કારણે ભારે નુકસાન પહોંચી રહ્યું છે. ખેડૂતો આ પાણીને ઉલેચીને કાઢી શકે તેવી સ્થિતિ પણ નથી, કારણ કે ચારેતરફ બસ પાણી જ પાણી ફેલાયેલું છે.
જૂનાગઢ જિલ્લાના છેવાડાનાં ગામોને તો રીતસર અવગણી કાઢવામાં આવ્યાં છે. આવાં છેવાડાંના ગામ જેમ કે પાજોદ, સરાડિયા, મરમઠ તરફ દુર્લક્ષ્ય સેવવામાં આવે છે. નદીમાં પાણીની ભારે આવકના કારણે અવારનવાર બ્રિજ ધરાશાયી થવાની સાથે રસ્તા ધોવાઈ જવા અને ગામોના સંપર્ક તૂટી જવાની સમસ્યા સર્જાતી રહે છે. તંત્ર દ્વારા વારંવાર પુલ તો બનાવવામાં આવે છે, પરંતુ તેમાં પણ ખાયકી થવાની વાસ આવે છે. લોકોમાં ચર્ચા થઈ રહી છે કે એવો તે કેવો બ્રિજ બનાવવામાં આવે છે કે એકથી બે ચોમાસાં પણ ન કાઢી શકે?