જે ધારાસભ્યએ અમદાવાદ શાંત કર્યું, તેને ધમકી કોણે આપી ?

અસામાજીક પ્રવૃત્તિઓનો વિરોધ કરતા ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખ પ્રત્‍યે પૂર્વગ્રહ રાખી ડી.સી.પી. ધર્મેન્‍દ્ર શર્માએ ધમકી સ્‍વરૂપે વાહીયાત આક્ષેપ કરી તેઓની પ્રતિષ્‍ઠા અને રાજકીય કારકિર્દીને હાનિ પહોંચાડી હોઈ તેની યોગ્‍ય તપાસ કરવા માંગણી કરી હતી. તેમણે એક પત્ર પણ લખ્યો છે. 

જયભારત સહ જણાવવાનું કે,

હું દરિયાપુર વિધાનસભા મતવિસ્‍તારમાં કોંગ્રેસના ધારાસભ્‍ય તરીકે છેલ્લા ૧૫ વર્ષોથી હિન્‍દુ અને મુસ્‍લિમના પવિત્ર મતોથી ચૂંટાઈ આવું છું. હું અને શાહપુરના તમામ પક્ષોના શાંતિપ્રિય હિન્‍દુ-મુસ્‍લિમ આગેવાનો ભેગા મળી શાહપુર-દરિયાપુરમાં રથયાત્રા સહિત તમામ ધર્મના પવિત્ર તહેવારોમાં સક્રિય ભાગ લઈને કોમી એકતા બનાવી રાખવાના સફળતાપૂર્વક સતત પ્રયાસ કરીએ છીએ. એક સમયનો અતિ સંવેદનશીલ વિસ્‍તાર તમામ ધર્મના આગેવાનો, શાંતિ સમિતિના સભ્‍યો તથા પોલીસની પ્રશંસનીય કામગીરી અને વિશ્વાસથી ઘણાં વર્ષોથી શાહપુરમાં શાંતિ અને સલામતી પ્રવર્તી રહી છે. 

શાહપુર-દરિયાપુરમાં ક્‍યારેય પણ કોઈ ઘટના બને ત્‍યારે મારા સહિત તમામ શાંતિ સમિતિના સભ્‍યો અને આગેવાનો દોડી જઈ શહેરમાં શાંતિ બની રહે તેવા પ્રયાસો કરીએ છીએ. અમદાવાદ શહેરની પ્રજા તેમજ ઉચ્‍ચ પોલીસ અધિકારીઓ અને મીડીયાના મિત્રો તેના સાક્ષી છે.

છેલ્લા એક અઠવાડિયામાં પ્રજામાં ગેરસમજને કારણે ઉભી થયેલી પરિસ્‍થિતિને શાહપુર પોલીસ દ્વારા સમજવાની નિષ્‍ફળતાને પરિણામે શાહપુર પોલીસ સ્‍ટેશન ખાતે બે વખત ટોળા એકઠા થયા હતા. ત્‍યારે મારા સહિત તમામ આગેવાનોએ બંને વખત ડી.સી.પી. શર્મા રજા પર હોઈ ઈન્‍ચાર્જ ડી.સી.પી. શિંગાડા તથા એ.સી.પી. ત્રિવેદીના સહકારથી લોકોની ગેરસમજ દૂર કરી શાંતિપૂર્વક ટોળા વિખેરી નાંખ્‍યા હતા.

ડી.સી.પી. શર્મા રજા પરથી ૧૬ જુલાઈએ હાજર થયા હતા. તેમણે તે જ દિવસે એટલે કે ૧૬ જુલાઈ, મંગળવારે શાહપુર પી.આઈ. અને ડી-સ્‍ટાફના પી.એસ.આઈ. સહિતના ૧૦૦થી વધુ પોલીસ જવાનોને સાથે રાખી સમગ્ર શાહપુર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારને બાનમાં લઈ ભયનો માહોલ ઉભો કરી ધાક-ધમકી આપી બજારો બંધ કરાવ્‍યા હતા અને નિર્દોષ લોકોની ધરપકડ કરી હતી. તેમજ ગઈકાલ તા. ૧૭ જુલાઈ, બુધવારે રાત્રે ૯-૩૦ કલાકે ડી.સી.પી. ધર્મેન્‍દ્ર શર્મા સહિત શાહપુરના પી.આઈ. અમીન અને ડી-સ્‍ટાફ પી.એસ.આઈ. તિવારી સહિતનો કાફલો ફરીથી બજારો બંધ કરાવતા મારી ઓફિસે પહોંચ્‍યા હતા.

હું અસામાજીક પ્રવૃત્તિઓનો હંમેશા વિરોધી રહ્‌યો છું. જ્‍યારે પણ પ્રજા તરફથી મને દારૂ-જુગારના અડ્ડાની ફરિયાદ કરવામાં આવે તો તરત જ પોલીસમાં બંધ કરાવવાની માંગણી કરું છું. મારી માન્‍યતા મુજબ તે બાબતે દ્વેષભાવ રાખી ડી.સી.પી. ધર્મેન્‍દ્ર શર્માએ ‘‘હું ધારાસભ્‍યને પણ ગણકારતો નથી” તેવી છાપ ઉભી કરવા મારા વિરુદ્ધ અપમાનજનક શબ્‍દો બોલી પ્રજા ઉપર રૂઆબ બતાવવાનો પ્રયાસ કરેલ છે. ડી.સી.પી. ધર્મેન્‍દ્ર શર્માએ મારી ઓફિસ પાસે ઉભેલા લોકોને દમ મારી પોતાનો રૂઆબ બતાવતા મારી ઓફિસ પર મારા ફોટા સાથેનું ફલેક્‍સ બોર્ડ લાગેલું હોવા છતાં કહ્‌યું હતું કે, ‘‘આ કોની ઓફિસ છે ?” હાજર લોકોએ કહ્‌યું કે, ‘‘ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખની ઓફિસ છે.” ત્‍યારે ડી.સી.પી.એ કહ્‌યું હતું કે, ‘‘શાહપુરમાં આ શું ચાલી રહ્‌યું છે ?” ત્‍યારે સ્‍થાનિક લોકોએ જણાવ્‍યું હતું કે, અમે અને ધારાસભ્‍યએ પોલીસને સાથે રાખી લોકોની ગેરસમજ દૂર કરી શાહપુરમાં પોલીસ સાથે ઘર્ષણ થતું અટકાવ્‍યું છે. ત્‍યારે ડી.સી.પી. શર્માએ પોતાનો રૂઆબ બતાવી પ્રજાને ભયભીત કરવાના બદઈરાદાથી મારી રાજકીય કારકિર્દીને ભારોભાર ઠેસ પહોંચાડવાના પ્રયાસરૂપે વાહીયાત આક્ષેપ કરતા અપમાનજનક રીતે કહ્‌યું હતું કે, ‘‘ગ્‍યાસુદ્દીન શેખ તો શાહપુરમાં ટોળું લઈને નીકળ્‍યો હતો.”

મારી માંગણી છે કે, ડી.સી.પી. પાસે કાયદાનો અમલ કરવાની પૂરેપૂરી સત્તા છે માટે તેમના આક્ષેપ મુજબ મેં કોઈ ખોટું પગલું ભર્યું હોય તો ડી.સી.પી. મારી સંપૂર્ણ તપાસ કરી યોગ્‍ય પગલાં લઈ શકે છે.

સાચી હકીકત તો એ છે કે, અમદાવાદના પોલીસ કમિશ્નર એ. કે. સિંઘ સાહેબ નિષ્‍ઠાવાન અને પ્રામાણિક વ્‍યક્‍તિ છે. પરંતુ શાહપુરમાં લોકમુખે ચર્ચા છે કે પોલીસ કમિશ્નરની જાણ બહાર શાહપુર પોલીસ દ્વારા ઠેરઠેર ગુપ્‍ત રીતે ચલાવાતી દારૂ-જુગારની અસામાજીક ગુનાહિત પ્રવૃત્તિઓ તેમજ શાહપુર પોલીસ અને ડી.સી.પી. ધર્મેન્‍દ્ર શર્માના નામે અનેક વેપારીઓ તથા બાંધકામ કરનારા મકાન માલિકો પાસેથી ધાકધમકી દ્વારા માતબર રકમ પડાવવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. તથા શાંતિ સમિતિની મીટીંગમાં વર્ષોથી શાંતિ માટે કાર્ય કરતા સજ્જન વ્‍યક્‍તિઓની બાદબાકી કરીને અસામાજીક તત્ત્વોની હાજરી વર્તાય છે. પરિણામે પ્રજામાં પોલીસ વિરુદ્ધ આક્રોશ અને પ્રજા તથા પોલીસના સંબંધોમાં અવિશ્વાસ ઉત્‍પન્‍ન થયો છે.

રાજ્‍યના પોલીસવડા દ્વારા સૂચના આપવામાં આવી છે કે, પી.આઈ.એ પોતાની ચેમ્‍બરમાં એ.સી. પણ ન લગાવવું પરંતુ શાહપુર પોલીસ સ્‍ટેશનમાં હાલ પી.આઈ.ની ઓફિસ કોર્પોરેટ ઓફિસની જેમ કોના પૈસે શણગારવામાં આવી છે તે તપાસનો વિષય છે. 

સૌથ ગંભીર બાબત તો એ છે કે ગઈકાલે ૧૭ જુલાઈ, બુધવારે રાત્રે ફરીથી જ્‍યારે પોલીસનો કાફલો શાહપુર વિસ્‍તારમાં નીકળ્‍યો ત્‍યારે એક રહીશે પોલીસને કીધું કે, ‘‘સાહેબ, હવે તો બસ કરો, શું છે આ બધું ?” તે વખતે ડી-સ્‍ટાફના પી.એસ.આઈ. તિવારીએ એવી ધમકી આપી કે, અમારે તો તોફાનો કરાવવા છે, તમે તોફાન કરો અને પછી અમે તમને ગોળીએ ધરબી દઈએ.

મારી માંગણી છે કે, આવા અધિકારીની તાત્‍કાલિક બદલી થવી જોઈએ અને તેમની સામે સખત પગલાં લેવા જોઈએ. સરકારે યોગ્ય તપાસ કરવા ખાતરી આપી હતી.