જૂની અદાવતમાં યુવકનું અપહરણ કરીને માર મારી મોબાઈલ લૂંટી લીધો

અમદાવાદ, તા. ૨૫.

શહેરના પાલડી વિસ્તારમાં રહેતા યુવકનું જૂની અદાવતમાં ત્રણ શખ્સોએ ટુ વ્હિલર પર અપહરણ કરીને રિવરફ્રન્ટ પર ગુજરી બજાર પાસે લઈ જઈને માર માર્યો હતો. તેમજ તેનો મોબાઈલ લૂંટીને જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયા હતા. આ અંગે યુવકે ત્રણ શખ્સો સામે પાલડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના પાલડી વિસ્તારમાં પી.ટી. કોલેજ પાસે જલનાથ સોસાયટીમાં રહેતા હર્ષિલ ઉદયકુમાર શુક્લ નામનો યુવક કોલેજમાં અભ્યાસ કરવાની સાથે રાયપુર દરવાજા ખાતે ફટાકડાંની દુકાનમાં નોકરી કરે છે. ગત તા. ૨૩મીના રોજ રાતે આઠેક વાગે હર્ષિલ ફટાકડાંની દુકાનેથી સ્વપ્નિલ ધીરેનભાઈ શાહ સાથે શિવરંજની ખાતે આવેલા સ્તવન ફ્લેટમાં ફટાકડાંનું પાર્સલ આપવા ગયા હતા. પાર્સલ આપીને પરત પાલડી તરફ જતાં હતા ત્યારે ધરણીધર બ્રિજથી નીચે ઉતરીને ખુશ્બુ પાન પાર્લર પાસે પડીકી ખાઈને પાલડી જવા નીકળ્યા હતા. ત્યારે શારદાનગર સોસાયટીમાં સિદ્ધાર્થ પાસાવાલા અને તેનો મિત્ર અમિત ઠાકોર તેમજ સુરેશ ઠાકોર બે ટુ વ્હિલર પર આવ્યા હતા અને તેમણે હર્ષિલને બાઇક ઉપરથી ઉતારીને સ્વપ્નિલને જતો રહેવા કહ્યું હતું. જ્યારે હર્ષિલને તેમના ટુ વ્હિલર ઉપર બેસાડીને  એઇમ્સ હોસ્પિટલ વાળી ગલીમાં લઈ જઈને હર્ષિલને નીચે ઉતારીને સિદ્ધાર્થે ત્રણ ચાર લાફા મારી દીધા હતા. અને કહ્યું હતું કે, અગાઉ તે મને મારેલો તેનો હિસાબ આજે પૂરો કરવો છે તેમ કહીને તે મારવા લાગ્યો હતો. જેથી હર્ષિલ ‘આપણે શાંતિથી બેસીને સમાધાન કરીશું’ તેમ કહેતા તેઓએ ગાળો આપીને ફરીથી ટુ વ્હિલર પર બેસાડીને રિવરફ્રન્ટ ખાતે ગુજરી બજાર પાસે લઈ ગયા હતા. જ્યાં હર્ષિલની પાસે રહેલા બે ફોનને કાઢીને તેને ફરીથી માર માર્યો હતો. આ બે ફોનમાંથી એક ફોન કિં. રૂ. ૪૦૦૦ને રાખીને બીજો ફોન આપીને સિદ્ધાર્થ અને તેના મિત્રો જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયા હતા. આ અંગે હર્ષિલ શુકલએ પાલડી પોલીસ મથકમાં સિદ્ધાર્થ પાસાવાલા અને તેના બે મિત્રો સામે ફરિયાદ નોંધાવી છે.