[:gj]જેણે આખું ગામ બદલી નાંખ્યું, તે હવે ગુજરાત બદલવા મેદાને[:]

[:gj]લવાલના પૂર્વ સરપંચ મહિપતસિંહ ચૌહાણ કામ થકી લોકપ્રિય થયા અને રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા હવે યુવાન રાજકારણીઓ તૈયાર કરશે, ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાતના રાજકારણને બદલવા સર્વ સમાજ સેના

વસો તાલુકાના લવાલ ગામના પૂર્વ સરપંચ મહિપતસિંહ ચૌહાણે એકલા હાથે પોતાના ગામને બદલી નાખ્યું હતું. કોઈ રાજકીય પક્ષ કે સરકારની મદદ વગર. તેમણે જે કર્યું તે હવે સમગ્ર ગુજરાતમાં કરવા માંગે છે. એક સરપંચ ધારાસભ્ય, પ્રધાન, સાંસદ કે જિલ્લા પોલીસ વડાને પડકારીને લોકોનો અવાજ બની શક્યા છે. તે હવે લોકસત્તા માટે ‘સર્વ સમાજ સેના ગુજરાત’ની રચના કરીને લોકશાહી માટે નવો પાયો નાંખી રહ્યાં છે.

ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે તેમણે  ભવિષ્યની સરપંચ માટે ગુજરાત ભરમાં શોધ શરૂ કરી છે. ગામના સરપંચ , તાલુકા પંચાયત અને કાઉન્સિલરની ચૂંટણી લડવા માગતા હોય એવા યુવા નેતા તેઓ શોધી રહ્યાં છે. તેમાં એવા લોકો પણ જોડાઈ શકે છે કે જે કોઈ પણ જ્ઞાતિ, ધર્મ, ભાજપ, કોંગ્રેસ કે બીજા પક્ષના કે અપક્ષ કાર્યકર હોય તેનાથી આ સંગઠનને કોઈ ફેર પડતો નથી.

સમગ્ર ગુજરાતમાં દરેક ગામમાં બે વ્યક્તિની ભાવિ સરપંચના ઉમેદવાર તરીકે નિયુક્ત કરાશે. જેમના પ્રચારમાં ‘સર્વ સમાજ સેના ગુજરાત’ કામ કરશે. ઉમેદવારને જીતાડી તે ગામને બદલવા, સ્માર્ટ વિલેજ બનાવવા માટે તમામ મદદ કરશે. ગામની પરિસ્થિતિ બદલવા યુવાનોને રાજનીતિમાં લાવવા માટે કામ કરશે. તે માટે 8768888088 નંબર પર ફોન કરીને કે વોટ્સએપ કરી શકાશે.

આ એક સરપંચની વાત નથી, દરેક એવા સરપંચની વાત છે કે, કોઈ રાજકીય નેતાના ટેકા વગર પોતાના ગામનો વિકાસ કરવા માંગે છે.

કોણ છે લડાયક પૂર્વ સરપંચ?

30 વરસના યુવાન મહિપતસિંહ ચૌહાણ કલકત્તામાં બજાજ આલીયાન્ઝમાં નોકરી કરતાં હતા. ત્યાંથી પોતાના ગામમાં એક વખત આવે છે ત્યારે જોયું તો ગામ વિકાસને બદલે ખરાબી વધી રહી હતી. બચપણ પોતાના ગામમાં વિતાવ્યું હતું. ગામના પૂર્વ સરપંચ લીલાબેન તેમના માતા છે. ગામને આગળ લાવવા માતાએ શિખામણ આપી અને ગામની હાલત સુધારવા નોકરી છોડી દીધી. ચૂંટણી આવી અને તેમાં ઉમેદવારી નોંધાવી અને તેણે જાહેર કર્યું કે ગામનો વિકાસ કરવો હોય તો મારા પર વિશ્વાસ રાખીને મને મત આપજો. આટલું કહી મહિપાલસિંહ ફરી કલકત્તા જતાં રહ્યાં અને ચૂંટણીના બે દિવસ પહેલાં ફરી ગામમાં આવ્યા હતા. લોકોએ તેમના પર ભરોસો મૂક્યો અને સરપંચ બનાવી દીધા.

ગામની સફાઈ

સરપંચ બનતા જ હાથમાં સાવરણો લીધો અને ગામની ગંદકીની સફાઈ શરૂ કરી. યુવાનો તેમની સાથે જોડાયા, ગામના ગેરકાયદે બાંધકામ દૂર કર્યા, ગામના રસ્તાઓ પહોળા કર્યા જેમાં કેટલાંક લોકો તેના દુશ્મન બની ગયા હતા. તેમણે ગામ બદલવાનું ચાલુ રાખ્યું હતું.

સ્માર્ટ ગામ

1500 લોકોની વસતી ધરાવતાં ગામમાં 16 સીસીટીવી કેમેરા લગાવ્યા અને ચોરી બંધ થઈ ગઈ. એલઈડી ફ્લડ લાઈટ, દરેક ઘરેથી કચરો ઉપાડવાનું શરૂ કરાવ્યું, ભૂગર્ભ ગટર નાંખી, પોતાની બચતમાંથી રૂ.2.50 લાખની શેરી દિવાબત્તી નંખાવી, સ્ટ્રીટ સ્પીકર ગોઠવી દીધા, કોમ્યુનિટી હોલ બનાવી દીધા, વિદ્યાર્થીનીને પહેલા વર્ષનું શિક્ષણ મફત કર્યું, સ્વચ્છ ફળીયાને ટ્રોફી શરૂ કરી, 2000 વૃક્ષો ઉછેરી બગીચા બનાવ્યા,  વૃક્ષ વાવે તેને વેરામાંથી 10 ટકા રાહત આપી, નિઃસંતાન વૃદ્ધોના ઘરે ભોજન શરૂ કર્યું, દારૂબંધી કરી કરાવી, વર્ષમાં બે ગ્રામ સભા બોલાવીને તમામ લોકોને બોલવાના અધિકારનો અમલ કર્યો હતો.

ગામ લોકો પાસે સરપંચનું મુલ્યાંકન કરાવ્યું

સરપંચનું મુલ્યાંકન કરવા દર વરસે ગામના તમામ લોકો પાસેથી અભિપ્રાય લેવાનું શરૂ કર્યું. પોતે જ પોતાનું મુલ્યાંકન મતદારો પાસે કરાવે એવું ગુજરાતમાં ક્યાંય બન્યું નથી. આવું જો દરેક ધારાસભ્ય માટે થાય તો લોકશાહીનો ખરો ઉદય થઈ શકે. જે ખેડૂત વધુ ઉત્પાદન મેળવે તેમને ઈનામ આપવાનું શરૂ કર્યું, ખેત ઉત્પાદન વધ્યું, દીકરીનો જન્મ થાય તે માતાને રૂ.1,000નું ઇનામ આપવાનું શરૂ કર્યું. ગામની દીકરીના લગ્નનું ખર્ચ આપવાનું શરૂ કર્યું. વસો તાલુકાના 22 ગામના બાળકોની લાક્ષણીકતા બહાર લાવવા માટે ‘વોઈસ ઓફ વસો’ અને ‘વોઈસ ઓફ ખેડા’ કાર્યક્રમ શરૂ કરાવ્યો જેમાં બાળકો પોતાની આવડત બહાર લાવવા લાગ્યા હતા. ખેડા જિલ્લાનું પ્રથમ સ્માર્ટ ગામ બનાવ્યું. શૌચાલય બનાવાયા.

રાજકારણ શરૂ

ગામમાં દારુ વેચાતો હતો. તેની સામે ભાજપના સાંસદ કે ધારાસભ્ય કંઈ કરી શકતાં ન હતા. સરપંચ જાતે જઈને દારુ બેચનારના માટલા ફોડી નાંખ્યા હતા. ગામમાં દારુ પીને કોઈ પ્રવેશી શકતું નથી. રાજકીય નેતાઓ દારુના હપ્તા લઈને દારુ વેચવા દે છે, તેથી આવા સરપંચ હપ્તાખોર નેતાઓને પસંદ ન આવ્યા. ખેડા જિલ્લા પોલીસ વડા તેમની ફરિયાદ લેતા ન હતા. ધારાસભ્યની તરફેણ પોલીસ કરતી હતી. ડીએસપીને સરપંચ મહિપતસિંહ ચૌહાણ કહી દીધું હતું કે, ‘ફરિયાદ લેવી તે તમારું કામ છે. ન્યાય આપવો તે કોર્ટનું કામ છે. તમે ન્યાયાધીશ ન બનો. ધારાસભ્યની તમે તરફેણ ન કરો. મારી ફરિયાદ લો પછી બીજી વાત કરો.’

સાંસદ અને ધારાસભ્ય સામે લડ્યા

સરપંચ મહિપતસિંહ ચૌહાણે એકલા હાથે ગામ બદલી નાખતાં તેની વાતો ખેડા જિલ્લાના દરેક ગામમાં થવા લાગી હતી. મહિપત તરફ રાજકીય કિન્નાખોરી રાખવાનું શરૂ કર્યું હતું. ભાજપ સાંસદ દેવુસિંહ ચૌહાણ વચ્ચે ટકરાવ શરૂ થયો. રાજકારણીઓને પોતાના રાજની ચિંતા હોય છે પ્રજાની નહીં, તે સિદ્ધાંત અહીં ભાજપના નેતાએ સાબિત કરી બતાવ્યો હતો. માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ મારમારવાની ધમકી મહિપતસિંહને આપી છતાં  પોલીસે ફરિયાદ નહીં લેતા ગુજરાત વડી અદાલત, મુખ્ય પ્રધાન અને વડાપ્રધાનને ફરિયાદ કરી હતી.  કે ધારાસભ્યે સરપંચની ફેટ પકડીને ઝપાઝપી કરી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ગામના આગેવાનોને પણ ધમકી આપી હતી. ધારાસભ્ય ઘણા માથાભારે હોય તેમને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. પછી, ભાજપના ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે ગ્રાંટ રદ કરાવી દઈને કિન્નાખોરીની હદ પાર કરી હતી. તે પહેલાં ભાજપના વિચારોને સમર્થન કરતાં હતા. પણ પછી કિન્નાકોરીનો ભોગ બનતાં વિચારો બદલાયા હતા અને હવે તેઓ ગુજરાતનું રાજકારણ બદલવા તૈયારી કરી રહ્યાં છે.

તમે મતારા ગામને બદલી શકો 

મહિપતસિંહ ચૌહાણ કહે છે કે, તમે તમારા ગામને બદલી શકો છો. મેં મારા ગામ માટે કામ કરું છું. જે માટે મેં કોઈ રાજકારણીની મદદ લીધી નથી. તેમ છતાં આટલું કામ કરી શક્યો છું. હું ગામના અને સરપંચના હક્ક માટે લડું તે શું કોઈ ગુનો છે? ગુજરાતના દરેક ગામમાં જાગૃત સરપંચ ચૂંટાય અને દરેક ગામ સમાર્ટ ગામ બને તે કેમ રાજકીય પક્ષોને મંજૂર નથી ?[:]