જેઠીપુરા ગામને બબ્બે રાષ્ટ્રીય એવોર્ડ : લોક ફાળાથી ચાલતી અદ્યતન હોસ્પિટલ પણ ખરી

હિંમતનગર, તા.૨૧

ઇડર તાલુકાના જેઠીપુરા ગામને 2017-18 દરમ્યાન અલગ અલગ માનાંકોમાં અમલવારી પણ થતી હોવાથી દિન દયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર અને નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર 2019 માટે નવાજવામાં આવનાર છે. નાનાજી દેશમુખ એવોર્ડ મેળવનાર જેઠીપુરા ગ્રામ પંચાયત સમગ્ર રાજ્યમાં એકમાત્ર ગ્રામ પંચાયત છે. બંને પુરસ્કારથી રૂ. 21 લાખ મળતાં પંચાયતને વધુ કામો કરવા સહુલિયત બની રહેશે તેમ સરપંચે જણાવ્યું હતું. ગામમાં એક પણ સફાઇ કર્મી નથી છતાં ક્યાંય કચરો દેખાતો નથી, લોક ફાળાથી ચાલની અદ્યતન હોસ્પિટલ પણ ધરાવે છે.

ગામના સરપંચ એહસાન અલી હસન અલી ભટ્ટે વિગત આપતા જણાવ્યું કે ગામમાં એક પણ સફાઈકર્મી નથી છતાં સહેજ પણ ગંદકી કે કચરો જોવા નહીં મળે ગામની મહિલાઓ 24×7 ઘરની આજુબાજુમાં સ્વચ્છતા રાખે છે અને ડોર ટુ ડોર ટ્રેક્ટર ફરે છે, જે ગામથી દૂર બનાવેલ ડમ્પિંગ સાઇટ પર કચરો નાખે છે. ગામની દૂધ મંડળી સેવા સહકારી મંડળી કે પંચાયત એક પણ સંસ્થામાં ચૂંટણી થતી નથી. ગૌચર કે ખરાબો ન હોવાથી ગામથી ત્રણ કિલોમીટર દૂર ભાડેથી જગ્યા લઇ ત્યાં ગ્રામજનોને ઉકરડા માટે ભાડેથી જગ્યા અપાય છે. ગ્રામજનોની આરોગ્ય સેવાઓ માટે નિષ્ણાત તબીબની સેવાઓ ઉપલબ્ધ રહે તેવી લોકફાળાથી ચાલતી અદ્યતન હોસ્પિટલની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. રિસર્ચ માટેની સુવિધાઓ સાથે લાયબ્રેરી પણ છે મહિલાઓ રોજગારી મેળવી શકે તે માટે અલંકાર એપેરેલની રચના કરાઈ છે જ્યાં મહિલાઓ લેડીઝવેર બનાવી જાતે જ વેચાણ કરે છે. ગામમાં સ્વચ્છતા અને આરોગ્ય શિક્ષણ રોજગારી સહિતની તમામ બાબતોમાં કાયમી અમલીકરણ થાય છે અને આમાં સફળતા અપાવવામાં તલાટી મામલતદાર ટીડીઓ પ્રાંતનો પૂરો સહયોગ મળ્યો છે. રૂ.11 લાખનો દીન-દયાળ પુરસ્કાર અને 10 લાખનો નાનાજી દેશમુખ પુરસ્કાર મળતાં વધુ વિકાસ થશે.

જેઠીપુરા ગામની વિષેશતાઓ
– દર વર્ષે વૃક્ષો વાવવામાં આવે છે, યુવાનો ડ્રિપ ઈરીગેશનથી પાણી આપે છે
– પર્યાવરણના જતન માટે સમિતિ બનાવી છે, ત્રણ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર
– ગામમાં રિસર્ચ સેન્ટર છે જ્યાં જુદા જુદા વિષયો પર સંશોધન કરવા વિવિધ ભાષાઓનો પુસ્તક સંગ્રહ છે
– કોમ્પ્યુટર પ્રિન્ટર ઇન્ટરનેટ પ્રોજેક્ટર તમામ સુવિધાઓ ઉપલબ્ધ
– બાગાયતી ખેતી, ત્રણ પોલ્ટ્રી ફાર્મ અને બકરા ફાર્મ
– સો ટકા નળ કનેક્શન, મિનરલ વોટર પ્લાન્ટ
– ડોર ટુ ડોર વેસ્ટ કલેકશન
– સીસીટીવી કેમેરા, વાઇફાઇ સુવિધા