જેલાણા ગામના ખેડૂતોએ શ્રમદાન થકી ત્રણ દિવસમાં ત્રણ કિ.મી કેનાલ સાફ કરી

નર્મદા નિગમના ભ્રષ્ટ અધિકારીઓ કેનાલની સફાઈમાં બેદરકારી દાખવતા હોઈ છેલ્લા ૫ મહિનાથી કેનાલોની સફાઈ થઈ નથી. આવી સ્થિતિમાં સરકારી તંત્રના ભરોસે બેસી રહેવાના બદલે જાગૃત ખેડૂતો જાતે જ કેનાલની સફાઈ માટે આગળ આવ્યા છે. સુઇગામના જેલાણા ગામના ખેડૂતો છેલ્લા ત્રણ દિવસથી કેનાલની સફાઈ કરી રહ્યા છે. જેલાણા ગામના ૫૦ ખેડૂતોએ જાત મહેનતથી ત્રણ દિવસમાં ત્રણ કિલોમીટર કેનાલની સફાઈ કરી દીધી છે.  જેલાણા માઇનોર કેનાલમાં ખેડૂતોએ જાત મહેનતથી સફાઈ હાથ ધરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્‌યું છે.

આ વર્ષે વરસાદ ખેંચાતા પાકને મુરઝાતો બચાવવા માટે આ  ખેડૂતો શ્રમદાન કરવા આગળ આવ્યા છે. ત્યારે સફાઈ થઈ ગયા બાદ અધિકારીઓ આ કેનાલમાં વિના વિલંબે પાણી છોડે તેવી માગણી કરી રહ્યા છે. રડોસણ ડિસ્ટ્રીબ્યૂટરી કેનાલમાં પાણી છોડવા પણ સરહદી ગામોના ખેડૂતો માગ કરી રહ્યા છે.